Ghosalkar Murder case update: મૌરીસના બોડીગાર્ડની ધરપકડ, મૌરીસના પરિવારના નિવેદન નોંધાયા, જાણો અપડેટ્સ
મુંબઈ: મુંબઈ પોલીસે શિવસેના (UBT) નેતા અભિષેક ઘોસાલકરની હત્યા અંગે નવી માહિતી જાહેર કરી છે. પોલીસે ગઈ કાલે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી મૌરીસ નોરોન્હાના બોડીગાર્ડની ધરપકડ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અભિષેક ઘોસાળકરની હત્યાના સંબંધમાં બે FIR નોંધી છે.
બોડીગાર્ડની ઓળખ અમરેન્દ્ર મિશ્રા તરીકે થઇ છે. કથિત રીતે અમરેન્દ્રની પિસ્તોલનો ઉપયોગ અભિષેકની હત્યા કરવામાં આવ્યો હતો, તેની આર્મ્સ એક્ટની કલમ 29 (બી) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે મૌરીસ નોરોન્હાને શંકા હતી કે અભિષેક ઘોસાળકરે જ તેને બળાત્કારના કેસમાં ફસાવી દીધો હતો. મોરિસ નોરોન્હાએ લગભગ પાંચ મહિના જેલના સળિયા પાછળ વિતાવ્યા હતા. પોલીસે મૌરીસ નોરોન્હાની પત્ની સહીત પરિવારના સભ્યોના નિવેદનો નોંધ્યા છે. મૌરીસની પત્નીએ પોલીસને આપેલા નિવેદન અનુસાર, તેના પતિને શંકા હતી કે કે અભિષેક ઘોસાળકરે તેને બળાત્કારના કેસમાં ફસાવી દીધો હતો.
બોડી ગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની પત્નીના જણાવ્યા અનુસાર, જ્યારે મૌરીસે તેના પતિને નોકરી પર રાખ્યો ત્યારે તેને પિસ્તોલ ઓફિસમાં છોડી દેવા કહ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, જેલમાંથી બહાર આવ્યા બાદ મૌરીસ નોરોન્હા વારંવાર કહેતો કે તે અભિષેક ઘોસાળકરને નહીં છોડે. તેને પહેલા અભિષેકનો વિશ્વાસ જીતવાનું શરુ કર્યું. મૌરીસ નોરોન્હાએ પોતાના વિસ્તારમાં અભિષેક ઘોસલકરના બેનરો લગાવવાનું શરૂ કર્યું. ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યાની આસપાસ, અભિષેક ઘોસાલકર બોરીવલીના આઈસી કોલોની વિસ્તારમાં આવેલી પોતાની ઓફિસમાં હતા, જે મૌરિસ નોરોન્હાની ઑફિસથી 100 મીટર દૂર છે, ત્યારે તેમને નોરોન્હાનો ફોન આવ્યો.
અધિકારીએ જણાવ્યું કે, મૌરીસ નોરોન્હાએ અભિષેકને તેની ઓફિસમાં આવવા કહ્યું, મૌરીસે કહ્યું કે તેમણે આ વિસ્તારમાં મહિલાઓ માટે સાડી વિતરણનું આયોજન કર્યું છે. નોરોન્હાએ પછી ઘોસાળકરને સૂચન કર્યું કે તેઓ સાથે મળીને કામ કરવાના નિર્ણયની જાહેરાત કરવા માટે ફેસબુક લાઈવ કરે છે.
ફેસબુક લાઈવ દરમિયાન, મૌરીસ નોરોન્હાએ તેના બોડીગાર્ડની પિસ્તોલનો ઉપયોગ કરીને ઘોસાળકરને ગોળીઓ મારી દીધી. ત્યાર બાદ મૌરીસ ઓફિસના ઉપરના માળે દોડી ગયો અને પોતાને માથામાં ગોળી મારી દીધી. કુલ છ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, જેમાંથી 5 ગોળી અભિષેક ઘોસાળકર પર અને એક ગોળી મૌરીસે પોતાના પર ચલાવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આ મામલાની તપાસ માટે બે ટીમો બનાવી છે.