આમચી મુંબઈ

અભિષેક ઘોસાળકરની ગોળી મારી હત્યા મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડની ધરપકડ

બૉડીગાર્ડની પિસ્તોલથી મોરિસે કર્યો હતોે ગોળીબાર

હકીકતમાં બન્યું શું હતું?
મુંબઈ: બોરીવલીમાં ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવકની ગોળી મારી હત્યા કર્યા બાદ હત્યારા મોરિસે આત્મહત્યા કર્યાની ઘટનાને લઇ ફરી એકવાર સરકાર પર ટીકા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ગુંડારાજ હોવાનું કહીને સાંસદ સંજય રાઉતે ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાંની માગણી કરી છે. બીજી તરફ ગોળીબારની ઘટના સમયે ત્યાં હાજર સાક્ષી લાલચંદ પાલે મોરિસની ઓફિસમાં શું બન્યું હતું, તેની વિગત જણાવી હતી.

‘અભિષેક ઘોસાળકરની શાખા બોરીવલીમાં છે. મોરિસે તેને સવારે ૧૧ વાગ્યે ફોન કરીને તેને સાડી અને રેશન વહેંચણીના કાર્યક્રમ માટે આમંત્રિત કર્યો હતો. અભિષેક સર સાંજે છ વાગ્યે ઓફિસમાં આવ્યા હતા. અમે બાદમાં તેમની સાથે મોરિસની ઓફિસમાં ગયા. મોરિસ તેમને અંદરની કેબિનમાં લઇ ગયો. ત્યાં હું પણ જવાનો હતો, પણ મોરિસે મને બહાર થોભવાનું કહ્યું હતું. પંદર-વીસ મિનિટ બાદ મોરિસ બહાર આવ્યો ત્યારે અમે પૂછ્યું કે હજી વાર લાગશે? ત્યારે મોરિસે અમને કહ્યું થોડી વાર થોભો, હું અને અભિષેક ફેસબુક લાઇવ કરી રહ્યા છીએ. બાદમાં આપણને સાડી વહેંચણીનો કાર્યક્રમ કરવાનો છે. થોડી મિનિટો બાદ મોરિસે કહ્યું કે મેહુલને આવવા દે, પછી આપણે કાર્યક્રમ શરૂ કરીશું. ત્યાં મેહુલ આવ્યો, પણ શું થયું ખબર નહીં. તે દસ મિનિટ બાદ ત્યાંથી નીકળી ગયો હતો,’
એમ લાલચંદ પાલે જણાવ્યું હતું.

પાલે ઉમેર્યું હતું કે ‘મેહુલ ગયા બાદ અભિષેક સર મોરિસની કેબિનમાં બેઠા હતા. મેં તેમને કૉલ કર્યો પણ તેમણે રિસિવ ન કર્યો. આથી હું મોરિસની કેબિનમાં ગયો ત્યારે બંને જણ ફેસબુક લાઇવ કરી રહ્યા હતા. હું કેબિનમાંથી નીકળીને રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે ગોળીબારનો અવાજ સંભળાયો. હં દોડીને અંદર આવ્યો ત્યારે મોરિસના હાથમાં પિસ્તોલ હતી અને અભિષેક સર દરબાજા બહાર પડેલા હતા. હું ડરી ગયો અને મેં બૂમો પાડીને કાર્યકરોને બોલાવ્યા. અમે અભિષેક સરને રિક્ષામાં હોસ્પિટલ લઇ ગયા,’ પાલે કહ્યું હતું.

ઉદ્ધવ જૂથના આંતરિક વિખવાદથી ઘોસાળકરની હત્યા: સામંત
શિવસેના ઉદ્ધવ જૂથના તરુણ નેતા અને પૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની ગોળી મારીને હત્યા થયા બાદ ભારતીય જનતા પાર્ટી અને ઉદ્ધવ જૂથ વચ્ચેના આરોપ પ્રત્યારોપથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. તેમ જ વિરોધ પક્ષ દ્વારા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાંની પણ માગણી ઉદ્ધવ જૂથે કરી હતી. તાજેતરમાં રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે અભિષેક ઘોસાળકરની હત્યા મામલે મોટો દાવો કર્યો હતો. સામંતે ઉદ્ધવ જૂથ પર આરોપ કરતાં કહ્યું હતું કે અભિષેક ઘોસાળકરને ગોળી મારનાર આરોપી મોરીસ નોરોન્હાને ઉદ્ધવ જૂથ દ્વારા જ ટેકો આપવામાં આવ્યો હતો અને પાર્ટીના કહેવાથી જ મોરિસ અને ઘોસાળકરની બેઠક યોજાઇ હતી.

ઘોસાળકરની હત્યાના આરોપીના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે સંબંધો હોવાના ફોટા બતાવીને શિંદેની બદનામી કરવામાં આવી રહી છે. જોકે આ પહેલા મોરિસને આધાર આપવાનું કામ ઉદ્ધવ જૂથના સામના દૈનિક દ્વારા થતું હતું. મોરિસના કામોને સામનાથી અને ઘોસાળકરને ઉદ્ધવ ઠાકરેના માતોશ્રી બાંગલાથી સમર્થન મળતું હતું, એવો આરોપી ઉદય સામંતે કર્યો હતો.

હવેથી શસ્ત્ર લાઈસન્સધારકોની પોલીસ તપાસ થશે

મહારાષ્ટ્રમાં ગયા અનેક મહિનાથી ગોળીબારની ઘટનામાં વધારો થયો છે. એવામાં રાજ્યના કાયદા અને સુવ્યવસ્થા પર પ્રશ્ર્નો ઊભા થયા છે, જેથી શસ્ત્ર લાઇસન્સ મુદ્દે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિર્ણય મુજબ રાજ્યના દરેક શસ્ત્ર લાઇસન્સ ધારકોની પોલીસ તપાસ કરાવવામાં આવશે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ મોરિસે ઘોસાળકરની હત્યા કરવા માટે ગેરકાયદે બંદૂક ખરીદી હતી. મુંબઈ પોલીસે મોરિસને કોઈ પણ શસ્ત્રનું લાઇસન્સ આપ્યું નહોતું, જેથી આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

મોરિસની પત્ની-સાસુનાં નિવેદન નોંધાયાં

મુંબઈ: ગોળીબારની તપાસ દરમિયાન પોલીસે મોરિસ નોરોન્હાની પત્ની-સાસુ સહિત અન્ય લોકોનાં નિવેદન નોંધ્યાં હતાં તો મોરિસની સાથે કામ કરનારાઓની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ શુક્રવારે સવારે મોરિસની પત્ની અને સાસુનાં નિવેદન નોંધ્યાં હતાં, જેમાં ઘોસાળકરના કથિત ત્રાસથી મોરિસ હતાશ થઈ ગયો હતો અને તે વારંવાર અભિષેકની હત્યાની વાત કરતો હતો, એવું પત્નીએ કહ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે હાજર સાક્ષીઓને પણ નિવેદન નોંધાવવા બોલાવ્યા હતા. ફેસબુક લાઈવ દરમિયાન મોરિસનો નિકટવર્તી મેહુલ પારેખ કૅબિનમાં આવ્યો હતો. તે ઘટનાસ્થળેથી રવાના થઈ ગયો હતો.

તપાસ બાદ તથ્ય બહાર આવશે: અજિત પવાર
મુંબઈ: અજિત પવારે કહ્યું હતું કે, દહિસરમાં જે ઘટના બની તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આવી ઘટનાઓ મહારાષ્ટ્રમાં ન થવી જોઈએ. મહારાષ્ટ્રમાં છેલ્લા મહિનામાં ગોળીબારના ત્રણ કેસ થયા છે. થોડા દિવસો પહેલા મુળશીમાં ગેંગસ્ટર શરદ મોહોલને તેના સાથીઓએ દિવસે ગોળી મારી દીધી હતી. ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિંદે જૂથના એક પદાધિકારી પર ફાયરિંગ કર્યું હતું. આવી જ ઘટના દહિસરમાં બની હતી. આ ત્રણેય બનાવમાં આરોપી અને પીડિતા એકબીજાના ઓળખીતા હતા. તેમની વચ્ચેનો વિવાદ ફાયરિંગમાં પરિણમ્યો છે.

દરમિયાન, હથિયારના લાઇસન્સ આપવા બદલ પોલીસની ટીકા થઈ રહી છે. અજિત પવારે આ ટીકાનો પણ જવાબ આપ્યો. અજિત પવારે કહ્યું, પોલીસ ખૂબ જ જવાબદારીપૂર્વક હથિયાર લાઇસન્સ આપે છે. પરંતુ એ પણ સાચું છે કે કેટલાક લોકો લાયસન્સ વગર હથિયારો રાખતા થઈ ગયા છે. તપાસ બાદ તથ્ય બહાર આવશે.

સાંત્વના આપવા પહોંચ્યો ઠાકરે પરિવાર
મુંબઈ: ઉદ્ધવ જૂથના પૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની મોરિસ નોરાન્હાએ ફેસબૂક લાઈવ પર ગોળી મારીને હત્યા કરી હતી. ઘોસાળકરની હત્યા બાદ દહીંસર અને બોરીવલી પરિસરમાં શોક પ્રસરી ગયો છે. ઘોસાળકરના મૃતદેહને તેમના બોરીવલીના ઘરે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ઉદ્ધવ જૂથના વડા ઉદ્ધવ ઠાકરે તેમની પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે પણ ઘોસાળકરના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન ઘોસાળકરના મૃતદેહને જ્યારે તેમના ઘરેથી નીચે લાવવામાં આવ્યો હતો ત્યારે ઘોસાળકરના પિતા વિનોદ ઘોસાળકર અને તેની પત્ની અને દીકરી પણ આસુંમાં સરી પડ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેના વિશ્ર્વાસુ ગણાતા અભિષેક ઘોસાળકરની હત્યા બાદ આખું ઠાકરે કુટુંબ ઘોસાળકરના બોરીવલીના ઘરે પહોંચ્યું હતું. આ બાબતે સૂત્રોએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ ઠાકરે અને દીકરા આદિત્ય ઠાકરેએ ઘોસાળકરના ઘરે આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને ઉદ્ધવ જૂથના નેતા ઘોસાળકરના નિવાસસ્થાનની સામે આવેલા એક હોલમાં હતા, તેમ જ ઉદ્ધવ ઠાકરેએ ઘોસાળકરની હત્યા મામલે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી આખી માહિતી જાણી લીધી હતી.

ગાડી નીચે શ્ર્વાન આવે તો પણ વિપક્ષ રાજીનામું માગશે: ફડણવીસ

મુંબઇ: અભિષેક ઘોસાલકરની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કેટલાક લોકો આ ઘટનાને રાજકીય રંગ આપી રહ્યા છે, જે યોગ્ય નથી. બીજી તરફ વિપક્ષ તેમના રાજીનામાની માગ કરી રહી છે. વિરોધ પક્ષની સ્થિતિ એવી છે કે જો એક શ્ર્વાન કારની નીચે આવશે તો પણ તેઓ ગૃહ પ્રધાનના રાજીનામાની માંગણી કરશે.

(અમારા પ્રતિનિધિે તરફથી)
મુંબઈ: ફેસબુક લાઈવ દરમિયાન ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની ગોળી મારી હત્યા કરવાના કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે હત્યારા મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડની ધરપકડ કરી હતી. ઘોસાળકર પર અંધાધૂંધ ગોળીબાર કરી પોતાને પણ ગોળી મારી લેવા માટે મોરિસે તેના બૉડીગાર્ડની પિસ્તોલનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
જૉઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) લખમી ગૌતમે જણાવ્યું હતું કે આ કેસની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૧ દ્વારા શુક્રવારે અમરેન્દ્ર મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે આર્મ્સ ઍક્ટની કલમ ૨૯(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેના નિકટવર્તી ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેકની ગુરુવારે સાંજે બોરીવલીની આઈસી કૉલોની સ્થિત મોરિસની ઑફિસમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ઘોસાળકર પર ગોળીબાર કરવા માટે મોરિસે તેના બૉડીગાર્ડ મિશ્રાની પિસ્તોલનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

અલાહાબાદનો રહેવાસી મિશ્રા છેલ્લાં ચારેક મહિનાથી મોરિસના બૉડીગાર્ડ તરીકે કામ કરતો હતો. પોલીસને ઘટનાસ્થળેથી મળી આવેલી પિસ્તોલનું લાઈસન્સ મિશ્રાના નામે રજિસ્ટર્ડ હોવાનું તપાસમાં જણાયું હતું. ઉત્તર પ્રદેશના ફૂલપુર પોલીસ સ્ટેશન દ્વારા ૨૦૦૩માં લાઈસન્સ ઈશ્યુ કરાયું હતું, જેની મુદત ૨૦૨૬માં પૂરી થવાની હતી, એવું જૉઈન્ટ કમિશનરે જણાવ્યું હતું.
મિશ્રાએ ઉત્તર પ્રદેશથી પિસ્તોલ ખરીદી હતી. મુંબઈ આવ્યા પછી મુંબઈ પોલીસ પાસે પિસ્તોલની નોંધણી કરવાની પ્રક્રિયા તેણે પૂરી કરી નહોતી. ઉપરાંત, પોતાની પિસ્તોલનો ઉપયોગ બીજી વ્યક્તિને તેણે કરવા દીધો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ મિશ્રાની વધુ પૂછપરછ કરી રહી છે.

બોરીવલી-દહિસર પરિસરમાં સમાજસેવક અને મોરિસભાઈ તરીકે ઓળખાતો મોરિસ નોરોન્હા રાજકીય વર્તુળમાં સારીએવી વગ ધરાવે છે. કોરોના કાળમાં નાગરિકોની મદદ કરીને તે કોરોના યોદ્ધા તરીકે પણ પ્રસિદ્ધ થઈ ગયો હતો. મોરિસે રાજકારણમાં પ્રવેશ કરવા માગતો હતો. બોરીવલી-દહિસર પરિસરમાંથી ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા મોરિસની ૨૦૨૨માં પોલીસે ધરપકડ કરી હતી.
ગર્લફ્રેન્ડ સાથે દુષ્કર્મ અને છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે તેની ધરપકડ કરી હતી. ઉપરાંત, અભિષેક ઘોસાળકરની પત્નીએ પણ મોરિસ વિરુદ્ધ એમએચબી કૉલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ, મોરિસનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન મોરિસે તેને પટ્ટાથી ફટકારી હતી, જેને પગલે પત્ની પુત્રી સાથે અલગ રહેવા જતી રહી હતી. આ ઘટનાઓથી મોરિસ હતાશ તો હતો, પરંતુ અભિષેકને પણ જવાબદાર ગણતો હતો.

વેર વાળવાને ઇરાદે જ તેણે સમજૂતીની વાત કરી અભિષેકને ગુરુવારની સાંજે બોરીવલીની આઈસી કૉલોની સ્થિત પોતાની ઑફિસમાં બોલાવ્યો હતો. ફેસબુક લાઈવ પર સમજૂતીની વાતો અને નાગરિકોના હિતનાં કાર્યોની વાત કરી રહેલા અભિષેક પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પોલીસે અભિષેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યારે મોરિસના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ગુરુવારની ઘટના બાદ શુક્રવારે પણ બોરીવલી-દહિસર પરિસરમાં વાતાવરણ તંગદિલીભર્યું જણાયું હતું. ઠેર ઠેર પોલીસ તહેનાત કરી દેવાઈ હતી. સ્થાનિક પરિસરની દુકાનો બંધ રહી હતી તો રસ્તાઓ સૂમસામ નજરે પડતા હતા. ઘોસાળકરના નિવાસસ્થાન નજીક મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા.

તપાસમાં ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ

મુંબઈ: ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની હત્યાના સંવેદનશીલ કેસની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની બે ટીમ બનાવવામાં આવી હતી. ઈન્સ્પેક્ટર રૅન્કના અધિકારીના વડપણ હેઠળની એક ટીમ ઘોસાળકરની હત્યા સંદર્ભેની તપાસ કરી રહી છે, જ્યારે બીજી ટીમ ઘોસાળકરની હત્યા કરનારા મોરિસ નોરોન્હાના મૃત્યુ અંગે તપાસમાં લાગી છે. ઘોસાળકરની હત્યા બાદ મોરિસે પોતાને ગોળી મારી લઈ કથિત આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું. અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકરણે એમએચબી કોલોની પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.

રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી

મુંબઇ: શિંદે જૂથના વિધાનસભ્યો, સાંસદો ગુંડાઓ સાથે દરરોજ ચાય પે ચર્ચા કરી રહ્યા છે. તેથી જ હત્યા અને અપહરણના આવા ગુનાઓ બની રહ્યા છે. રાજ્ય પર લાદવામાં આવેલી આ બંધારણ બહારની સરકારની નિષ્ફળતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રના ગુનેગારો છે. તેઓએ આ શાસન લાદ્યું છે, તેથી દરેક ગામમાં ગુનાખોરી વધી છે. સંજય રાઉતે માગ કરી હતી કે જ્યારથી મોદી-શાહે આ સરકાર અમારા પર લાદી છે, આ સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લાદવાની જવાબદારી તેમની છે.

મોરિસે ફાયરિંગ બાદ માળિયા પર પિસ્તોલમાં બીજી બૂલેટ્સ લૉડ કરીને પોતાને ગોળી મારી
મુંબઈ: ઘોસાળકર પર ગોળીબાર પછી મોરિસે પોતાને ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પિસ્તોલ ખાલી થઈ જતાં ઑફિસના માળિયા પર જઈને તેણે ફરી બૂલેટ્સ ભરી હતી અને પોતાને ગોળી મારી લીધી હતી. ફેસબુક લાઈવ દરમિયાન ઑફિસના ગ્રાઉન્ડ ફ્લોર પર મોરિસે ઘોસાળકર પર ગોળીબાર કર્યો હતો. મોરિસે પિસ્તોલમાંથી પાંચ ગોળી ફાયર કરી હતી, જેમાંથી ચાર ગોળી ઘોસાળકરને વાગી હતી. ત્રણ ગોળી તેના શરીરમાંથી આરપાર નીકળી ગઈ હતી, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઘોસાળકર પર ગોળીબાર પછી મોરિસ પોતાને ગોળી મારવા ગયો હતો, પરંતુ પિસ્તોલ ખાલી હોવાનું તેને જણાયું હતું. ગોળીબારના અવાજથી દોડી આવેલા લોકો ઘોસાળકરને હૉસ્પિટલે લઈ ગયા ત્યારે મોરિસ ઑફિસના માળિયા પર બનાવેલી તેની સિક્રેટ કૅબિનમાં ગયો હતો. ખાનગી મીટિંગ તે મોટા ભાગે આ કૅબિનમાં કરતો હતો. કૅબિનના સેલ્ફમાંથી બૂલેટ્સ કાઢી તેણે પિસ્તોલમાં ભરી હતી અને પછી પોતાને ગોળી મારી લીધી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત