વીક એન્ડ

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧)

ડ્રેગન ઓરગેનિઝેશન એજન્સીએ ભારતની રાજધાની સ્થિત સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના ચીફ ઈન્સ્પેક્ટર નાગપાલને પણ સ્વધામ પહોંચાડવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો હતો.

કનુ ભગદેવ

કેટલી બધી મક્કાર, નીચ અને સ્વાર્થી છે આ દુનિયા! પોતાનો અલ્પ અને ક્ષણજીવી સ્વાર્થ સાધવા માટે અમુક માણસો, તદ્દન હલકી કોટિનાં બની જાય છે અને પોતે માની લીધેલી સમૃદ્ધિને પ્રાપ્ત કરવા ખાતર, જાનવરથીએ વધુ બદતર સ્થિતિમાં પોતાની જાતને ધકેલી દે છે.

આવા દશ માણસો અંગે રાજધાનીના સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના ચીફ ઈન્સ્પેક્ટર નાગપાલને આજે વિચારવું પડતું હતું.

નાગપાલ છેલ્લા થોડા સમયથી મુંબઈમાં હતો. તેને ખાસ દિલ્હીથી મુંબઈ મોકલવામાં આવ્યો હતો. ચીનમાં આવેલી એક સંસ્થા -D.O.A. અર્થાત્ ડ્રેગન ઓરગેનિઝેશન એજન્સી, કે જેના વિષે સમગ્ર સંસારમાં એવી અફવા હતી કે તે ચીની લૂંટારાઓ, ખૂનીઓ, ધાડપાડુઓ અને ખતરનાક બ્લેકમેઈલરોની સંસ્થાની સ્થાપના પાછળ કોઈ ચોર-લૂટારાનો નહીં પણ ત્યાંના જાસૂસીખાતાના ચબરાક ભેજાનો હાથ હતો. દેખાવ ખાતર બ્લેકમેઈલ, લૂંટમાર અને ખૂનો કરતી આ સંસ્થાનું મૂળ કામ સંસારના જુદા જુદા દેશના ચબરાક જાસૂસોને શોધીને તેમને સ્વધામ પહોંચાડવાનું હતું, ખાસ કરીને ચીન જેને પોતાના દુશ્મન રાષ્ટ્રો માનતું હોય, એવા દેશના જાસૂસોની પાછળ આ એજન્સી ઘણો સમય થયો પડી હતી. હવે એ તો સ્પષ્ટ જ છે કે ચીન ભારત જેવા શાંતિપ્રિય દેશને પણ પૂર્વગ્રહથી પીડાઈને પોતાનું દુશ્મન માને છે. ડ્રેગન ઓરગેનિઝેશન એજન્સીએ ભારતની રાજધાની સ્થિત સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના ચીફ ઈન્સ્પેક્ટર નાગપાલને પણ સ્વધામ પહોંચાડવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો હતો.

એક કહેવત છે કે જર, જમીન અને જોરુ આ ત્રણ કજિયાનાં છોરુ છે. કોઈ પણ ઝઘડાના મૂળમાં ડોકિયું કરો તો આ ત્રણમાંથી જ એક કારણરૂપ નજરે ચડશે. એમાં પણ આજે તો ધનને ખાતર ન કરવા જેવા કામ થાય છે. ડ્રેગન ઓરગેનિઝેશન એજન્સીએ આ કહેવતનો લાભ ઉઠાવ્યો હતો. ભારત પ્રત્યે ખોટી ઈર્ષ્યાથી પ્રરાઈને એણે ધન અને નારીની મદદથી, ભારતમાં ચારે તરફ ઉલ્કાપાત મચાવવાનો પ્લાન ઘડી કાઢ્યો, અને એ પ્લાન શામ, દાસ, દંડ અને ભેદથી ભારતમાં જ દશ જેટલા મોટા અને સમાજમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવતા માણસોને પોતાના હાથ પર લીધા. આ દશેદશ માણસો કોઈ હાલીમવાલી કે સામાન્ય નહીં, પણ ખૂબ જ મોટા અને સમાજના આધારસ્થંભ ગણાતા હતા, અને તેઓની પહોંચ છેક સુરક્ષા-મંત્રાલય સુધી હતી, આ દશે-દશને દુનિયાના જુદા જુદા દેશોની રૂપસુંદરીઓના માધ્યમથી ફસાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં એજન્સીએ તેઓની બીભત્સ તસવીરો પણ ખેંચી હતી, અને ત્યારબાદ તેઓને બ્લેકમેઈલ કરવામાં આવ્યા. એકમાત્ર ઈજ્જત આબરૂને બચાવવા ખાતર આ દશે-દશ માલેતુજારો એજન્સીના હાથનું રમકડું બની ગયા.D.O.A.. ના હુકમનું પાલન કરવામાં જ એમને પોતાની તથા ઈજ્જતની સલામતી લાગતી હતી…
ચીની હત્યારાઓ એટલે કે D.O.A.. ના સંચાલકો, આટલેથી જ ન અટક્યા. એમણે આ દશેદશ આધારસ્થંભના હાથે ખૂનો કરાવી, ચોરીઓ કરાવી અને પછી તેમના એકરાર પત્ર અને કબૂલાતનામાં પણ લખાવી લીધાં અને આ રીતે તેઓના પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી દીધી. આ બધું કેમ અને કેવી રીતે થયું? એ જણાવવા બેસીશ તો આપણી મૂળ વાતો જ બાકી રહી જશે. ટૂંકમાં આ દશેદશ માણસો હવે પોતાની ઈજ્જત-આબરૂ જવાના ભયથી ઉ.ઘ.અ. ના આદેશનું જરીકે ચૂં-ચાં કર્યા વગર પાલન કરતા રહ્યા. આ દશમાં કોઈક મિલમાલિક હતો તો કોઈક સરકારી વિભાગનો ઉચ્ચ ઓફિસર…! આમ સમાજમાં તેઓની હેસિયત ખૂબ જ ઊંચી હતી, અને પછી સમયના વહેણ સાથે ભારતનું અર્થતંત્ર ખોરવવાનો, સરકારની સામે નવો વિરોધપક્ષ ખડો કરવાનો અને દેશમાં ભયંકર રીતે અંધાધૂંધી ફેલાવવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો, અને એ મુજબ ભારતનાં મોટાં મોટાં શહેરોમાં કામગીરી શરૂ કરવાનું કાવતરું આ દશને સોંપાયું. કલકત્તા, દિલ્હી, મદ્રાસ, મુંબઈ, કાનપુર, સુરત, વડોદરા, અમદાવાદ વિગેરે મોટાં શહેરોમાં આ દશેદશના ખાંધિયાઓ ફેલાઈ ગયા, પૈસાનો કે ખર્ચનો કોઈ સવાલ જ ઉપસ્થિત નહોતો થતો. આ દશેદશ માણસો પરદા પાછળ રહેતા અને એમના માણસો સોંપવામાં આવેલું કામ પાર પાડતા આ લોકોનું કામ બજારમાંથી જીવન-જરૂરિયાતની વસ્તુઓને અદશ્ય કરવાનું હતું. તેલ, અનાજ અને રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ બજારમાંથી અદશ્ય થવા લાગી. પરિણામે સંઘરાખોરીની સાથે સાથે મોંઘવારી પણ વધી ગઈ. ગરીબ અને મધ્યમ વર્ગના માણસો તો ઠીક, પણ શાંતિપ્રિય અને ઠીક ઠીક કહી શકાય એવા શ્રીમંતો પણ મોંઘવારીનું આ ભયંકરરૂપ જોઈને ઘડીભર થરથરી ઊઠયા. ચોરેને ચૌટે મોંઘવારી, દુષ્કાળ, ગરીબી અને ભૂખમરાઓની ચર્ચા થવા લાગી અને આવી ચર્ચાઓમાં સૂર પુરાવવા માટે પેલા કાધિયાઓના માણસો પણ ભાગ લેતા તથા આડકતરી રીતે સરકારનો જ દોષ કાઢતા. આમ પ્રજાને એક તરફ સરકાર સામે ઉશ્કેરવામાં આવી રહી હતી, અને સરકાર સામે જેહાદ જગાડવા માટે પક્ષોની સ્થાપના થતી હતી. તો બીજી તરફ ચીજ વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવતી હતી. પરિણામે પ્રજા કંટાળી ગઈ હતી. રોજેરોજ આ ત્રાસ વધતો ગયો. ભાંગફોડિયાઓ આટલેથી જ ન અટક્યા. દુષ્કાળ પીડિત જિલ્લામાં સરકાર તરફથી મોકલવામાં આવતી અનાજની રાહત-ટ્રેઈનો પણ આ લોકોથી લૂંટવી-અથવા તો ઉથલાવી પાડવી… દરરોજ કોઈકને કોઈક ઉલ્કાપાત થવા લાગ્યા. અને પછી આ બધી ધમાલ પાછળ કોઈક વિદેશી હાથ હોવાની સરકારને શંકા જાગી… અને ત્યાર બાદ તપાસનાં ચક્રો ગતિમાન થયાં, ખૂબ જ જહેમત પછી મુંબઈમાંથી એક માનવીને ગિરફતાર કરવામાં આવ્યો, એનું નામ હતું વિમલ આહુજા! વિમલ આહુજા મુંબઈના એક બડા દાદર ખાતે પોતાની માલિકીનો કાપડનો મોટો સ્ટોર્સ ધરાવતો હતો. બે વર્ષ પહેલાં એ ખૂબ જ સીધો-સાદો માણસ હતો. પરંતુ તે અચાનક D.O.A.. ના દશ પૈકી એકના હાથમાં ઝડપાયો, એ બિચારાને રંગીનીના દરિયામાં ઉતારવામાં આવ્યો.

અને પછી શરૂ થતું બ્લેક-મેઈલિંગ! વિમલ આહુજા ગભરાયો પોતાની ઈજ્જત-આબરૂ જિંદગી અને બાલબચ્ચાંની સલામતી માટે તેને પોતાનો આત્મા વેચવો પડ્યો. પોતે દેશદ્રોહ કરી રહ્યો છે, એનું એને પૂરતું ભાન હતું અને એ માટે તેનો આત્મા તેને ડંખતો હતો, એને જે કામ સોંપવામાં આવ્યું, તે હીન-કક્ષાનું હતું. અઠવાડિયામાં એક વખત તેને પોતાની જ હેસિયત ધરાવતા એક શિકારને મોજશોખના બહાને ફસાવીને એક છૂપા અડ્ડામાં લઈ આવવાનો હતો. પછી એ શિકારની પણ બીભત્સ તસવીરો ખેંચવામાં આવતી અને ત્યારબાદ તેને પણ બ્લેકમેઈલ કરવામાં આવતો. પણ ધીમે ધીમે વિમલ આહુજાને જાણ થઈ ગઈ કે દેશમાં જે બેકારી, ભૂખમરો અને કાળોકેર ફેલાયો છે, એની પાછળ કોઈક વિદેશી તાકાતનો હાથ છે. તેનું મન ઘણું કચવાયું. એને લાગ્યું કે પોતે હાથે કરીને પોતાના દેશને નબળો પાડવા માટે પ્રયાસો કરી રહ્યો છે પોતાના એક કુટુંબના રક્ષણ ખાતર તે હજારો કુટુંબોનો આડકતરી રીત સર્વનાશ નોતરી રહ્યો છે આદેશનો ઈન્કાર કે આનાકાની કરવાનો કોઈ અર્થ જ નહોતો; કારણ, એમ કરવા જતાં તેને કોઈ પણ પળે મોતને ભેટવું પડે તેમ હતું, છતાં પણ એણે નક્કી કર્યું કે પોતે હવે આવા નીચ અને ઝલીલ કામમાં બદમાશોને સાથ નહીં આપે. એક દિવસ એણે ચુપચાપ વરસતા વરસાદમાં મધરાતે પોતાનાં બાલબચ્ચાંઓને છૂપી રીતે પુષ્કળ ધન સાથે દેશમાં રવાના કરી દીધાં. સુધરેલા ગુંડાઓના હાથેથી મરવા કરતાં એણે પોતે જ આત્મહત્યાનો નિર્ણય કર્યો. આત્મહત્યા કર્યા પહેલાં એણે પોતાની તમામ આપવીતી એક કાગળમાં પૂરેપૂરી વિગતો સાથે લખી. સાથે જ અમુક દેશદ્રોહીઓનાં નામ-સરનામાંની યાદી પણ લખી, અને ત્યાર બાદ એણે એ તમામ દસ્તાવેજી કાગળપત્રો મુંબઈના પોલીસ કમિશનરને ટપાલમાર્ગે રવાના કરી દીધા. કુટુંબ અને પોતાની ઈજ્જતનો ખ્યાલ આવતાં જ એનું મન ભરાઈ આવ્યું હતું. બધું કામ ચોકસાઈપૂર્વક કર્યા પછી એ ઘરની બહાર નીકળ્યો. વરલીના દરિયામાં તેણે આત્મહત્યાનું નક્કી કર્યુ. તે વરલીના સાગરકાંઠે પહોંચ્યો. પરંતુ તે પોતાના ઈરાદામાં સફળ થાય એ પહેલાં જ અંધકારમાં ભૂતના ઓળાની જેમ એક કોન્સ્ટેબલ ફૂટી નીકળ્યો. એ તુરત જ તેના ઈરાદાને પારખી ગયો, અને તેને પોલીસ સ્ટેશનમાં લઈ ગયો.

અને પછી વિમલ આહુજા પર આત્મહત્યા કરવાના પ્રયાસનો ચાર્જ મુકાયો. એ પછી વિમલ આહુજાએ પોલીસને જે સ્ટેટમેન્ટ આપ્યું તે સનસનાટી ભરેલું હતું.
બીજે દિવસે મુંબઈના પોલીસ કમિશનરને તેનો પત્ર મળી ગયો.

અંદરની વિગતો વાંચીને તેઓ ચોંકી ઊઠયા.

અને પછી ત્રીજા દિવસથી જ મુંબઈમાં ધડાધડ ગિરફતારી થવા લાગી. બદમાશોનો એક અડ્ડો કે, કે જે જોગેશ્ર્વરીમાં હતો, ત્યાં પોલીસે છાપો માર્યો, ત્યાંથી ત્રીસ બદમાશો, શિકાર થવા માટે આવેલા મુંબઈના ચાર માલેતુજાર વેપારીઓ અને સાત બેહદ આકર્ષદ અને ખૂબસૂરત યુવતીઓની ધરપકડ કરવામાં આવી.

તપાસ કરતાં એ અડ્ડામાં એક ગુપ્ત ભોયરું પર મળી આવ્યું જોકે તેમાં કશું જ નહોતું. અડ્ડોના બહારથી એક અવાવરું જેવા પણ અંદરથી અપ-ટુ-ડેટ ખંડમાંથી સિંગતેલના લગભગ જથ્થો મળી આવ્યો. ત્યાંથી અમુક કાગળપત્રો પણ મળ્યા, એના પરથી પુરવાર થયું કે આ બધો માલ ચોરીછૂપીથી દરિયામાર્ગે દુબઈ, મસ્કત વિગેરે અલગ અલગ સ્થળોએ મોકલવાનો હતો.
અડ્ડામાંથી પકડાયેલા માણસોનો એક આગેવાન પણ હતો. એનું નામ રોશનલાલ!

પોલીસે રોશનલાલ પર ચૌદમું રતન અજમાવ્યું. ખૂબ જહેમત અને ભયંકર ધમકીઓ પછી રોશનલાલે જીભ ઉઘાડી: ‘આ માલ કોનો છે અને ક્યો મોકલવાનો છે એ અંગે હું કશું જ નથી જાણતો, મારે તો આ માલ બિહારી નામના એક માનવીને સોંપી દેવાનો હતો.’
‘બિહારી કોણ છે?’ એને પૂછવામાં આવ્યું.

‘હું એ પણ નથી જાણતો સરકાર!’ રોશનલાલે જવાબ આપ્યો, ‘હું આપને શરૂઆતથી જ જણાવું છું. બે વર્ષ પહેલાં હું કલકત્તાની જેલમાં હતો, એક માણસને છૂરી મારવાના આરોપસર મને સજા પૂરી થતાં હું જેલમાંથી છૂટ્યો. જેલની બહાર મને એક માણસનો ભેટો થયો. દેખાવ પરથી શ્રીમંત અને સુખી લાગતો હતો, એણે મને સારી એવી નોકરીની ઓફર આપી. મારા જેવા જેલના પંખીને નોકરી આપવી તો ઘેર ગઈ, કોઈ ઊભો રહેવા પણ ન દે એવી સ્થિતિ. આ માણસ મારા કરતાં બીજા કોઈક સારા માણસને શા માટે નોકરીની ઓફર નહીં કરતો હોય એવો મને વિચાર આવ્યો. પરંતુ પછી મેં કુતૂહલ મનોમન દબાવી દીધું. કારણ કે મારે પૈસાની જરૂર હતી અને પૈસા જોઈતા હોય તો નોકરી કે કામ-ધંધો કરવો જ જોઈએ. મેં તેને હા પાડી એટલે તે મને પોતાની સાથે કલકત્તાથી ચારેક માઈલ દૂર આવેલા એક ગામડામાં લઈ ગયો ત્યાં એક મકાનમાં તે એકલો જ રહેતો હતો. એ વખતે તેણે મને નવાં કપડાં આપ્યાં. કામ શું કરવાનું છે, એ અંગે મેં તેને પૂછયું ત્યારે એણે જવાબ આપ્યો કે, હાલનાં તબક્કામાં આપણા દેશમાં બેકારી, મોંઘવારી અને ભૂખમરો ફેલાયેલો છે, અને એ પ્રત્યે સરકાર આંખઆડા કાન કરી રહી છે. આગામી ચૂંટણીમાં સરકારની સામે અનેક વિરોધ પક્ષો ઊભા રહેવાના છે અમારો પણ એક પક્ષ છે, અને એનું નામ છે- “માનવપક્ષ તારે એ પક્ષનો પ્રચાર કરવાનો.. અને લોકોમાં હાલની સરકાર પ્રત્યે અસંતોષ ફેલાય, એવી વાતો કરવાની! મને આ કામ ઘણું સરળ લાગ્યું એણે મને પોતાનું નામ આશુતોષ આપ્યું હતું. બીજે દિવસે અમે બંને સાથે જ કલકત્તા ગયા આશુતોષે મને જણાવ્યું કે પોતે હવે તેને અઠવાડિયામાં બે વખત સાંજે સાત વાગ્યે મેટ્રો ટોકીઝની લોબીમાં મળતો રહેશે એણે મને થોડા રૂપિયા આપ્યા. ત્યારબાદ એ ચાલ્યો ગયો.’ રોશનલાલ શ્ર્વાસ લેવા થોભ્યો.

થોડીવાર પછી એણે આગળ ચલાવ્યું:
‘હું આશુતોષમાં ક્રમના સૂચના પ્રમાણે કલકત્તાના પછાત વિસ્તારમાં તથા આજુબાજુનાં ગામડાંઓમાં ફરતો રહ્યો. બેકારી. મોંઘવારી અને ભૂખમરા પાછળ સરકારનો જ હાથ છે, એવી વાતો લોકોમાં ફેલાવતો રહ્યો. લગભગ એક મહિનો આ રીતે મેં કામ કર્યું અને એ દરમિયાન અઠવાડિયામાં બે વખત નક્કી થવા મુજબ સાંજે સાત વાગે આશુતોષ મને મેટ્રો ટોકીઝની લોબીમાં મળતો રહ્યો. દરેક અઠવાડિયે તે મને એકસો રૂપિયા આપતો. હું એને મારા કામની વિગતો આપતો રહેતો. ત્યારબાદ આશુતોષ મને ન મળ્યો બે અઠવાડિયાં સુધી મેં મેટ્રો પાસે ચક્કર લગાવ્યાં પણ વ્યર્થ. તે દેખાયો નહીં, અચાનક મને તે સૌથી પહેલી મુલાકાતમાં જે ગામડે લઈ ગયો ત્યાં જવાનો વિચાર આવ્યો. હું તરત જ ટેક્સીમાં બેસી એ ગામમાં પહોંચ્યો. જે મકાનમાં તે મને લઈ ગયો હતો એ ખાલીખમ હતું. આજુબાજુમાં પૂછપરછ કરતાં મને જણાવ્યું કે એ મકાન એક મારવાડીએ ૧૫-૨૦ દિવસ પૂરતું ભાડે રાખ્યું હતું, અને તે ક્યારનોયે ખાલી કરી ગયો છે. નિરાશ થઈને હું પાછો ફર્યો. પરંતુ બીજે જ દિવસે એકાએક મને આશુતોષની મુલાકાત ભવાનીપુર સ્થિત લેન્સ રોડની પંદર નંબરની ઈમારત પાસે થઈ ગઈ. પોતે અચાનક બીમાર પડી ગયો હતો, એવો એણે મારી સમક્ષ ખુલાસો કર્યો પછી તે મને એક હોટલમાં લઈ ગયો, એક ખાલી કેબિનમાં અમે બેઠા. એણે બે કપ ચાહ મંગાવી, અને વેઈટર મૂકી ગયા બાદ એ ધીમા અવાજે બોલ્યો, દોસ્ત રોશનલાલ! તારા કામથી અમારા બોસ ખુશ છે, એમણે તને મુંબઈ મોકલવાનું નક્કી કર્યું છે, ત્યાં પણ તારે આ જ કામ કરવાનું છે. જો તારે જવાની ઈચ્છા હોય તો પછી હું તને વધારે વિગત આપું.’
‘તમે મને વિગત આપો એ પહેલાં મારે અમુક વાતો જણાવવી છે.’ મેં તેને કહ્યું.
‘બોલ…’
‘તમારી આ પ્રવૃત્તિઓ પાછળનો આશય શું છે?’
‘આશય…? ’ એ ખડખડાટ હસી પડતાં બોલ્યો હતો, ‘આશય એટલો જ છે મારા દોસ્ત, કે ભારતની પ્રજા, જે અત્યારે ભૂખમરો વેઠી રહેલ છે, તે સુખી થાય. અત્યારની સરકારના કાન ગરીબોની દાદ-ફરિયાદ સાંભળવા માટે બહેરા બની ગયા છે. જો આ સરકાર હટશે તો જ આ દેશની પ્રજા સુખી થશે અને સરકારને ખસેડવી હોય તો પહેલાં લોકોને એની વિરુદ્ધ ભડકાવવાના રહેશે. અમારા માનવપક્ષનો એ જ મુખ્ય હેતુ છે.’

‘પણ આ કામમાં તો હજારો માણસોની જરૂર પડે, અને તેમાં રૂપિયા પણ પુષ્કળ જોઈએ.’

‘સાચી વાત છે.’ એ કહ્યું, ‘રૂપિયાની કોઈ જ ચિંતા નથી. આ કામ માટે લાખો રૂપિયાનું, બલ્કે કરોડોનું ફંડ અમારા પક્ષ પાસે છે અને તારા મારા જેવા હજારો માણસો પોતાને સોંપવામાં આવેલું કામ કરી રહ્યા છે.’
‘તમારો બોસ કોણ છે.’
એ ફરીથી હસ્યો. પછી એણે કહ્યું ‘દોસ્ત સાચું પૂછતો હોય તા હું પોતે પણ નથી જાણતો.’
‘એટલે…?’
આશુતોષ અટક્યો, ‘તું આ વાત ભૂલેચૂકે પણ ક્યાંય કદાપિ ઉચ્ચારીશ નહીં, નહીં તો બીજે જ દિવસે તારી લાશને મુંબઈની ગલીના સડેલા કૂતરાઓ ચૂંથતા હશે. સંભાળ, તારી અને મારી આ છેલ્લી મુલાકાત છે. મને અહીંથી દિલ્હી જવાનો આદેશ મળ્યો છે. અનાયાસે જ મને આ પત્ર વિષે જે જાણવા મળ્યું છે તે તને કહું છું, મેં જે સાંભળ્યું છે, એ પરથી એમ લાગે છે કે આ માનવપક્ષ ગરીબોની સેવા કરવાના બહાના હેઠળ હાલની સરકારને ગમેતેમ કરીને ઉથલાવવા માગે છે, અને આ કાર્ય કોઈક વિદેશી એટલે કે ભારતના દુશ્મન રાષ્ટ્રનો હાથ છે-ઘણું કરીને ચીનનો! ચીનમાં એક સંસ્થા છે ડ્રેગન ઓરગેનિઝેશન એજન્સી….! દુનિયાની નજરમાં તે એક ધાડપાડુઓ અને ખૂનીઓની સંસ્થા છે, પરંતુ હકીકતમાં તે ચીનની સરકારની એક જાસૂસી સંસ્થા છે આ સંસ્થાનું ટૂંકુ નામ ડી.ઓ.એ. છે. આ ડી.ઓ.એ.ના જાસૂસોએ ભારતમાં આઠ-દસ જેટલા ઉચ્ચ વર્ગના અતિશિક્ષિત, બુદ્ધિશાળી, માલેતુજાર અને બેહદ લાગવગ ધરાવતા દશ જેટવા માણસોને યેન-કેન પ્રકારેણ રીતે પોતાના હાથ પર લીધા છે એ લોકોએ એવી સ્થિતિ ઊભી કરી છે તે હવે એ દેશ-દશ માણસો જો ડી.ઓ.એ.ના હુકમનો અનાદર કરે તો કાં તો તેમણે આપઘાત કરવા પડે. અથવા તો પછી જિંદગીભર જેલમાં સડવું પડે, અગર ફાંસીએ લટકવું પડે વધુ વિગત તો હું નથી જાણતો. પણ એ દેશ-દશ માણસો પ્રજા અને સરકારમાં ખૂબ સારું માન ધરાવે છે. બનવાજોગ છે કે કદાચ તેઓ પણ પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ ડી.ઓ.એને સાથે આપતી હોય! દરેક માણસની કોઈક ને કોઈક નબળી કડી હોય જ છે. આ દશે-દશને કદાચ ધનથી, અગર રૂપસુંદરીઓ દ્વારા ફસાવવામાં આવ્યા હોય! એમની બીભત્સ તસવીરો ખેંચી હોય, અને પછી એના જોર પર બ્લેકમેઈલ કરીને તેઓને આદેશનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી હોય! જે હોય તે! આ બાબત વધુ ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી, એટલે હવે હું ટૂંકામાં પૂરું કરીશ. કલકત્તા, દિલ્હી, મદ્રાસ, મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, કાનપુર, પૂના અને બેંગલોર…! આ દશ શહેરોમાં એક એક બોસ છે. વર્ષમાં એક વખત તેઓ મુકરર કરેલા દિવસે કોઈ પણ એક શહેરમાં ભેગા થાય છે, અને મિટિંગ ભરે છે, તારા-મારા જેવા તો સાત જન્મ સુધી પણ તેઓ સુધી પહોંચી શકે તેમ નથી કારણ કે એમની નીચે જે માણસ હોય, તેની નીચે પણ એક બીજો જ માણસ હોય છે, અને એ બીજાના હાથ નીચે ચોથો… અને આવા તો કેટલાયે માણસો, કેટલાયના હાથ નીચે કામ કરતા હશે, અને મારા સાંભળવા પ્રમાણે એ દશે-દશ માનવીઓ એટલા બધા ધૂર્ત, કાબેલ, મુત્સદ્દી અને ગણતરીબાજ છે કે તેઓએ પોતાની પાછળ કોઈ પગેરુ જ નહીં રહેવા દીધું હોય! ખેર… જે હોય તે! કહીને આશુતોષ ચૂપ થઈ ગયો… બસ…’ રોશનલાલે પોલીસ ઓફિસર પાસે પોતાનો દાસ્તાન પૂરી કરી.

એનો ચહેરો ઊતરી ગયો હતો. આંખો નિસ્તેજ હતી.

મુંબઈનો ચીફ પોલીસ ઈન્સ્પેક્ટર એની સામે તાકી રહ્યો…
‘મારે તને થોડા સવાલો પૂછવા છે.’ એણે રોશનલાલ સામે જોતાં કહ્યું.
‘પૂછો…’
‘તારી દાસ્તાન હજુ અધૂરી લાગે છે, મુંબઈ આવ્યા પછી તે શું કર્યું ?’
‘વધુ કશુંએ કહેવાનું નથી સાહેબ!’ રોશનલાલ બોલ્યો. એનો અવાજ એકદમ ભારે બની ગયો હતો અને આંખોમાં આંસુ ચમકતાં હતાં. કદાચ પશ્ર્ચાત્તાપથી તેનો આત્મા કકળી ઊઠ્યો હતો.
‘છતાં પણ તું કહે તો ખરો.’

‘મુંબઈ આવીને મેં આશુતોષના જણાવ્યા પ્રમાણેની કામગીરી અમલમાં મૂકી. કાલબાદેવી પર ઉપરા-ઉપરી પાંચ દિવસે કોકાકોલા અને ફેન્ટા પીધા છેલ્લે દિવસે મને એક માણસ મળ્યો અને…’
‘થોભ…’ ઈન્સ્પેક્ટર વચ્ચે કુદ્યો, ‘એનું નામ શું હતું?’

‘એ હું નથી જાણતો સાહેબ!’ રોશનલાલ કડવું હાસ્ય કરતાં બોલ્યો.
‘કમાલ છે…’
‘કમાલ નથી સાહેબ! કારણ કે એ માણસ મને ફક્ત બે જ મિનિટ માટે મળ્યો હતો. મુંબઈમાં મને લગભગ બે વર્ષ થયાં, આટલા સમયમાં તે ફરીથી ક્યારેય મને નથી મળ્યો…’
‘ઓહ…!’
‘એણે આવીને કશુંએ બોલ્યા વગર મારા સામે બે રૂપિયાની નોટનો અર્ધો ટુકડો ફક્ત એક ક્ષણ પૂરતો મારા આંખો સામે લહેરાવીને પછી તુરત ગજવામાં મૂકી દીધો. મેં પણ મારો ટુકડો તેને બતાવ્યો, એણે કશુંએ બોલ્યા વગર મને પોતાની પાછળ આવવાનો સંકેત કર્યો. લગભગ દશ મિનિટ ચાલ્યા બાદ તે એક હેર-કટિંગ સલૂનની બાજુમાં આવેલી ઈરાનીની હોટલમાં દાખલ થયો. એ વખતે ત્યાં ખાસ ભીડ નહોતી. ખૂણાના એક ટેબલ પર અમે બંને ગોઠવાયા, પછી એણે પોતાના ગજવામાંથી નોટનો અર્ધો ભાગ બહાર કાઢ્યો. એનો સંકેત જોઈને મેં પણ મારો ટુકડો એના હાથમાં આપ્યો. એણે ઝડપથી બંને ટુકડાઓને ટેબલ પર વ્યવસ્થિત રીતે જોડ્યા. એના ટુકડાની વચ્ચેની કિનારી મારા ટુકડાની વચ્ચેની ખાંચોમાં એકદમ બંધ બેસતી થઈ ગઈ. એના ચહેરા પર સંતોષનાં ચિહ્નો છવાયાં. ત્યાર બાદ એણે મારા હાથમાં એક લાંબું કવર મૂક્યું અને પછી ચુપચાપ ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો, એના ગયા બાદ મેં કવર ઉઘાડ્યું. અંદર ટાઈપ કરેલો એક પત્ર તથા સો સો રૂપિયાવાળી સાત નોટો હતી, પત્રમાં એટલું જ લખ્યું હતું:
નોટોને ગજવામાં મૂકી દો; તમે જે શહેરમાંથી આવ્યા છો, ત્યાં જે કામ કરતા હતા, એ જ કામ અહીં મુંબઈમાં, સમય ગુમાવ્યા વગર શરૂ કરી દો. દશ દિવસ પછી, એટલે કે આજથી અગિયારમે દિવસે સાંજે સાત વાગ્યે ચર્ચગેટ સ્ટેશન પર રેલવે બુક સ્ટોલ નજીક પીળો સૂટ પહેરીને આવજો. ટાઈ પણ પીળી જ બાંધજો અને તમારા ડાબા હાથમાં બે આંગળીઓ વચ્ચે સળગતી સિગારેટ પૂરી ન થાય ત્યાં સુધી રાખશો. સિગારેટને ફૂંકશો નહિ. આ પત્રને હમણાં જ બહાર જઈને ફાડી નાખજો. પત્રની સાથે પાંચ રૂપિયાવાળી નોટનો પોણો ટુકડો હતો, અને પત્રની નીચે કોઈનું નામ નહોતું.’ કહીને રોશનલાલ ચૂપ થઈ ગયો.

‘કમાલ છે.’ ઈન્સ્પેક્ટર બબડ્યો, ‘આ તો કોઈક ભેદભાવથી ભરપૂર જાસૂસી નવલકથા જેવું લાગે છે. ખેર! પછી શું થયું…?’
પરંતુ રોશનલાલ એનો જવાબ આપે એ પહેલાં જ એક સબ-ઈન્સ્પેક્ટર અંદર આવ્યો.

‘આવો મિ. કદમ!’
‘સર…’ એ કોલ્યો, ‘થોડા દિવસ પછી ચુકાદો છે, તે આપને યાદ છે ને?’
‘શાનો ચુકાદો?’
‘ઓહ…માઈ…ગોડ…! હું તો સાવ ભૂલી જ ગયો હતો. ઓ.કે…આ બાબત માટે આપણે સાંજે મળીશું, બીજું કંઈ…? ’
‘બસ…’ અને એ સેલ્યુટ ભરીને બહાર નીકળી ગયો. એના ગયા બાદ એ રોશનલાલ તરફ ફર્યો, ‘હા, હવે તું આગળ ચલાવ.’
‘પછી દશ દિવસ સુધી હું મુંબઈનાં પરાંઓ રખડતો રહ્યો. એ વખતે મુંબઈમાં, ગુજરાતમાં ચાલી રહેલા ત્રીજા દુષ્કાળ અને ભૂખમરાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. ગુજરાતમાં અમુક મોટાં શહેરોમાં અનાજ તો ઠીક, પીવાના પાણીની પણ અસહ્ય તંગી પડતી હતી. લોકોમાં જુદી જુદી ચર્ચાઓ થતી હતી, મોટે ભાગે લોકો આ પરિસ્થિતિની જવાબદારી સરકારની જ સમજતા હતા. સરકાર ધારે તો આ બધી તકલીફોનું નિવારણ તાત્કાલીક થઈ જાય એવી વાતો થતી હતી. હું પણ તેમાં આડકતરી રીતે સૂર પુરાવતો હતો, અગિયારમાં દિવસે હું પીળા સૂટ અને પીળી ટાઈમાં સજ્જ થઈને નિયત કરેલા સમયે ચર્ચગેટ રેલવે સ્ટેશનમાં બુક સ્ટોલ પાસે પહોંચી ગયો. મારા ડાબા હાથની બન્ને આંગળીઓ વચ્ચે સિગારેટ સળગતી હતી. ધીમે ધીમે લગભગ વીસ મિનિટ પછી એ સિગારેટ પૂરી થઈ ગઈ. મેં તેને બૂટના તળિયાં નીચે મસળી નાખી. એ જ વખતે એક માણસ અચાનક મારી સામે આવીને ઊભો રહ્યો. દેખાવ પરથી તે કોઈક પારસી લાગતો હતો. એણે મારી સામે પોતાનો હાથ સ્વાભાવિકતાથી લંબાવ્યો. એ હાથમાં પાંચ રૂપિયાવાળી નોટનો ૨૫% જેટલો ભાગ હતો. મને તરત જ પત્ર સાથે મળેલો પોણા ભાગવાળો ટુકડો યાદ આવ્યો મેં તે ગજવામાંથી કાઢીને તેના હાથમાં મૂકી દીધો. પળમાં જ એણે મને સાચા આસામી તરીકે ઓળખી કાઢ્યો. તેણે હસીને મારી સાથે હાથ મિલાવ્યા. મારા પીળા પોશાકમાં હું બેહદ હાસ્યાસ્પદ લાગતો હતો, અને લોકો મારી સામે ઊડતી નજરે જોઈને હોઠમાં હસતા પસાર થઈ જતા હતા, એ મને પોતાની સાથે જોગેશ્ર્વરી લઈ આવ્યો. જે અડ્ડામાંથી આપે મારી ધરપડક કરી, એ જ અડ્ડાની હું વાત કરું છું, ત્યાં લગભગ પચાસ માણસો હતા. એણે તમામ માણસોને સૂચના આપી કે આજથી તમારે રોશનલાલ નામના આ માણસના હાથ નીચે કામ કરવાનું છે. બસ સાહેબ! ત્યાર બાદ હું એ જ સ્થળે રહીને મને મળતા હુકમોનું પાલન કરતો હતો.’ કહીને રોશનલાલ ફરીથી ચૂપ થઈ ગયો.
‘આઈ.સી.’ ઈન્સ્પેટર બબડ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button