રાજ્યસભાની ચૂંટણીઃ મહારાષ્ટ્ર ભાજપમાં સંભવિત ઉમેદવારની યાદી તૈયાર, 9 નામની ચર્ચા
મુંબઈ: ઇલેક્શન કમિશન દ્વારા આઠ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) અંગે સૂચના જાહેર કરવામાં આવી હતી. 27 ફેબ્રુઆરીએ છ સીટ માટે થનારી આ ચૂંટણીમાં ઉમેદવારો પંદરમી ફેબ્રુઆરી સુધીમાં પોતાનું અરજીપત્ર ભરી શકે, એવી માહિતી આપવામાં આવી હતી.
મહારાષ્ટ્ર રાજ્યની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ નવ ઉમેદવારના નામની યાદી દિલ્હી હાઇકમાન્ડ (ભાજપ મુખ્યાલય)ને મોકલી હતી. આ ચૂંટણીમાં શિવસેના શિંદે જૂથ અને ભાજપની યુતિને કારણે ભાજપના ખાતામાં ત્રણ સીટ અને શિંદે જૂથ, એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અજિત પવાર જૂથ અને કોંગ્રેસ પાર્ટીને એક-એક સીટ મળી શકે છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બે બેઠક જીતી શકે છે અને ત્રીજી સીટ માટે શિંદે સેનાની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત, જો ભાજપ ચોથી બેઠક પર ઉમેદવાર ઉતારશે તો તેને મહાવિકાસ અઘાડી (એમવીએ)ના ઘટકપક્ષ કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને શરદ પવારની એનસીપીને ટક્કર આપવી પડશે. હાલના તબક્કે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસના લોકો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના સંપર્કમાં છે.
આ મામલે એક સૂત્રોએ આપેલી માહિતી મુજબ ભાજપ દ્વારા હાઇ કમાન્ડ પાસે નારાયણ રાણે, વિનોદ તાવડે, પંકજા મુંડે, વિજયા રાહટકર, અમરીશ પટેલ, માધવ ભંડારી, ચિત્રા વાઘ, હર્ષવર્ધન પાટિલ અને સંજય ઉપાધ્યાય જેવા નવ લોકોના નામ મોકલવામાં આવ્યા હતા. જોકે આ બાબતે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
રાજ્યસભાની ચૂંટણીમાં બે સીટ પર ભાજપ સ્વબળે બે સીટ પર વિજય મેળવી શકે છે, અને ત્રીજી સીટ પર શિંદે જૂથની મદદ લેવી પડશે. તેમ જ ભાજપે ચોથી સીટ પર ઉમેદવારને ઊભો કરવા માટે વિરોધી પક્ષ (ઠાકરે જૂથ, શરદ પવાર જૂથ અને કૉંગ્રેસ)માં ફૂટ પાડી શકે છે. આ મુદ્દે કહેવામાં આવી રહ્યું છે કે કૉંગ્રેસના અમુક વિધાનસભ્યો ફડણવીસના સંપર્કમાં છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની નવી દિલ્હી ખાતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન આગામી ચૂંટણીમાં ભાજપની રણનીતિ અને સંભવિત ઉમેદવારોની યાદી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ચૂંટણીને લઈને કૉંગ્રેસ દ્વારા પણ ઉમેદવારના નામની યાદી સામે આવી હતી. આ યાદીમાં પવન ખેડાનું નામ સૌથી મોખરે હતું. જોકે કૉંગ્રેસના પવન ખેડાના નામને લઈને કૉંગ્રેસના સભ્યોમાં એક વિચાર નહીં કર્યો હોય એવું પણ જાણવા મળ્યું છે.
ભાજપના નવ ઉમેદવારમાંથી એક પંકજા મૂંડે બાબતે ફડણવીસે કહ્યું હતું કે પંકજા મૂંડેને રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેટ કરવા કે તેમને લોકસભા ચૂંટણીની ટિકિટ આપવી અથવા તેમને પાર્ટીમાં કોઈ મહત્ત્વનું પદ આપવું એ અંગે હાઇ-કમાન્ડ નિર્ણય લેશે. પંકજાતાઈ ભાજપનાં નેતા છે અને તેમને મળવામાં કોઈ ચિંતાની બાબત નથી. અમારી વચ્ચે રાજનીતિ અને પાર્ટીને લઈને ચર્ચા થઈ હતી, એવું ફડણવીસે જણાવ્યું હતું.