IIT Bombayના વિદ્યાર્થીઓએ હવે કરી મોટી ફરિયાદ, જાણો શું ઊભી થઈ સમસ્યા?
મુંબઈઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT Bombay) બોમ્બેની હોસ્ટેલ-૧૧માં રહેતા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આવતા બાંધકામના અવાજ બાબત ફરિયાદ કરી છે. આ અવાજની અસર વિદ્યાર્થીઓના દૈનિક જીવન પર પણ પડી રહી છે. હોસ્ટેલ-૧૧એ આઈઆઈટી બોમ્બેના જૂના આવાસમાંનું એક છે અને તેનું માળખાકીય સમારકામનું કામ ચાલી રહ્યું છે. આ હોસ્ટેલનું મૂળરૂપે ૧૯૬૦ના દાયકામાં બાંધવામાં આવ્યું હતું.
૧૯૭૦ના દાયકામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩,૦૦૦થી વધીને ૨૦૨૨માં લગભગ ૧૩૦૦૦ થઈ ગઈ છે, જેને પરિણામે એક વ્યક્તિ માટે યોગ્ય રૂમોમાં બે વ્યક્તિને સમાવાય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે છાત્રાલય-૧૧ની નજીક છાત્રાલય-૨૧ નું બાંધકામ પ્રોજેક્ટ એવરગ્રીનના ભાગ રૂપે ઓગસ્ટ ૨૦૨૩માં શરૂ થયું. બાંધકામ સાઇટની નજીક હોવાને કારણે અવાજનું સ્તર ૮૦ ડેસિબલ (ડીબી) જેટલું ઊંચું જણાયું છે, જે કાયદા દ્વારા ફરજિયાત અનુમતિપાત્ર મર્યાદા જે દિવસ દરમિયાન ૭૫ ડીબી અને રાત્રે ૬૫ ડીબીને વટાવી ગયું છે.
વહીવટીતંત્ર દ્વારા બાંધકામના સમયપત્રકમાં ફેરફાર અને સાઉન્ડપ્રૂફિંગ જેવા વિકલ્પો અમલમાં મુકતા માર્યાદિત રાહત મળી છે. હોસ્ટેલ-૧૧ની એ વિંગમાં સમારકામના કામને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે, જેના કારણે બારીઓ પણ બંધ રાખવી પડે છે.
આ વધારાનો વિક્ષેપને કારણે પ્લેસમેન્ટની સીઝનની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓ થાકેલા અને ઇન્ટરવ્યુ માટે તૈયારીમાં પરેશાની પણ ભોગવે છે. વિદ્યાર્થી મીડિયા સંસ્થાએ અસુવિધા ઘટાડવા માટે સાઉન્ડપ્રૂફિંગ અને વિદ્યાર્થીઓના સ્થાનાંતરણ જેવા ઉપયોગી પગલાં અપનાવવા પર ભાર મૂક્યો હતો.