38,000 ચાહકો કેમ મેસી પર ગુસ્સે ભરાયા? મેસીએ તેમને દગો દીધો કે શું?
હૉન્ગકૉન્ગ: વર્લ્ડ ચૅમ્પિયન સૉકર સ્ટાર લિયોનેલ મેસી જે મૅચમાં રમવાનો હોય એ મૅચની ટિકિટો ઘણા દિવસો પહેલાં ગણતરીના સમયમાં બુક થઈ જતી હોય છે અને લોકો તેમના આ લાડલા ફુટબોલરને પ્રત્યક્ષ રમતો જોવા મોટા પ્લાનિંગ કરી રાખતા હોય છે, પરંતુ ગયા રવિવારથી બુધવાર વચ્ચે જે કંઈ બની ગયું એનાથી મેસીના 38,000 જેટલા પ્રેક્ષકો તેમ જ કરોડો ટીવી-દર્શકો આ સુપરસ્ટાર ફુટબોલર પર ક્રોધે ભરાયા છે.
બન્યું એવું કે ચીનના તાબા હેઠળના હૉન્ગકૉન્ગમાં રવિવારે એક મૅચમાં મેસી રમવાનો હતો, પરંતુ ઈજાને કારણે નહોતો રમ્યો અને બેન્ચ પર બેઠો રહ્યો હતો. પ્રેક્ષકોથી એ સહન ન થયું અને તેમણે હુરિયો બોલાવવાનું શરૂ કરી દીધું. એટલું જ નહીં, તેમણે રિફન્ડની ડિમાન્ડ પણ કરી હતી.
મેસી ઇન્ટર માયામી નામની જે ટીમ વતી રમે છે એ ટીમનો માલિક ઇંગ્લૅન્ડનો સૉકર લેજન્ડ ડેવિડ બેકહૅમ છે. રવિવારે મૅચને અંતે બેકહૅમે પ્રેક્ષકોને શાંત પાડવા પડ્યા હતા. કેટલાક ક્રોધિત પ્રેક્ષકોએ તો ત્યાં સુધી કહ્યું કે ‘અમે 494 યુરો (અંદાજે 45,000 રૂપિયા) ચૂકવીને માત્ર મેસીને જોવા અહીં આવ્યા અને તે જ ન રમ્યો એટલે અમારા તો પૈસા પાણીમાં ગયા.’
વાત અહીં અટકી નહીં. રવિવારે હૉન્ગકૉન્ગમાં મેસી ન રમ્યો, પણ બુધવારે ટોક્યોમાં ફ્રેન્ડ્લી મૅચ રમ્યો એટલે હૉન્ગકૉન્ગની સૉકરપ્રેમી જનતાનું દિમાગ ચસકી ગયું. હૉન્ગકૉન્ગના ચીની સરકારની માલિકીના અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’માં મેસી સામે અને બેકહૅમની માલિકીવાળી ઇન્ટર માયામી ક્લબ વિરુદ્ધ એવો આક્ષેપ કરાયો કે આ બધુ કરવા પાછળ કોઈ રાજકીય બદઇરાદો છે અને હૉન્ગકૉન્ગને શરમજનક સ્થિતિમાં મૂકવાનું કાવતરું પણ છે.
હૉન્ગકૉન્ગમાં ફુટબૉલપ્રેમીઓ કહે છે કે ‘રવિવારે મેસી ખરેખર ઈન્જર્ડ હતો કે નહીં?’
હજી થોડા મહિના પહેલાં જ મેસીને બીજિંગમાં રૉકસ્ટારને અપાય એવું વેલકમ અપાયું હતું. ત્યારે તે બીજિંગમાં આર્જેન્ટિના વતી ઑસ્ટ્રેલિયા સામેની ફ્રેન્ડ્લી મૅચમાં રમ્યો હતો. ત્યારે 68,000 પ્રેક્ષકોએ લગભગ 50,000 રૂપિયા જેટલા ભાવની ટિકિટો ખરીદીને મેસીની એ મૅચ માણી હતી. જોકે રવિવારે હૉન્ગકૉન્ગમાં મૅચની 10 મિનિટ પહેલાં જાહેર કરાયું હતું કે મેસીને પગમાં ઈજા હોવાથી તે આ મૅચમાં નહીં રમે.
શુક્રવારે આ કિસ્સામાં નવો વળાંક આવ્યો. હૉન્ગકૉન્ગની મૅચના આયોજકોએ પાંચ દિવસ સુધી લોકોના આક્રોશનો અભ્યાસ કર્યા પછી જાહેર કર્યું કે રવિવારે જેણે મૅચની ટિકિટ બુક કરાવી હશે તેમને એનું 50 ટકા રિફન્ડ આપવામાં આવશે.