મનોરંજન

Happy Birthday: પહેલી ફિલ્મ સુપરહીટ ગઈ અને પછી 47 ફિલ્મ મળી, તો પણ આ હીરો ફ્લોપ જ રહ્યો

બોલીવૂડમાં પહેલો બ્રેક મેળવવા માટે કેટલા પાપડ વણવા પડે છે તે લગભગ દરેક અભિનેતાની સંઘર્ષની વાતોમાંથી આપણને જાણવા મળે. પિતા પ્રોડ્યુસર હોય તો પણ સંતાનને લૉંચ કરવા હજાર જાતની પરીક્ષાઓ થતી હોય છે અને ટ્રેનિંગ થતી હોય છે તે બાદ બ્રેક મળે છે અને પહેલો બ્રેક મળ્યા બાદ ફિલ્મ હીટ જાય તો ઠીક બાકી ફરી ચપ્પલ ઘસતા રહેવું પડે. ત્યારે બોલીવૂડમાં એક એવો કલાકાર છે જેને પહેલી ફિલ્મ માત્ર વીસ મિનિટમાં મળી. એટલું જ નહીં આ ફિલ્મએ સિનેમાઘરો ગજાવ્યા અને છએક મહિના તે થિયેટરોમાં ચાલી. તે પછી આ હીરોએ 47 ફિલ્મ સાઈન કરી નાખી. તેના ઘણા વર્ષો બાદ તે એક રિયાલિટી શૉમાં આવ્યો ને જીત્યો પણ. તેમ છતાં તે ફ્લોપ જ રહ્યો. આ અભિનેતા એટલે 90ના દાયકાની સૌથી મોટી હીટ, મહેશ ભટ્ટની આશિકી અને હીરો એટલે રાહુલ રૉય. આજે રાહુલ રોયનો જન્મદિવસ છે અને 56 વર્ષનો થયો છે.

હજુ પણ જેના ગીતો વાગે તો મન નાચવા લાગે તે આશિકી ફિલ્મ માટે મહેશન ભટ્ટ જેવા ડિરેક્ટરે તેને 20 મિનિટની મુલાકાતમાં સાઈન કરી લીધો હતો. તે સમયના હીરોથી સાવ જ અલગ પર્સનાલિટી ધરાવતા રાહુલ અને અમુ અગ્રવાલે આશિકી ફિલ્મનું યુવાનોને એવું તો ઘેલુ લગાડયું હતું કે આ ફિલ્મ થિયેટરોમાં છ મહિના કરતા વધારે સમય માટે ટકી રહી હતી. આ ફિલ્મ સુપરહીટ ગઈ છતાં રાહુલને ફિલ્મ મળતી ન હતી. રાહુલે આ વાત જ્યારે મહેશ ભટ્ટને કહી ત્યારે ભટ્ટે તેમને થોડી ધીરજ ધરવા કહ્યું. તેવું જ થયું. તે બાદ રાહુલે 11 દિવસમાં 47 ફિલ્મ સાઈન કરી નાખી. એક સાથે તે ત્રણ ફિલ્મના શૂટિંગ પર જતો. જોકે આ તેની ભૂલ હતી અને તેને સમજાઈ ગઈ એટલે તેણે 21 ફિલ્મના નિર્માતાઓને સાઈનિંગ અમાઉન્ટ પાછી આપી, પણ તેની ફિલ્મોએ ખાસ કઈ કમાલ બતાવી નહીં. તે બાદ તે બોલીવૂડમાંથી ગાયબ થઈ ગયો. ફરી તેણે 2007માં બીગ બડસ સિઝન-1થી કમબેક કર્યું. શૉમાં ફરી લોકોને તે ગમી ગયો અને તે પહેલી સિઝનનો પહેલો વિનર પણ બન્યો. પણ આનો ફાયદો પણ તેને થયો નહીં અને તે પાછો ગાયબ થઈ ગયો. તે થોડા વર્ષો પહેલા પાછો દેખાયો અને અમુક ફિલ્મો કરી, રાજકારણમાં પ્રવેશ કર્યો, પરંતુ હાલમાં તે ગાયબ જ છે અને ખાસ ક્યાંય દેખાતો નથી. 2023માં આવેલા એક મીડિયા અહેવાલ અનુસાર રાહુલની તબિયત લથડતા તેને શ્રીનગરથી મુંબઈ એરલિફ્ટ કરવો પડ્યો હતો અને તેના હૉસ્પિટલના બિલ સલમાન ખાને ભર્યા હતા. આ મામલે રાહુલની બહેને તેનો આભાર પણ માન્યો હતો.


રાહુલને તેની પહેલી સુપરહીટ ફિલ્મ કે શૉના વિનર થવાથી કોઈ લાભ મળ્યો નથી. ઘણા લોકો કહેતા હોય છે કે નસીબમાં ન હોય તો હોઠ પાસે આવેલો પ્યાલો પણ છીનવાઈ જાય છે. રાહુલના જીવન વિશે જાણ્યા બાદ આ વાત ક્યારેક સાચી લાગવા માંડે.


ખેર, આપણે આશા રાખીએ તે સ્વસ્થ હોય અને નસીબ તેને સાથ આપે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button