ડિવિલિયર્સે કોહલીના મુદ્દે યુ-ટર્ન લઈને કહ્યું, ‘મેં બહુ મોટી ભૂલ કરી’
કેપ ટાઉન: વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ એબી ડિવિલિયર્સ વચ્ચે આઇપીએલને કારણે વર્ષોેથી ગાઢ દોસ્તી છે અને એને ધ્યાનમાં રાખીને જ તાજેતરમાં ડિવિલિયર્સે કોહલી ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં કેમ નથી રમ્યો એનું કારણ આપીને ક્રિકેટજગતને ચોંકાવી દીધું હતું. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વતી અનેક વિક્રમો કરનાર ડિવિલિયસે કમેન્ટ કરી હતી કે કોહલી અને અનુષ્કા બીજા બાળકની રાહ જોઈ રહ્યા છે અને એ જ કારણ છે કે કોહલી હાલમાં મેદાનથી દૂર છે.
ભારતના કોહલીના કરોડો ચાહકોનું પણ માનવું હશે કે કોહલીએ આવા જ કંઈક કારણસર હમણાં બ્રેક લીધો હશે, પરંતુ સત્તાવાર કંઈ બહાર ન આવે ત્યાં સુધી મીડિયા પણ ચૂપ હતું, પરંતુ ડિવિલિયર્સે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. કોઈક તો કહેતું હતું કે મમ્મીની નાદુરસ્ત તબિયતને લીધે કોહલી હમણા ટીમ ઇન્ડિયાથી દૂર છે. કેટલાક રિપોર્ટ મુજબ કોહલી વિદેશમાં હોવાનું જણાવાયું હતું અને બીસીસીઆઇના એક અધિકારીને ટાંકીને કહેવાયું હતું કે તેણે થોડા દિવસથી બોર્ડ સાથે કોઈ જ સંપર્ક નથી કર્યો.
હવે ડિવિલિયર્સે બીજો ધડાકો કર્યો છે. તેણે 360 ડિગ્રીનો ટર્ન લઈને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે ‘મને કોહલીના બ્રેકના કારણ વિશે મળેલી માહિતી ખોટી હતી. એ પાયા વગરની જાણકારી પબ્લિક ડોમેઇનમાં વહેતી મૂકીને મેં મોટી ભૂલ કરી હતી.’
ડિવિલિયર્સે તેની યુટ્યૂબ ચૅનલમાં કહ્યું, ‘પહેલાં ફૅમિલી અને પછી ક્રિકેટ. ક્રિકેટર માટે આ જ શિરસ્તો યોગ્ય કહેવાય. મેં મારી યુટ્યૂબ ચૅનલ પર ભયંકર મોટી ભૂલ કરી નાખી. મને મળેલી બાતમી સાવ ખોટી હતી, એમાં જરાય તથ્ય નહોતું. ફૅમિલીના કોઈક કારણસર રાષ્ટ્રીય ફરજમાંથી બ્રેક લેવાનો કોહલીને પૂરો હક છે. તેની ફૅમિલીમાં શું બન્યું છે એ વિશે મને કોઈ જ જાણ નથી. હું તો તેને માત્ર શુભેચ્છા આપીશ. જે કંઈ કારણથી તેણે બ્રેક લીધો હોય, હું આશા રાખું છું કે તે વધુ સારા મનોબળ સાથે કમબૅક કરે.’
કોહલી અને એબીડી વચ્ચે એટલી બધી ગાઢ દોસ્તી છે કે એબીડીએ જ્યારે રિટાયરમેન્ટ લીધું હતું ત્યારે તેણે સૌથી પહેલી જાણ જેમને કરી હતી એમાં કોહલી પણ હતો. તેણે વૉઇસ નોટ દ્વારા કોહલીને સંદેશ મોકલ્યો હતો. એ જોતાં ડિવિલિયર્સ પણ જો કોહલી વિશે કંઈક અંદરની વાત કરે તો લોકો માની જ લે. જોકે હવે જ્યારે ખુદ ડિવિલિયર્સે જ ભૂલ કરી હોવાનું કબૂલ્યું છે ત્યારે કોહલીની ગેરહાજરીનો વિષય વધુ જટિલ બની ગયો છે.
દરમ્યાન, ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને ગુરુવારે કહ્યું હતું કે ‘કોહલીએ ભલે કંઈ પણ કારણસર બ્રેક લીધો હોય, તેની ગેરહાજરી માત્ર ભારતીય ટીમ માટે કે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ માટે જ નહીં, પરંતુ સમગ્ર ક્રિકેટ જગત માટે મોટું નુકસાન કહેવાય.’