ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીના ફેસબુક-ઈન્સ્ટા એકાઉન્ટ બ્લોક, મેટાએ આપ્યું કારણ
મેટાએ ગુરુવારે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને બ્લોક કરી દીધા હતા. મેટાએ કહ્યું કે કન્ટેન્ટ પોલિસીના ઉલ્લંઘન બદલ આ પગલું લેવામાં આવ્યું હતું. મેટાના પ્રવક્તાએ AFPને જણાવ્યું હતું કે, “અમે ખતરનાક સંસ્થાઓ અને વ્યક્તિઓ અંગેની અમારી નીતિનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ આ ખાતાઓને દૂર કર્યા છે.” મેટાએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો ન હોવા છતાં, ઑક્ટોબર 7 ના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ મેટા કંપની ખામેની પર પ્રતિબંધો લાદવાનું દબાણ હેઠળ હતી.
ખામેનીએ હમાસ દ્વારા થયેલા લોહિયાળ હુમલાને સમર્થન આપ્યું હતું, પરંતુ કોઈપણ ઈરાનની સંડોવણીનો ઇનકાર કર્યો હતો. તેમણે યમનના હુથી બળવાખોરો દ્વારા લાલ સમુદ્રમાં શિપિંગ પરના હુમલા સામે પેલેસ્ટિનિયન પ્રતિશોધને જાહેરમાં સમર્થન આપ્યું છે.
ઈરાનમાં 35 વર્ષથી સત્તા પર રહેલા ખામેનીના ઈન્સ્ટાગ્રામ પર 5 મિલિયન ફોલોઅર્સ છે. મેટાએ જણાવ્યું હતું કે, ” અમે એવી સંસ્થાઓ અથવા વ્યક્તિઓને મંજૂરી આપતા નથી જે હિંસક મિશનનો ઘોષણા કરે છે અથવા હિંસા સાથે જોડાયેલા હોય છે, અમારા પ્લેટફોર્મ પર તેમની હજારી અંગે અમારી પોલિસી મુજબ નિર્ણયો લેવામાં આવશે.”
ઇરાનમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પ્રતિબંધ છે પરંતુ ઇરાનીઓ પ્રતિબંધોને બાયપાસ કરવા અને પ્રતિબંધિત વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સને ઍક્સેસ કરવા માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અથવા VPN નો ઉપયોગ કરે છે.