નાંદેડમાં પુલ પરથી કાર નીચે ખાબકી, બે પરિવારના સભ્યો બન્યા જીવલેણ અકસ્માતનો ભોગ
મુંબઈ: રાજ્યના નાંદેડ જિલ્લાના ભોકર-ઉમરી રોડ પર મુગલી નજીકના પુલ પરથી એક ઝડપથી પસાર થઈ રહેલા કારચાલકે નિયંત્રણ ગુમાવતા બે અલગ અલગ પરિવારના સભ્યો આ જીવલેણ અકસ્માતનો ભોગ બન્યાં હતાં.
આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નાંદેડની જિલ્લા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે મોડી રાત્રે ગાયકવાડ અને ભાલેરાવ પરિવારના 10 લોકો લગ્નમાં હાજરી આપવા માટે નાંદેડથી ભોકર આવ્યા ત્યારે આ પરિવારના સભ્યો જીવલેણ અકસ્માતનો ભોગ બન્યાં હતાં.
ગુરૂવારે લગ્ન સંપન્ન થયા બાદ તમામ લોકો રાત્રે વાહનમાં ભોકરથી નાંદેડ પરત ફરી રહ્યા હતા. મોડી રાતના અચાનક વાહનચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, તેથી મુગલી નજીકના પુલ પરથી કાર નીચે પડી હતી.
આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ સવિતા શ્યામ ભાલેરાવ (25 વર્ષ), પ્રીતિ પરમેશ્વર ભાલેરાવ (8 વર્ષ), સુશીલ મારોતી ગાયકવાડ (9 વર્ષ), રેખાબાઈ પરમેશ્વર ભાલેરાવ (30 વર્ષ), અંજનાબાઈ જ્ઞાનેશ્વર ભાલેરાવ (28 વર્ષ) તરીકે થઈ છે.
સ્થાનિકોની સૂચના પર પોલીસની ટીમ પહોંચી અને પાંચેય ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લામાં મોકલી આપવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.