![PM modi announced bharat ratna Choudhary Charan Singh Narasimha Rao MS Swaminathan](/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-09-at-1.43.38-PM.jpeg)
નવી દિલ્હી: Bharat Ratna: થોડા દિવસ પહેલા જ મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણી અને કર્પુરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે આજે ભારતના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ (PV Narasimha Rao), ચૌધરી ચરણ સિંહ (haudhary Charan Singh) અને પ્રખ્યાત વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને (scientist MS Swaminathan) ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.
ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’થી સન્માનીત કરવામાં આવશે. જણાવી દઈએ કે મોદી સરકારે પોતાના 10 વર્ષના કાર્યકાળમાં અત્યાર સુધી 10 લોકોને ભારત રત્ન આપી ચુકી છે.
પીએમ મોદીએ કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી હોય અને ધારાસભ્ય તરીકે પણ ચૌધરી ચરણ સિંહે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. તેઓ ઈમરજન્સીના વિરોધ સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા. અમારા ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઈમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી છે.
PM એ જણાવ્યું હતું કે નરસિમ્હા રાવનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ મહત્વપૂર્ણ રહ્યો હતો. તેમણે ભારતને વૈશ્વિક બજારોમાં ખુલ્લુ મૂક્યું હતું જે આર્થિક વિકાસના નવા યુગ તરફ દોરી ગયું હતું. ભારતની વિદેશ નીતિ, ભાષા અને શિક્ષણ ક્ષેત્રોમાં તેમનું યોગદાન તેમના બહુપક્ષીય વારસાને રેખાંકિત કરે છે. તેમણે માત્ર નોંધપાત્ર ફેરફારો દ્વારા ભારતનું નેતૃત્વ જ નથી કર્યું પરંતુ તેના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વારસાને પણ સમૃદ્ધ બનાવ્યો છે.
ડૉ.એમ.એસ.સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે આ ખૂબ જ આનંદની વાત છે કે ભારત સરકાર આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ડૉ. એમ.એસ. સ્વામીનાથન જીને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્તમ પ્રયાસો કર્યા હતા.