Pakistan Election result: હાફિઝ સઈદના દીકરાની હાર, નવાઝ શરીફ પહેલી સીટ જીત્યા અને બીજી સીટ પર પાછળ
ઇસ્લામાબાદ: ગઈ કાલે ચૂંટણી યોજાય બાદ આજે પાકિસ્તાન ચૂંટણી પરિણામો આવી રહ્યા છે, પરિણામોમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા નવાઝ શરીફ ચૂંટણીમાં જીતી ગયા છે. તેઓ NA 130 (લાહોર) બેઠક પરથી સતત પાછળ રહ્યા હતા. નવાઝ હજુ પણ એક સીટ પર પાછળ છે. નવાઝની પુત્રી મરિયમ નવાઝ અને ભાઈ શાહબાઝ શરીફ પણ ચૂંટણી જીત્યા છે. તે જ સમયે, આતંકવાદી હાફિઝ સઈદનો દીકરો તલ્હા સઈદ NA-122 (લાહોર) બેઠક પરથી ચૂંટણી હારી ગયો છે.
આતંકવાદી હાફિઝ સઈદનો દીકરો તલ્હા હાફિઝ પરિણામોમાં ત્રીજા ક્રમે રહ્યો છે. PTI સમર્થિત ઉમેદવાર લતીફ ખોસાએ NA 122 સીટ જીતી છે, તેણે હરીફ ખ્વાજા સાદ રફીકને 1,17,109 મતોથી હરાવ્યા છે. આતંકવાદી હાફિઝ સઈદની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML)એ ચૂંટણી લડી હતી. તેણે દેશભરમાં દરેક રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારમાં તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે, પરિણામો તેની તરફેણમાં આવ્યા નથી.
હાફિઝે તેના દીકરા તલ્હા સઈદને પણ ઉમેદવાર બનાવ્યો હતો. પાકિસ્તાનના વિવિધ શહેરોમાંથી આ સંગઠન દ્વારા નામાંકિત કરાયેલા કેટલાક ઉમેદવારો કાં તો હાફિઝ સઈદના સંબંધી હતા અથવા તો ભૂતકાળમાં પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવા અથવા મિલ્લી મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા હતા.
હાફિઝ સાથે સંકળાયેલું સંગઠન પાકિસ્તાનના લોકોને ગેરમાર્ગે દોરવા માટે રાજકીય એજન્ડા પણ લઈને આવ્યું હતું. તેમની પાર્ટી ચૂંટણીમાં ઈસ્લામિક સ્ટેટના સપના દેખાડી રહી હતી. જો કે, લોકોને તેના શબ્દો અને દાવાઓ પર વિશ્વાસ નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાફિઝ મોહમ્મદ સઈદ મુંબઈમાં 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે.