હલ્દવાની: ગુરુવારે ઉત્તરાખંડના હલ્દવાનીના બાનભૂલપુરામાં પોલીસ સાથે અથડામણમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે મુખ્ય પ્રધાન પુષ્કર ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. તેમણે મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, અન્ય વરિષ્ઠ પોલીસ અને ગુપ્તચર અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી. મુખ્યપ્રધાન ધામીએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ પર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બાનભૂલપુરામાં આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. એસએસપી, ડીએમ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ તંગ છે, પણ નિયંત્રણમાં છે.
દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં અપન પોલીસ એલર્ટ પર છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુરુવારે બાનભૂલપુરા પોલીસ સ્ટેશન પાસે મલિકના બગીચામાં ગેરકાયદેસર મદરેસા અને નમાઝની જગ્યાને તોડી પાડવા દરમિયાન ભારે હોબાળો થયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જેસીબી સાથે પહોંચી હતી. આ દરમિયાન ત્યાં હાજર બદમાશોએ વહીવટીતંત્ર, પોલીસ અને પત્રકારો પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
ટોળાએ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પત્રકારોના વાહનોને આગ ચાંપી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર હોવાથી પોલીસે અનેક રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. હાલ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે તૈનાત છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ હલ્દવાની ઘટના અંગે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
Taboola Feed