આમચી મુંબઈ

સરકારના ગૂગલ સાથે કરાર વિવિધ ક્ષેત્રમાં એઆઇના ઉપયોગથી બેરોજગારી વધવાની ભીતિ

મુંબઈ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)ની આજકાલ બોલબાલા છે, પરંતુ એઆઇ અનેક કામોનો ભાર ઘટાડે છે તેમાં બેમત નથી. તેેથી જ મહારાષ્ટ્ર સરકારે પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે અને તેના માટે ગૂગલ સાથે કરાર પણ થઇ ચૂક્યા છે. એઆઇ કોન્ટેન્ટ રાઇટીંગ, એડીટીંગ અને વીડિયો એડિટીંગ સહિત અનેક કામો અત્યંત સરળ તેમ જ પ્રભાવશાળી બનાવે છે. એટલે તેનો ઉપયોગ પ્રશાસકીય કામોમાં કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે કર્યો છે. એ માટે ગૂગલ સાથે કરાર કરવામાં આવ્યા છે. એટલે હવે મહારાષ્ટ્ર સરકાર પોતાના સત્તાવાર કામોમાંં જ્યાં બની શકે ત્યાં એઆઇનો ઉપયોગ કરશે.

જોકે, તેના કારણે લોકોની નોકરી ઉપર અસર થશે કે શું એવો પ્રશ્ર્ન પણ ઊભો થયો છે. એઆઇના કારણે અનેક કામો આપોઆપ થઇ જતા હોવાથી અનેક લોકોની નોકરી ઉપર જોખમ તોળાઇ રહ્યું છે ત્યારે સરકારે પણ એઆઇનો ઉપયોગ શરૂ કરતા શું સરકારી નોકરીઓ પણ ઓછી થશે કે પછી તેમાં કપાત કરાશે, એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે.

જોકે, તેનો જવાબ આપતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે એઆઇના કારણે રોજગારની વિવિધ તકો ઊભી થશે. લોકો રોજગાર જશે કે શું તેવો પ્રશ્ર્ન પૂછે છે, પણ તેના કારણે તો નવા રોજગારોની તક ઊભી થઇ રહી છે. આ કરાર દ્વારા આપણે રાજ્યનું ભવિષ્ય તૈયાર કરી રહ્યા છીએ. એઆઇનો ઉપયોગ એગ્રીકલ્ચરલ સસ્ટેઇનિબિલિટી(કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા), સ્ટાર્ટ-અપ, હેલ્થકેર, કૌશલ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે, એમ ફડણવીસે વધુમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button