મેટિની

અમીષાને તેનો રિયલ લાઇફ ‘તારા સિંહ’ ક્યારે મળશે?

સાંપ્રત -નિધિ ભટ્ટ

અમીષા પટેલે સૌપ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી ડેબ્યુ કર્યું. આ ફિલ્મ પછી તે એક જાણીતો ચહેરો બની ગઇ હતી. ત્યાર પછી ‘ગદર: એક પ્રેમ કથા’થી તેણે ચાહકોને પોતાના ‘હમરાઝ’ બનાવ્યા અને લોકો તેની માટે કંઈ પણ કરવા મજબૂર થયા અને તેની છેલ્લી મૂવી ‘ગદર-૨’માં ચાહકોએ તેને વધાવી લીધી હતી. આજે આપણે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી અમીષા પટેલની. નવમી જૂન, ૧૯૭૫ના રોજ મુંબઈમાં જન્મેલી અમીષાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેને તેના અભિનય માટે જેટલી હેડલાઇન્સ બનાવી છે તેના કરતા વધુ તેણે તેના અંગત જીવનના કારણે સમાચારમાં રહી છે.

અમીષાએ તેની જાતને ખૂબ જ ફિટ રાખી છે. કહો ના પ્યાર હૈ… હમરાજ , ગદર અને ગદર-૨ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર અમીષા પટેલ તેનો ૪૯મો જન્મદિવસ ઉજવી રહી છે, પરંતુ આ ઉંમરે પણ તેણે પોતાની જાતને એટલી ફીટ રાખી છે કે નવી હિરોઇનોને પણ શરમાવે છે. અમીષાએ પોતાના જીવનમાં ઘણા લોકોને ડેટ કર્યા છે, પરંતુ અભિનેત્રી આજ સુધી લગ્નની ઉંબરે પહોંચી શકી નથી.

અમીષા પટેલના સંબંધોની વાત કરીએ તો તે પ્રીતિ ઝિન્ટાના એક્સ બોયફ્રેન્ડ નેસ વાડિયાને પણ ડેટ કરી ચૂકી છે. એવું કહેવાય છે કે બંને લાંબા સમય સુધી સાથે રહેતા હતા, પરંતુ આ સંબંધ આગળ વધી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયા. આ પછી અમીષા પટેલનું નામ સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ અને ફેમસ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું. વર્ષ ૨૦૦૦માં જ્યારે અમીષા તેના બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહી હતી, ત્યારે ફિલ્મ ‘આપ મુઝે અચ્છે લગને લગે’ના કાસ્ટિંગ દરમિયાન અમીષાની મુલાકાત ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને ખૂબ જ નજીક આવી ગયા હતા. વિક્રમ પરિણીત હતા, પણ અમીષાને તેની પરવા પણ નહોતી.

વિક્રમ સાથેના સંબંધો માટે અમીષાએ પોતાની કારકિર્દી પણ દાવ પર લગાવી દીધી હતી. તે જ સમયે જ્યારે તેના પરિવારના સભ્યો આ સંબંધ માટે સહમત ન હતા, ત્યારે અભિનેત્રીએ તેના માતાપિતા પર કેસ કર્યો હતો. જો કે વર્ષ ૨૦૦૮ દરમિયાન અમીષા પટેલ અને વિક્રમ ભટ્ટનું બ્રેકઅપ થઈ ગયું. વિક્રમ ભટ્ટ સાથે બ્રેકઅપ બાદ અમીષા પટેલનું નામ લંડનના બિઝનેસમેન કનવ પુરી સાથે જોડાયું હતું.

બંને વિલ્સ લાઈફસ્ટાઈલ ઈન્ડિયા ફેશન વીકમાં સાથે જોવા મળ્યા હતા. બંને લગભગ બે વર્ષ સુધી રિલેશનશિપમાં હતા, પરંતુ તે પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી, અમીષા અને રણબીર કપૂર વચ્ચેના લિંકઅપના સમાચાર વાયરલ થયા, પરંતુ બંનેએ આ વિશે ક્યારેય કંઈ કહ્યું નહીં. ત્યાર બાદ અમીષાનું નામ પાકિસ્તાની એક્ટર ઈમરાન અબ્બાસ સાથે પણ જોડાયું હતું. અભિનેત્રીએ આ સમાચારોનું ખંડન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button