અભી તો હમ ઝિંદા હૈ…! મોતની ખોટી ખબરોનો ભોગ બને કલાકારો ત્યારે…
ફોકસ -રાજેશ યાજ્ઞિક
તાજેતરમાં જ અભિનેત્રી – મોડેલ પૂનમ પાંડેના સર્વાઈકલ કેન્સરથી મૃત્યુની ખબર સોશિયલ મીડિયામાં ખૂબ ચગ્યા હતા… પછી
પૂનમે ખુદ જાહેરમાં આવીને કહ્યું કે ‘સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા એણે આ પબ્સિટી સ્ટન્ટ કર્યો હતો…’
ખેર, પૂનમના ચાહકો અને ટીકાકારોએ ખોટા સમાચારને બહુ સારી રીતે લીધા નહોતા. પૂનમની પબ્લિસિટીની આવી સસ્તી ટ્રીક એમને ગમી નથી. ખેર, પૂનમને ગમ્યું એ ખરું..
બીજી તરફ, બોલીવૂડના ઘણા સિતારાઓના અકાળે અવસાનના સમાચારો અગાઉ પણ ચમક્યા છે, જે પાછળથી સાવ ખોટા કે અફવા સાબિત થયા છે. કેટલાંક ઉદાહરણ જોઈએ…
અમિતાભ બચ્ચન
અફવા બજારમાં તો અમિતજીના મૃત્યુની અફવા પણ ફેલાઈ ચુકી છે. ઈન્ટરનેટ પર એમના મૃત્યુ અંગેના નકલી સમાચાર વાયરલ થયા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ‘બિગ બી’ને અમેરિકામાં એક કાર અકસ્માતમાં નડ્યો છે એમાં એ અવસાન પામ્યા છે…અમિતજી જેવા મેગા સ્ટારનું આક્સ્મિક અવસાન થાય પછી દેશમાં એવી અફડાતફડી મચી જાય એ તો કલ્પના જ કરવી રહી. ચોતરફ શોકાંજલિ સંદેશાઓ અને સ્મરણાંજ્લિનો ધોધ વરસ્યો … પાછળથી એ સમાચાર ખોટા ઠર્યા.
જો કે અમિતાભે આ નકલી સમાચારનો પ્રત્યુત્તર આપવાને બદલે મૌન રહેવાનું પસંદ કર્યુ હતું.
લતા મંગેશકર
સ્વર કોકિલા લતા દીદી હવે તો આપણી વચ્ચે નથી, પણ આ ‘ભારત રત્ન’ ને કરોડોનાં લાડીલાં લતા દીદી પણ અગાઉ અફવાઓનો શિકાર બન્યાં હતાં. ૨૦૧૯માં એમની તબિયત નરમ -ગરમ રહેતી હતી ત્યારે કેટલાંક તોફાની તત્ત્વોએ એમનાં દેહાંતની હવા ફેલાવી દીધી હતી એનાથી સમસ્ત ભારતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જો કે,એમની ટીમે તરત આ અફવાનું ખંડન કરીને દીદી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું અને એમની તબિયત સુધારા પર હોવાનું જાહેર કરીને અફવા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
આયુષ્માન ખુરાના
૨૦૧૩માં યુવાનોમાં લોકપ્રિય અભિનેતા
અને ગાયક આયુષ્માન ખુરાનાનું પણ સ્વિટ્ઝર્લેન્ડ પરિવાર સાથે વેકેશન ગાળવા ત્યારે એક સ્નોબોર્ડિંગ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની જોરદાર અફવા ઊડી હતી.
ત્યારબાદ અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કહ્યું કે ‘એકદમ ફીટ અને ફાઈન છું…’
સાજીદ ખાન
ડિસેમ્બર ૨૦૨૩માં નૃત્ય દિગ્દર્શક ફરાહ ખાનનો ભાઈ અને ‘હાઉસફૂલ’ અને અન્ય અનેક ફિલ્મોનો સફળ ડાયરેક્ટર સાજીદ ખાનના નિધનના ખબર ફેલાતા લોકોના શોક-સંદેશ વહેવા લાગ્યઆ હતા. પછી સાજીદે સ્વયં સોશિયલ મીડિયામાં આવીને ચોખવટ કરવી પડી હતી કે સાજીદ ખાનનું મૃત્યુ જરૂર થયું છે, પણ એ હું નહીં, પરંતુ ‘મધર ઇન્ડિયા’ ફિલ્મમાં નાના સુનિલ દત્તનું પાત્ર ભજવનાર અભિનેતા સાજીદ ખાન છે, જેમનો દેહાંત થયો છે.
જીતેન્દ્ર
પ્રેમ ચોપડાના નિધનની અફવા ઊડી તેના ચારેક મહિના પહેલાં જ જીતેન્દ્ર અચાનક સ્વર્ગવાસી થયા છે એ સમાચાર વનના દાવાનળની જેમ ફેલાઈ ગયા હતા. ત્યાં સુધી કે કેટલાક અતિઉત્સાહીઓએ સોશિયલ મીડિયા પર ઐશ્ર્વર્યા, અજય દેવગણ, જ્યાં બચ્ચન વગેરેની તસવીરોનો ઉપયોગ કરીને એક ખોટી અંતિમયાત્રાની તસવીરો પણ વાયરલ કરી નાખી.. બોલો!
પાછળથી બધાને જાણ થઇ કે આપણા સહુના લાડીલા જીતુજી જીવતા છે..કોઈ જીતેન્દ્ર શાસ્ત્રી નામના ફિલ્મો અને વેબસિરીઝના એક અભિનેતાનો દેહાંત થયો હતો.
પ્રેમ ચોપડા
વર્ષ ૨૦૨૨માં પીઢ અભિનેતા અને પાળા વિલન તરીકે ચાહકોમાં માનીતા પ્રેમ ચોપડાના અવસાનની અફવા ક્યાંકથી એવી ઊડી કે ફિલ્મજગતના એમની નિકટના સાથીઓએ એમના ઘરે ફોનના ચકરડા ઘુમાવવા માંડેલા. બિચારા પ્રેમ ચોપડા બધાને કહેતા થાકી ગયા કે ભાઈ, હું સુખરૂપ છું મને ખબર નથી કે આ અફવા ક્યાંથી ઊડી…!
નિક જોનાસ
પ્રિયંકા ચોપરાના પતિ તરીકે ભારતમાં વધુ જાણીતા એવા ગાયક નિક જોનાસ વિશે પણ આવી અફવા ઊડી ચૂકી છે. વાત એમ છે કે નિક ૧૩ વર્ષની નાની ઉંમરથી ટાઈપ ૧ ડાયાબિટીઝથી પીડિત છે. એની સારવાર માટે એક વાર એણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું ત્યારે એના જ શબ્દોમાં કહીએ તો એ જાણે મૃત્યુ સાથે મુલાકાત થઇ હોય તેવો અનુભવ હતો. આ વાતને અફવા બજારે ગરમ રાખવા માગતા કોઈ અવળચંડાએ બિચારા નીકને સ્વધામ પહોંચાડી દીધેલો…
આ અને આવા તો કેટલાય કિસ્સાઓ છે, જેમાં લોકોમાં જાણીતા – માનીતા અભિનેતાઓ-ગાયકો કે અન્ય લોકપ્રિય કલાકારો વિશે આવી અફવા ફેલાવવામાં આવી હોય. આવું કરીને અફવા ફેલાવનારને શું આનંદ આવતો હશે ભગવાન જાણે, પણ આવી અફવાને કારણે એના પરિવારવાળા માનસિક રીતે કેવા ત્રસ્ત થઈ જાય છે એની કહાણી તો વળી અલગ હોય છે.