મેટિની

હીરોઇઝમ: દેખો દેખો વો આ ગયા…

હીરોઇઝમની રી-એન્ટ્રી અને તેનું બદલાયેલું સ્વરૂપ…

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

(ભાગ – ૨)
હીરોઇઝમ એટલે શું અને કઈ રીતે દક્ષિણ ભારતીય ફિલ્મ્સની વધતી લોકપ્રિયતાના કારણે બોલીવૂડ ફિલ્મ્સમાંય એ પાછું આવ્યું તેની વાતો આપણે ગયા સપ્તાહે કરી હતી.ચાલો, તેને આગળ ધપાવીએ…

ઓવર ધ ટોપ ડાયલોગબાજી, હીરો કેન્દ્રિત વાર્તા, લાર્જર ધેન લાઈફ મસાલા દ્રશ્યો અને અવાસ્તવિક એક્શન એટલે હીરોઇઝમ. હીરોઇઝમની બોલીવૂડમાં ગેરહાજરી પર સમયાંતરે ઇન્ડસ્ટ્રીના લોકો અને દર્શકોના એક વર્ગની નિરાશા ઈચ્છા છતી થતી રહી છે, પણ એ વિશે વાત કરતાં પહેલાં તેમને દક્ષિણના કયા પ્રકારના હીરોઇઝમના કારણે બોલીવૂડની હીરોઇઝમની ગેરહાજરી ખૂંચી તેની વાત કરવી જરૂરી છે.

પહેલાંની ફિલ્મ્સમાં મારધાડ અને હીરો જ સર્વસ્વ હોય એ જોવા મળતું, પણ હવેની ફિલ્મ્સમાં એ જ એક્શન અને હીરોઇઝમને વધુ લોહિયાળ બનાવાયું છે. દક્ષિણ ભારતીય ફિલ્મ દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાએ ‘એનિમલ’ ફિલ્મમાં નાયકને ગુસ્સાવાળો, ખતરનાક અને લોહિયાળ બતાવ્યો છે. ફિલ્મ બનાવવાની શરૂઆતમાં જ એક ઇન્ટરવ્યૂમાં એણે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ હિંસાત્મક હશે. ‘કેજીએફ’ના દિગ્દર્શક પ્રશાંત નીલની બે મહિનાથી પણ ઓછા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાલાર’ની જયારે ૨૦૨૦માં જાહેરાત કરવામાં આવી ત્યારે જ તેની ટેગલાઈન રખાઈ હતી, ‘ધ મોસ્ટ વાયોલન્ટ મેન.’ દર્શકોને પહેલાં નાયકને ‘એન્ગ્રી યંગ મેન’ તરીકે સમાજમાં ખરાબ લોકો સામે બાથ ભીડતો જોઈને એક પ્રકારનો સંતોષ મળતો અને એ કારણે એ લોકો થિયેટર્સને સીટીઓથી ગજવતાં. આજના સમયમાં સમાજમાં અને ફિલ્મ્સમાં હિંસા કૂલ ગણાવા લાગી છે. એટલે લોકો એન્ટીહીરો કે વીલનને પણ હીરોની જ દ્રષ્ટિએ જોઈને ફિલ્મમાં એનાં દ્રશ્યો અને એક્શનને વધાવે છે અને થિયેટર્સની ચાર દીવાલોની બહાર તેની ચર્ચા કરીને તેને ટ્રેન્ડમાં રાખે છે.

ગયા ભાગમાં વાત કરી તેમ દક્ષિણ ભારતીય ફિલ્મ્સમાંથી તો હીરોઇઝમ ગયું જ નથી. લિયો’, ‘જેલર’, ‘વોલ્ટર વીરૈયા’,
વીરા સિમ્હા રેડ્ડી’, ‘વારીસુ’, વગેરે હમણાંની દક્ષિણ ભારતીય ફિલ્મ્સની સફળતા પાછળ પણ આ હીરોઇઝમ જ એક કોમન ફેક્ટર દેખાય છે, પણ એમાં આવેલો બદલાવ સમજવા જેવો છે. હવે જયારે ફિલ્મ્સ ‘પાન ઇન્ડિયા’ -સમસ્ત ભારતમાં પ્રદર્શિત થાય એવી બનવા લાગી છે એટલે તેમાં નાવીન્ય લાવવા માટે વધુ હિંસા અને શોક વેલ્યૂ ઉમેરતા દ્રશ્યોનો વધારે ઉપયોગ કરાવા લાગ્યો છે. ઉદાહરણો જોઈએ તો કમલ હસન અભિનીત ફિલ્મ ‘વિક્રમ’માં એના પાત્ર સાથે સંકળાયેલા દ્રશ્યોમાં હિંસા અને લોહીની ભરમાર દેખાય છે. વિજય અને વિજય સેતુપતિ અભિનિત ફિલ્મ માસ્ટર’ના તો પોસ્ટરમાં જ એમના ચહેરાઓ લોહીથી ખરડાયેલા દેખાય છે. પુરુષની તાકાત અને મર્દાનગી અને એ થકી દેખાડાતાં હિંસાત્મક દ્રશ્યો એ આજના હીરોઇઝમની ઓળખ બની ચૂકી છે. દર્શકોને પણ એ જ પસંદ છે અને ઇન્ડસ્ટ્રીને પણ એ જ કેમ કે એ વધુ જોવાય છે.

બિગ બજેટ ઇવેન્ટ ફિલ્મ્સ માટે આ હીરોઇઝમ હવે જરૂરિયાત બની ગયું છે. ઓટીટી સામેની સ્પર્ધામાં થિયેટર ફિલ્મ્સમાં આ તત્ત્વો ન દેખાય તો દર્શકો એ જોવા થિયેટર ન જાય અને રાહ જોઈને ઘર બેઠા ફોન કે ટીવી પર ઓટીટી પ્લેટફોર્મ્સ પર જોઈ લે એવી શક્યતા વધારે છે. બોલીવૂડને એટલે જ દક્ષિણ ભારતીય ફિલ્મ્સે પહેલાં સ્પર્ધા આપી ને એમાં જ રસ્તો બતાવ્યો કે આવી ફિલ્મ્સ ચાલશે. હવે તો પાન ઇન્ડિયા ફિલ્મ્સના નામ પર કાસ્ટમાં બોલીવૂડ અને દક્ષિણના એક્ટર્સનું મિશ્રણ હોય, જેથી એ દરેક જગ્યાના દર્શકો માટે આકર્ષણ બની રહે એ આજે જરૂરી ચીજ બનતી જાય છે અને એ જ સઘળી અસર હેઠળ ફિલ્મની સફળતા માટે દરેકને આ હીરોઇઝમ માફક આવી રહ્યું છે. રજનીકાંત કે કમલ હસન કે શાહરૂખ ખાન કે સની દેઓલ એમ સૌ માટે ડૂબતી નૈયાનો સહારો પણ તો આ હીરોઇઝમ જ બન્યું છે.

હીરોઇઝમ જૂનું એટલે દર્શકો માટે હીરોઇઝમના અવતારમાં એક્ટર્સ પણ જૂના જ આવે તો દર્શકો વાંધો નથી ઉઠાવતા- સ્વીકારે છે.

હવે એક્શન સ્ક્રીપ્ટનો જ ભાગ બની ગયું છે. હીરોની સફરમાં એક્શનનો હિસ્સો વધતો જાય છે. પહેલા ફાઇટમાં કારણ અને જવાબદારીપણું હતું, નાયક નાયક જ રહેતો. હવે તે ખલનાયક બનીને પણ તાળીઓ વસૂલે છે. પહેલાંની એક્શનમાં બેકગ્રાઉન્ડ સ્કોરમાં ‘ઢીશૂમ ઢીશૂમ’ સંભળાતું, હવે બેકગ્રાઉન્ડ સ્કોરને વધુ જવાબદારીઓ સોંપાઈ છે. હવે હાડકું તૂટે તો તેનો પણ અવાજ દર્શકોને સંભળાવવામાં આવે છે. વીલનને કાનમાં ધાક પડી જાય તો એ પણ સાંભળવા મળે… બીજા શબ્દોમાં કહીએ તો હીરોઇઝમને વધુ વિઝ્યુઅલ સ્વરૂપ મળ્યું એ પાછળ દક્ષિણ ભારતીય ફિલ્મ્સ ઉપરાંત હોલીવૂડનો ફાળો પણ ખરો જ.

અલબત્ત, અહીં વાત ફિલ્મ્સમાં હિંસાની નથી થઈ રહી (એ માટે તો અલાયદો લેખ લખી શકાય) અહીં વાત એ છે કે દર્શકો અને દક્ષિણ ભારતીય ફિલ્મ્સના હીરોઇઝમમાં હિંસાના પ્રેમને કારણે કઈ રીતે બોલીવૂડ પણ ફરી તેને હિન્દી ફિલ્મ્સમાં આવકારવા પ્રેરાયું છે.

સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘અમે દક્ષિણ ભારતીય ફિલ્મ્સમાં જે થઈ રહ્યું છે એ હિન્દી ફિલ્મ્સમાં પાછું લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. દક્ષિણમાં અને હોલીવૂડમાંથી આ ચીજ ક્યારેય ગઈ જ નથી. ખબર નહીં, બોલીવૂડને શું થઈ ગયું હતું? હું બિગ સ્ક્રીનમાં વિશ્ર્વાસ ધરાવું છું. એ ક્યારેય ખતમ ન થઈ શકે અને એ માટે જ હીરોઇઝમ જોઈશે.’

સલમાન ખાનનું પણ સંજય દત્ત જેમ જ માનવું છે. એણે પણ કહ્યું છે કે ‘બોલીવૂડમાં એક-બે લોકો સિવાય કોઈ આવી ફિલ્મ બનાવતું જ નથી. આજના દર્શકને પોતે થિયેટરમાંથી બહાર નીકળે ત્યારે હીરોની એક ઇમેજ મનમાં હોય એ એમને ગમ છે.’ ભલે સલમાન ખાન આમ કહે પણ ફિલ્મ્સ મનોરંજક બને તો જ એ લેખે લાગે. હીરોઇઝમના ચક્કરમાં કોપી મારવામાં નબળી ફિલ્મ્સ બોલીવૂડ અને દક્ષિણની ઇન્ડસ્ટ્રી બંને બનાવી જાણે છે. સલમાન ખાનની પોતાની ફિલ્મ્સમાં પણ તે જે દર્શકોની વાત કરે એમને ટેકન ફોર ગ્રાન્ટેડ લે ત્યારે તેને જાકારો મળે છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘મરજાવા’

માટે પણ સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘દિગ્દર્શક મિલાપ ઝવેરી ઓવર ધ ટોપ ડાયલોગ્સ અને હીરોઇઝમ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને આ ફિલ્મને મજેદાર બનાવી રહ્યા છે.’ પણ એ પ્રયાસ મજેદાર રહ્યો નહીં અને ન ચાલ્યો. મતલબ બોલીવૂડને દક્ષિણ ભારતીય ફિલ્મ્સના પ્રતાપે પોતાની જૂની ફોર્મ્યુલા તારણહાર તો લાગી રહી છે, પણ જોડે એ પણ સમજવું રહ્યું કે ટ્રેન્ડ કે તકનીક કોઈ પણ હોય, ફિલ્મ્સ મનોરંજક અને કલાત્મક હશે તો દર્શકો પસંદ કરે તેની શક્યતા વધુ રહે છે!

લાસ્ટ શોટ
‘જવાન’ ફિલ્મમાં શાહરૂખ ખાનના પાત્રનો સંવાદ છે:
‘જબ મૈં વિલન બનતા હૂં તબ મેરે સામને કોઈ હીરો
નહીં ટીકતા.’

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત