નવી દિલ્હી: Mood of Nation Survey: લોકસભા ચૂંટણી (Lok sabha election 2024) કહી શકાય કે હવે આંગણે આવીને ઊભી છે. તેવામાં દેશભરમાં રાજકીય માહોલ બરોબર જામવા લાગ્યો છે. પરંતુ તે પહેલા લોકોનો મિજાજ જાણવા માટે થઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં બહાર આવ્યું છે કે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ (PM Narendra Modi popularity) ઉપર ઊંચકાયો છે. અને PM મોદીની આ લોકપ્રિયતામાં રામ મંદિરના નિર્માણે મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.
સર્વેમાં જાણવા મળ્યું છે આગામી લોકસભાની ચુંટણીમાં ભાજપના નેતૃત્વ વાળી NDA સરકારને લોકો ખોબલે ખોબલે મત આપશે એટલે કે NDAને 2024ની ચુંટણીમાં બહુમતી મળી રહી છે. અને આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે.
આ સર્વેમાં ભાગ લેનારા 42 ટકા લોકોએ કહ્યું કે અયોધ્યાનું રામ મંદિર નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતાની મોટી ઉપલબ્ધિ છે.જો કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય રહ્યું છે. આ ઉપરાંત ગ્લોબલ લેવલે ભારતનું વધતું કદ એ પણ મોદીની લોકપ્રિયતાની મોટી સિદ્ધિ છે. સર્વેમાં સામેલ 19 ટકા લોકોનું તેવુ પણ કહેવું છે કે ઇન્ટરનેશનલ લેવલે ભારતના સતત વધી રહેલા કદના કારણે મોદીની લોકપ્રિયતા વધી છે.
જ્યારે 12 ટકા લોકો જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370નું હટાવવું, 9 ટકાએ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું, છ ટકા લોકોએ ડિમોનેટાઈઝેશન કરવાનું, 6 ટકા લોકોએ કોવિડ-19 મેનેજમેન્ટ કરવાનું, અને પાંચ ટકા લોકોએ ભ્રષ્ટાચાર સામે લડતને પણ નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિયતાના કારણ ગણાવ્યા હતા.
આ સર્વે 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. દોઢ મહિના સુધી ચાલેલા આ સર્વેમાં લગભગ 1.5 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા અને સેમ્પલ સાઇઝ 1,49,092 હતી. 35 હજાર લોકો સાથે સીધી વાત કરવામાં આવી હતી. આ સર્વે બાદ એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે જો આજે ચૂંટણી થાય તો કોને કેટલી સીટો મળશે? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ત્રીજી ટર્મ મળશે કે પછી વિપક્ષ કંઇક વિસ્ફોટક કરશે?
પરંતુ સર્વેના તારણમાં ભાજપની હેટ્રિકના એંધાણ દેખાઈ રહ્યા છે. 543માંથી NDAને 335 બેઠકો મેળવવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે. જ્યારે INDIA ગઠબંધનના નામે 166 સીટો જઈ શકે છે. અન્યને 42 બેઠકો મળી શકે છે. જેમાંથી ભાજપ એકલા હાથે 304 સીટો જીતી શકે છે. કોંગ્રેસને 71 અને અન્યને 168 બેઠકો મળી શકે છે.