થાણેના આ ઉદ્યાનને મળ્યું વડા પ્રધાન મોદીનું નામ
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે શહેરના કોલશેટ વિસ્તારમાં ૨૦.૫ એકર જમીનમાં ભવ્ય સેન્ટ્રલ પાર્કનું આઠ ફેબ્રુઆરી, ગુરુવારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી આ સેન્ટ્રલ પાર્કનું નામ ‘નમો ધ ગ્રાન્ડ સેન્ટ્રલ પાર્ક’ રાખવામાં આવ્યું છે.
રાજ્યનું સૌથી મોટું ઉદ્યાન હોવાનો દાવો થાણે મહાનગરપાલિકાએ કર્યો છે. ઉલ્હાસ રિવર ક્રીક અને સંજય ગાંધી નેશનલ સેન્ચ્યુરી નજીક આ ભવ્ય સેન્ટ્રલ પાર્ક ઊભું કરવામાં આવ્યું છે, જેમાં લગભગ ૩,૫૦૦ પ્રકારના જુદી જુદી પ્રજાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
થાણે મહાનગરપાલિકાના સુવિધા પ્લોટ ડેવલપમેન્ટ પ્રોેજેક્ટ હેઠળ ઊભો કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ પાર્ક, લંડનના હાયડ પાર્ક અને શિકાગોના લિંકન પાર્કમાંથી પ્રેરણા લઈને આ ઉદ્યાન બનાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ પાર્કમાં મુઘલ ગાર્ડન, ચાઈનીઝ, મોરોક્કન અને જાપાનીઝ એમ ચાર થીમ પાર્ક હશે.
બાળકોને રમવા માટે મોટા પ્રમાણમાં ખુલ્લી જગ્યા, જૉગિંગ ટ્રૅક, સ્કેટિંગ યાર્ડ, લૉન ટેનિસ, વૉલીબોલ કોર્ટ સહિત યોગા માટે ખાસ જગ્યા ફાળવવામાં આવશે. આ ઉદ્યાનમાં ઍમ્પી થિયેટર, કેફેટેરિયા, શૌચાલયની પણ વ્યવસ્થા હશે. આ ઉદ્યાનમાં પક્ષી, પતંગિયાની ૧૦૦થી વધુ પ્રજાતિનો વસવાટ રહેશે. અહીં એક ટ્રી હાઉસ હશે. ત્રણ એકરની જગ્યામાં મોટું તળાવ પણ હશે.
આ ગ્રાન્ડ સેન્ટ્રલ પાર્કમાં સવારના છ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અને બપોરના ચાર વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી પ્રવેશ મળશે. સોમવારે આ ઉદ્યાન બંધ રહેશે. ૧૫ વર્ષ સુધીના બાળકો માટે કોઈ પણ પ્રવેશ ફી રાખવામાં આવી નથી. સિનિયર સિટીઝન માટે દિવસના ૧૦ રૂપિયાની ફરી હશે. સાયકલ સાથે પ્રવેશ ફી ૨૦ રૂપિયા હશે. તો ૧૫ વર્ષથી ઉપરના લોકો માટે૨૦ રૂપિયાની ફરી હશે.