તમામ હૉસ્પિટલ અને ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત: માંડલ અંધાપાકાંડ બાદ સરકાર જાગી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ લોકોની દ્રષ્ટિ જતી રહેતાં તેમ જ આંખે ઝાંખપ સર્જાવાના અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇ કોર્ટે સ્વયં સંજ્ઞાન લઈ સુઓમોટો દાખલ કરી હતી. આ સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં રાજય સરકારે સોગંદનામું રજૂ કરી મહત્ત્વની જાહેરાત કરી હતી કે, હવેથી રાજયભરમાં તમામ કિલનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
રાજય સરકાર દ્વારા ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અને રૂલ્સમાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. તેને લઈને હવે ટૂંક સમયમાં જ આ નવી જોગવાઈઓ લાગુ બનશે. દરમ્યાન કોર્ટ સહાયકે અંધાપાકાંડ જેવા કિસ્સાઓમાં ડોક્ટરો જવાબદારીમાંથી બચી જતા હોવા સહિતના મુદ્દે ધ્યાને દોરતાં હાઇ કોર્ટે રાજયના તબીબી આલમને બહુ માર્મિક ટકોર કરી હતી કે, જો ડોક્ટરોએ કોર્પોરેટ કલ્ચર પ્રમાણે પૈસા જોઇએ છે તો એ પ્રમાણે તેમણે નિષ્ઠાથી કામ પણ કરવું જોઇએ. જે આપણે કરતા નથી. કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં રાખી છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધા માયીની ખંડપીઠે વધુમાં જણાવ્યું હતુ કે, કોર્પોરેટ હોસ્પિટલો અને કલ્ચરમાં સતત ચોવીસ કલાક કામ કરવા પ્રથા છે અને તેમાં કોઈ રાત-દિવસ જોવાતા હોતા નથી. રાજય સરકારના સોગંદનામાને રેકર્ડ પર લઇ હાઈ કોર્ટે આવા કિસ્સાઓ ભવિષ્યમાં ના બને તે માટે મહત્તમ રીતે શું સારૃ થઇ શકે તેમ છે તે દિશામાં પગલાં સાથે આવવા રાજય સરકારને અને કોર્ટ સહાયકને સૂચન સાથે નિર્દેશ કર્યો હતો.
અમદાવાદ જિલ્લાના શ્રી સેવા નિકેતન ટ્રસ્ટ, માંડલ દ્વારા સંચાલિત વિરમગામની રામાનંદ આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન બાદ ગયા મહિને ૧૭ લોકોને અંધાપો આવવાની ચકચારી ઘટના સામે આવી હતી, જેને લઈ હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી.
આ કેસની સુનાવણીમાં રાજય સરકારે સોંગદનામું રજૂ કરી જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા કલિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટમાં સુધારો કરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરી છે અને તે અંગે જરૂરી વાંધા સૂચનો મંગાવાયા છે તે પહેલા જ વિરમગામમાં અંધાપાકાંડની આ ઘટના સામે આવી ગઈ. અગાઉ ૫૦ બેડથી વધુ હોસ્પિટલ હોય તો રજિસ્ટ્રેશન ફરજિયાત હતું, પરંતુ હવેથી ભલે એક કે બે બેડનું કલિનીક કે હોસ્પિટલ હશે તો પણ તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.