એકસ્ટ્રા અફેર

એસસી-એસટી અનામતમાં પણ ક્રીમી લેયર હોવું જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

લોકસભાની ચૂંટણી આવતાં જ અનામતનો મુદ્દો ફરી ગાજવા માંડ્યો છે. એક તરફ કૉંગ્રેસ અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતનું પ્રમાણ વધારવાનું વચન આપી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રની ભાજપ સરકારે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટેની અનામતમાં બંને વર્ગના અતિ પછાતો માટે ખાસ જોગવાઈ કરવાની તરફેણ કરી છે. મતલબ કે, મોદી સરકાર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં પણ અનામત આપવાની તરફેણ કરી રહી છે.

જો કે મહત્ત્વનો મુદ્દો સુપ્રીમ કોર્ટે કરેલો સવાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, આઇએએસ-આઇપીએસ અધિકારીઓએ અનામતનો લાભ લીધો છે અને પ્રગતિ કરી છે તો તેમનાં બાળકોને ક્રીમિલેયર માનીને અનામતનો લાભ આપવામાંથી બાકાત રાખી શકાય? આપણે ત્યાં અત્યારે અન્ય પછાત વર્ગ (ઓબીસી) તથા સવર્ણોમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) અનામતમાં ક્રીમિલેયર છે. આ બંને કેટેગરીમાં આઠ લાખ રૂપિયાથી વધારે વાર્ષિક આવક ધરાવતા પરિવારોને અનામતનો લાભ મળતો નથી પણ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં ક્રીમિલેયર નથી. સુપ્રીમ કોર્ટનો સવાલ આ ક્રીમિલેયર દાખલ કરવાનો છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ સવાલના જવાબમાં શું કહે છે એ હવે પછી ખબર પડશે પણ અત્યાર સુધી મોદી સરકાર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં પણ ક્રીમિલેયર સિસ્ટમ દાખલ કરીને જે લોકો અનામતનો લાભ લઈને તગડા થયા છે તેમને અનામતનો લાભ નહીં આપવાની તરફેણમાં રહી છે. સુપ્રીમ કોર્ટ પહેલાં જ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં ક્રીમિલેયરની માગણી નકારી ચૂકી છે પણ ૨૦૧૯ના ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ભૂતકાળમાં આપેલા ચુકાદા અંગે ફેરવિચારણા કરીને આ મુદ્દો બંધારણીય બેંચને સોંપવા કહેલું. હવે બંધારણીય બેંચે જ આ સવાલ ઊઠાવ્યો છે ત્યારે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં પણ ક્રીમિલેયર આવી શકે છે.

એસસી-એસટી અનામતમાં ક્રીમિલેયર આવી જાય તો એ બહુ મોટી વાત કહેવાય ને વાસ્તવમાં અનામત જે ઉદ્દેશથી દાખલ કરાઈ છે એ ઉદ્દેશ પાર પાડવાની દિશામાં મોટું કદમ કહેવાય. તેનું કારણ એ કે, અત્યારે એસસી-એસટી અનામત પણ ચોક્કસ વર્ગનો ઈજાર બની ગયો છે કે જે આર્થિક અને સામાજિક રીતે સવર્ણો કે બીજા સમૃદ્ધ લોકો કરતાં જરાય ઓછા નથી. તેમને અનામતનો લાભ આપવો એ અનામતની ખરેખર જેમને જરૂર છે તેમનો અધિકાર છિનવી લેવાય છે. આ સંજોગોમાં એસસી, એસટીમાં પણ ક્રીમિલેયર પ્રથા લાવવી જ જોઈએ. ઓબીસી અનામતમાં ક્રીમિલેયર છે પણ એ આર્થિક માપદંડ આધારિત છે પણ તેનાથી બકવાસ બીજો કોઈ માપદંડ ના હોઈ શકે. તેના બદલે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો છે તેને માપદંડ બનાવીને આદિવાસીઓ અને દલિતોમાં અનામતનો લાભ લેનારાંને બાજુ પર મૂકીને જેમને સાવ લાભ નથી મળ્યો તેમને લાભ મળે એવું કરવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે માત્ર આઈએએસ અને આઈપીએસ અઘિકારીએઓનાં સંતાનોના સંદર્ભમાં સવાલ કર્યો છે પણ વાસ્તવમાં કેન્દ્ર કે રાજ્ય સરકારમાં પ્રધાન હોય તેવા એસસી-એસટી, આ વર્ગમાં આઈએએસ, આઈપીએસ સહિતના તમામ ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસરનાં સંતાનો, ડૉક્ટર, જે પરિવારમાંથી બે વ્યક્તિને અનામતનો લાભ મળ્યો હોય તેવા પરિવારોને અનામતનો લાભ ના મળે એવી જોગવાઈ થવી જોઈએ. તેના બદલે જે પરિવારે કદી અનામતનો લાભ નથી લીધો તેમને અનામતનો લાભ મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ પ્રકારના માપદંડ રાખવામાં આવશે તો તમામ લોકોને અનામતનો લાભ મળી શકશે. બાકી અત્યારે મુઠ્ઠીભર દલિત અને આદિવાસી પરિવારો તેનો લાભ લે છે.

મોદી સરકાર એસસી અને એસટી અનામતમાં સબ-કેટેગરીની તરફેણ કરી રહી છે એ યોગ્ય નથી કેમ કે તેના કારણે જ્ઞાતિવાદ પ્રબળ બનશે. આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે ૨૦૦૪માં ઈ. વી. ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના કેસમાં ચુકાદો આપેલો કે, અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) એક જ જ્ઞાતિ જૂથ છે તેથી રાજ્ય તેમાં સબ કેટેગરી ના બનાવી શકે. આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો.

૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે અનામતમાં સબ કેટેગરીને યોગ્ય ગણાવીને પેટા-અનામતને માન્ય રાખેલી. તેની સામે અરજી થતાં આ મામલો બંધારણીય બેંચને સોંપવામાં આવ્યો હતો. દેશના ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડના વડપણ હેઠળની સાત જજની બંધારણીય બેન્ચ હાઈ કોર્ટે આપેલા ચુકાદાની કાયદેસરતા ચકાસી રહી છે અને સુનાવણી કરી રહી છે.

આ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતીથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી છે કે, કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીમાં પણ ભેદભાવનો સામનો કરી રહેલા લોકો માટે અનામતની સબ-કેટેગરીની તરફેણ કરે છે. તુષાર મહેતાએ હાઈ કોર્ટના ચુકાદાનો વિરોધ કરતાં એમ પણ કહ્યું કે, આ ચુકાદો બંધારણે આપેલા સમાનતાના અધિકારને પણ નકારે છે.

કેન્દ્ર સરકાર વતી કરાયેલી આ દલીલ દમ વિનાની છે કેમ કે વાસ્તવમાં તો અનામત જ બંધારણે આપેલા સમાનતાના અધિકારનો ભંગ કરે છે. ખેર, એ મુદ્દો અલગ છે પણ અનામતમાં પણ સબ-કેટેગરીની તરફેણ પાછળ રાજરીય ગણતરીઓ છે. જે લોકો સબ-કેટેગરીની તરફેણ કરે છે એ લોકોની દલીલ છે કે, દરેક કેટેગરીમાં કેટલીક ચોક્કસ જ્ઞાતિઓ જ અનામતનો લાભ લઈને ધિંગી બની છે જ્યારે કેટલીક જ્ઞાતિઓને તો લાભ મળતો જ નથી. આ લાભ મેળવવામાંથી રહી ગયેલી જ્ઞાતિઓ માટે પેટા અનામત રાખવી જોઈએ કે જેથી તેમનો પણ ઉધ્ધાર થાય ને જે ઉદ્દેશ માટે અનામતની જોગવાઈ કરાઈ છે એ ઉદ્દેશ પણ પાર પડે.

આ વાત સાચી છે પણ તેનો ઉપાય જ્ઞાતિ આધારિત વિભાજન નથી પણ ક્રીમિલેયર છે. જેમણે અનામતનો ભરપૂર લાભ લીધો છે તેમને બાકાત રખાય ને જેમને અનામતનો લાભ નથી મળ્યો તેમને લાભ અપાય એ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button