આમચી મુંબઈમહારાષ્ટ્ર
પાટા પર ઊભેલા શખસે લાકડી ફટકારતાં ટ્રેનનો પ્રવાસી ગંભીર જખમી

થાણે: પાટા પર ઊભેલા શખસે હાવડા-મુંબઈ એક્સપ્રેસમાં પ્રવાસ કરનારા યુવકને લાકડી ફટકારતાં તે ગંભીર રીતે ઘવાયો હોવાની ઘટના કલ્યાણ નજીક બની હતી.
કલ્યાણની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની બપોરે આંબીવલી-કલ્યાણ સ્ટેશન વચ્ચે દોડતી ટ્રેનમાં બની હતી. નાશિકના મનમાડ ખાતે રહેતો 27 વર્ષનો શ્રમિક ટ્રેનના જનરલ કોચમાં ફૂટબોર્ડ પર ઊભો હતો.
ટ્રેન ધીમી પડી ત્યારે પાટા પર ઊભેલા શખસે યુવકને લાકડી ફટકારી હતી. આ ઘટનામાં યુવકની આંખને ગંભીર ઇજા થઈ હતી. સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
યુવકે નોંધાવેલી ફરિયાદને આધારે કલ્યાણ જીઆરપીએ મંગળવારે ભારતીય દંડ સંહિતાની કલમ 336 અને 338 હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)