સ્પોર્ટસ

ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન બોલરે કહ્યું, ‘લખી રાખજો, ભારતનો આ બોલર જૂનના વર્લ્ડ કપમાં બેસ્ટ સાબિત થશે’

જોહનિસબર્ગ: ગયા ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાયેલા વન-ડેના વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીને મોડેથી રમવાનો મોકો મળ્યો અને પછી તો તે એવો ખીલ્યો કે ફક્ત સાત મૅચમાં 24 વિકેટ લઈને વર્લ્ડ કપનો બેસ્ટ બોલર સાબિત થયો. તે અત્યારે તો ઈજાને કારણે મેદાનથી દૂર છે અને તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ભારતના સ્ટેડિયમો ગજાવી રહ્યો છે.

બુમરાહની જ વાત નીકળી છે તો કહી દઈએ કે સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વર્નોન ફિલૅન્ડર તેનાથી ખૂબ પ્રભાવિત છે.

50મી ટેસ્ટ વિકેટ લેવામાં વિશ્વના બીજા નંબરના ફાસ્ટેસ્ટ બોલર તરીકે જાણીતા ફિલન્ડરે ફક્ત સાત જ ટેસ્ટમાં એ સિદ્ધિ મેળવી હતી. તેના મતે મોહમ્મદ શમી તો કમાલનો બોલર છે જ, બુમરાહ પણ કંઈ કમ નથી. તે સીમનો બહુ સારી રીતે ઉપયોગ કરે છે અને બૅટર્સને મુશ્કેલીમાં મૂકી દે છે.

આગામી ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાવાનો છે અને એ સંબંધમાં ફિલેન્ડરનો એવો મત છે કે ‘મારા શબ્દો યાદ રાખજો, જૂનના ટી-20 વર્લ્ડ કપમાં બુમરાહ સર્વશ્રેષ્ઠ બોલર પુરવાર થશે.’

હમણાં બુમરાહનો સુવર્ણકાળ ચાલે છે. ઇંગ્લૅન્ડ સામે વિશાખાપટ્ટનમની બીજી ટેસ્ટના બીજા દાવમાં છ વિકેટ અને આખી મૅચમાં કુલ નવ વિકેટ લઈને બુમરાહે બ્રિટિશ બૅટર્સને એવા ઝટકા આપ્યા કે તેઓ ‘બૅઝબૉલ’ (આક્રમક સ્ટાઇલથી બૅટિંગ કરવાની પદ્ધતિ) જાણે ભૂલી જ ગયા. સાઉથ આફ્રિકા વતી 64 ટેસ્ટ રમીને 225 વિકેટ લેનાર ફિલૅન્ડર ‘પીટીઆઇ ભાષા’ને મુલાકાતમાં કહે છે કે ‘હાલના તમામ બોલર્સમાં બુમરાહ મારી દૃષ્ટિએ મોસ્ટ કમ્પ્લીટ બોલર છે. તેનામાં ગજબનું કૌશલ્ય છે. લાઇન અને લેન્ગ્થને કારણે પણ તે ટેસ્ટમાં સફળતા મેળવી રહ્યો છે. અગાઉ તે હંમેશાં વિકેટ-ટેકિંગ બૉલ ફેંકવાનું જ પસંદ કરતો હતો એટલે તેની બોલિંગમાં ઘણા રન બનતા હતા, પણ હવે તેની બોલિંગમાં ક્ધસીસ્ટન્સી જોવા મળી રહી છે.

સતતપણે લાઇન અને લેન્ગ્થમાં બૉલ ફેંકવાની તેની કુશળતા હરીફ બૅટર્સ માટે માથાનો દુખાવો બની ગઈ છે.’
ફિલેન્ડરનું એવું પણ માનવું છે કે ‘જૂનના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ બુમરાહ પર બહુ મોટો મદાર રાખશે, કારણકે ટી-20 જેવી સૌથી ટૂંકા ફૉર્મેટની ક્રિકેટમાં બુમરાહ જેવાની બાદબાકી કરી જ ન શકાય. તે ગજબના સ્વિંગથી બૉલને સ્ટમ્પ્સ પર જ ફેંકે છે એટલે બૅટરે કોઈ પણ સંજોગોમાં એ બૉલને રમવો જ પડે. તેના ઘાતક યૉર્કરની તો વાત જ શું કરું. ટી-20 જેવા વિશ્વકપમાં આવી કુશળતા જ બોલરને સફળ બનાવતી હોય છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button