નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) 2004 થી 2014 સુધીના UPA શાસન દરમિયાન દેશની નબળી આર્થિક સ્થિતિને ઉજાગર કરવા લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું છે (White Paper in Lok Sabha). નાણાં પ્રધાને નાણાકીય વર્ષ 2024 માટે વચગાળાના બજેટ ભાષણમાં શ્વેતપત્ર લાવવાની જાહેરાત કરી હતી. લોકસભાની સાથે રાજ્યસભામાં પણ આ શ્વેતપત્ર રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ આ પહેલા શ્વેતપત્રના જવાબમાં મોદી સરકારના કાર્યકાળને લઈને બ્લેક પેપર બહાર પાડ્યું હતું.
ગૃહમાં વ્હાઇટ પેપર બહાર પાડતા નાણામંત્રીએ કહ્યું, ‘હું ભારતીય અર્થવ્યવસ્થા પરનું ‘વ્હાઈટ પેપર’ હિન્દી અને અંગ્રેજીમાં રજૂ કરું છું. શ્વેતપત્રમાં લખવામાં આવ્યું છે કે દેશને આર્થિક સંકટ વિશે જણાવવું જરૂરી છે. 2004 થી 2014 સુધી અર્થતંત્રની ગતિ ધીમી રહી અને આર્થિક વ્યવસ્થા નબળી રહી. 2004માં આર્થિક સુધારાને છોડી દેવામાં આવ્યા હતા. સરકારના શ્વેતપત્ર મુજબ, UPA સરકારે 2008 પછી આર્થિક પાયો નબળો કર્યો. દેશમાં 2009 થી 2014 વચ્ચે મોંઘવારી વધી હતી, જેનો માર સામાન્ય લોકો પર પડ્યો હતો.
શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે યુપીએ શાસન દરમિયાન રોકાણકારો વિદેશમાં રોકાણ કરવા લાગ્યા હતા. તે દરમિયાન બેન્કિંગ સેક્ટર ખોટમાં ચાલી રહી હતી. શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે UPA સરકારના શાસનમાં સામાન્ય લોકો મોંઘવારીથી પીડાતા હતા. યુપીએના કાર્યકાળે અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી. નાણાંપ્રધાને કહ્યું કે, NDA સરકારે તે વર્ષોની કટોકટી પર કાબુ મેળવ્યો છે અને દેશની અર્થવ્યવસ્થાને સર્વાંગી વિકાસના પથ પર મૂકી છે. તેમણે કહ્યું કે હવે જોઈએ છીએ કે 2014 સુધી આપણે ક્યાં હતા અને અત્યારે ક્યાં છીએ.
નિર્મલા સીતારમણે રજૂ કરેલા શ્વેતપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે યુપીએ સરકારનો કાર્યકાળ ખરાબ દાયકો સાબિત થયો હતો કારણ કે તે વાજપેયી સરકાર દ્વારા છોડવામાં આવેલી મજબૂત મુખ્ય અર્થવ્યવસ્થા અને સુધારાની ગતિનો લાભ લેવામાં નિષ્ફળ રહી હતી.