પત્નીની હત્યા કરી ફરાર થયેલો પતિ 24 કલાકમાં ગાઝીપુરમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રેમલગ્નના છ મહિનામાં જ ચારિત્ર્ય પર શંકાને પગલે પતિએ પત્નીની કથિત હત્યા કરી હોવાની ઘટના કાંજુરમાર્ગમાં બની હતી. પત્નીના મૃતદેહને બેડશીટમાં વીંટાળીને ઘરમાં સંતાડી દીધા બાદ ફરાર થઈ ગયેલા આરોપી પતિને પોલીસે 24 કલાકમાં જ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાંથી પકડી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-7ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ રાજેશ યાદવ તરીકે થઈ હતી. ટેમ્પો ડ્રાઈવર યાદવને વધુ કાર્યવાહી માટે કાંજુરમાર્ગ પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના યાદવની ઓળખાણ ઓરિસાની દીપા મંડલ સાથે ફેસબુક પર થઈ હતી. સોશિયલ મીડિયા પર મિત્રતા અને ચૅટિંગ પછી બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. મિત્રતા પ્રેમમાં પરિણમતાં છ મહિના પહેલાં બન્નેએ લગ્ન કર્યાં હતાં.
લગ્ન પછી દંપતી કાંજુરમાર્ગમાં ભાડેની રૂમમાં રહેવા આવ્યું હતું. ટેમ્પો ડ્રાઈવર યાદવને દારૂ પીવાનું વ્યસન હતું, જેને લઈ દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આરોપી યાદવની પત્ની દીપા કાંજુરમાર્ગમાં જ રમકડાં બનાવતા કારખાનામાં કામ કરતી હતી. છેલ્લા કેટલાક દિવસથી યાદવ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. શંકાને પગલે તેણે પત્નીની હત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે.
પોલીસે જણાવ્યું હતું કે દીપાનો મૃતદેહ મંગળવારે ઘરમાંથી મળી આવ્યો હતો. ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. પછી મૃતદેહને બેડશીટમાં વીંટાળી ઘરમાં જ સંતાડીને આરોપી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદથી ગુમ યાદવની પોલીસે શંકાને આધારે શોધ હાથ ધરી હતી. યાદવ ઉત્તર પ્રદેશના ગાઝીપુર ખાતેના વતન જઈ રહ્યો હોવાની માહિતીને આધારે પોલીસની ટીમ ગાઝીપુર પહોંચી હતી. એક સગાના ઘરમાંથી તેને તાબામાં લેવાયો હતો.