પ્રસિદ્ધ તુળજાભવાની મંદિર ટ્રસ્ટનો એકાઉન્ટ્સ ઑફિસર લાંચ લેતાં ઝડપાયો
છત્રપતિ સંભાજીનગર: ધારાશિવ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તુળજાભવાની મંદિરનું વ્યવસ્થાપન કરતા ટ્રસ્ટના એકાઉન્ટ્સ ઑફિસરની છ લાખ રૂપિયાની કથિત લાંચ સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
એક કોન્ટ્રાક્ટરની ફરિયાદને આધારે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ બુધવારે મંદિર પરિસરમાં છટકું ગોઠવી આરોપી સિદ્ધેશ્ર્વર શિંદે (39)ને પકડી પાડ્યો હતો.
કોન્ટ્રાક્ટરને તુળજાભવાની મંદિર ટ્રસ્ટ સંચાલિત સ્થાનિક સૈનિક સ્કૂલના વિકાસકામનો 3.88 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કોન્ટ્રાક્ટરે 90 ટકા કામ પૂર્ણ કર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એકાઉન્ટ્સ ઑફિસર શિંદેએ અત્યાર સુધી કોન્ટ્રાક્ટરના બે કરોડ રૂપિયાનાં બિલ્સની તપાસ કરી તેને મંજૂર કર્યાં હતાં. જોકે બાકીની રકમ છૂટી કરવા માટે શિંદેએ 10 લાખ રૂપિયાની કથિત માગણી કરી હતી, જેના બદલામાં 34.6 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પાછી મેળવી આપવામાં પણ મદદ કરશે, એમ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ વાટાઘાટ પછી શિંદે છ લાખ રૂપિયા સ્વીકારવા રાજી થયો હતો. કોન્ટ્રાક્ટરની ફરિયાદને આધારે એસીબીએ મંદિર પરિસરમાં છટકું ગોઠવ્યું હતું. કોન્ટ્રાક્ટર પાસેથી લાંચની રકમ સ્વીકાર્યા પછી શિંદેને ટ્રસ્ટની ઑફિસમાંથી તાબામાં લેવાયો હતો.
આ પ્રકરણે ધરપકડ કરાયેલા શિંદે વિરુદ્ધ તુળજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે શિંદેના નિવાસસ્થાને સર્ચ હાથ ધરી 270 ગ્રામ સોનું અને 6.08 લાખની રોકડ જપ્ત કરી હોવાનું એસીબીના ધારાશિવ યુનિટના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)