Himachal Pradesh: ખીણમાં પડી જતાં 2 ટ્રેકર્સના મોત, 48 કલાક સુધી પાલતુ શ્વાન મૃતદેહની રક્ષા કરતો રહ્યો
હિમાચલ પ્રદેશના બીર બિલિંગના પહાડી વિસ્તારમાં ટ્રેકિંગ દરમિયાન બે ટ્રેકર્સ મોત થયા હતા. તેમની સાથે આવેલો એક જર્મન શેફર્ડ શ્વાન મૃતદેહોની બાજુમાં બે દિવસ સુધી રહ્યો અને મૃતદેહોની રખેવાળી કરતો રહ્યો. રવિવારે ટ્રેકર્સ ગુમ થયા બાદ લગભગ 48 કલાક પછી મંગળવારે મળ્યા ત્યાં સુધી શ્વાન સતત ભસતો રહ્યો.
એક અહેવાલ મુજબ મૃત ટ્રેકર્સની ઓળખ પંજાબના પઠાણકોટના અભિનંદન ગુપ્તા (30) અને પુણેના પ્રણિતા વાલા (26) તરીકે થઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ ખીણમાં પટકાતા બંને મૃત્યુ પામ્યા હતા, પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુના કારણની પુષ્ટિ કરવામાં આવશે.
બીર બિલિંગ 5,000 ફીટની ઉંચાઈએ આવેલું છે, આ સ્થળ ટ્રેકિંગ અને પેરાગ્લાઈડિંગ માટે સહેલાણીઓનું મનપસંદ સ્થળ છે. કાંગડા જિલ્લા વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અભિનંદન ગુપ્તા છેલ્લા ચાર વર્ષથી પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ પ્રવૃત્તિઓ માટે આ વિસ્તારમાં રહેતો હતો. જયારે મહિલા થોડા દિવસો પહેલા જ પુણેથી આવી હતી અને હિમવર્ષાના રાઉન્ડ પછી ભાર નીકળી હતી.
પોલીસના જણાવ્યા મુજબ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચાર લોકોનું જૂથ ટ્રેકિંગ માટે નીકળ્યું હતું, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે, તેઓ એક કારમાં બેસીને નીકળ્યા હતા. જ્યારે કાર એક સ્થળથી આગળ વધી શકે એમ ન હતી, ત્યારે તેઓએ ચાલવાનું શરૂ કર્યું હતું. હવામાન બદલાતા, ચારમાંથી બે લોકો પીછેહઠ કરી ગયા હતા. તેઓ અન્ય લોકોની મદદથી સલામત પરત ફર્યા. પરંતુ અભિનંદન ગુપ્તાએ કથિત રીતે કહ્યું કે તે રસ્તો જાણે છે, ત્યાર બાદ તે, પ્રણિતા અને શ્વાન આગળ વધ્યા હતા.
અભિનંદન અને પ્રણિતા લાંબા સમય સુધી પરત ન ફરતા, જૂથના પરત ફરેલા સભ્યોએ તેઓ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. થોડી જ વારમાં તેમને શોધવા માટે સર્ચ પાર્ટી મોકલવામાં આવી હતી. બચાવ ટીમના એક સભ્યે કહ્યું કે તેઓએ બે ટીમોને તૈનાત કરી હતી. જ્યાંથી પેરાગ્લાઈડર્સ ટેક ઓફ કરે છે ત્યાંથી ત્રણ કિલોમીટર નીચે મૃતદેહો મળી આવ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે “આ તીક્ષ્ણ ઢોળાવવાળો વિસ્તાર છે અને હિમવર્ષા દરમિયાન ખૂબ જ લપસણો થઈ જાય છે. એવું લાગે છે કે તેઓ લપસીને નીચે પડ્યા હશે. તેઓ એકવાર ઉપર તરફ જવા સફળ થયા હશે, પણ ફરી લપસી પડ્યા હશે.” તેમણે કહ્યું કે જર્મન શેફર્ડ શ્વાન મૃતદેહોની બાજુમાં ભસતો અને રડતો રહ્યો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી જણાવ્યું હતું કે, “કાંગડા જીલ્લામાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. તેથી કોઈપણ પ્રવાસીએ બહાર નીકળવા માટે કોઈ સ્થાનિક રહેવાસીને સાથે રાખવો જોઈએ જેને આ વિસ્તાર વિશે જાણકારી હોય. ટ્રેક્સ બરફથી ઢંકાઈ જાય છે અને પ્રવાસીઓ માટે રસ્તો શોધવો મુશ્કેલ બને છે.”