મુંબઈ: હાર્દિક પંડ્યા જ્યારથી ગુજરાત ટાઇટન્સ (જીટી) છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં પાછો આવ્યો છે ત્યારથી તેની અને રોહિત શર્મા વચ્ચે ખટરાગ હોવાની વાતો સમયાંતરે ઉડ્યા કરે છે. આવું બે-ત્રણ મહિનાથી ચાલ્યા કરે છે. હાર્દિકે એમઆઇમાં કમબૅક કર્યું એટલે શુભમન ગિલને જીટીનું સુકાન તરત સોંપાઈ ગયું, પણ એમઆઇને પાંચ-પાંચ ટાઇટલ અપાવનાર રોહિતની કૅપ્ટન્સી હાલકડોલક થઈ ગઈ. હાર્દિકને સત્તાવાર રીતે એમઆઇનો કૅપ્ટન નીમાયો એટલે રોહિતની ગણના માત્ર પ્લેયર તરીકે થવા લાગી.
જોકે હાર્દિક ઈજા પામતાં ટીમ ઇન્ડિયાની પણ બહાર થઈ ગયો એટલે એની સીધી અસર તેની એમઆઇની કૅપ્ટન્સી પર પડી અને એવી ચર્ચા થવા લાગી કે રોહિત જ સુકાન સંભાળશે, કારણકે હાર્દિક કદાચ સમયસર ફિટ નહીં થાય. હવે જ્યારે હાર્દિકે ફુલ્લી ફિટ થવા માટે પ્રૅક્ટિસ પાછી શરૂ કરી દીધી છે એટલે રોહિતનું સુકાન ફરી જોખમમાં આવી ગયું છે. સોશિયલ મીડિયા જેટલું સારું છે એટલું એની વિપરીત અસર પણ થતી હોય છે. હવે એવું કહેવાઈ રહ્યું છે કે રોહિત અને હાર્દિકે એકમેકને ઇન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધા છે.
જોકે એક જાણીતી વેબસાઇટે તપાસ કરી તો જણાયું કે હાલમાં રોહિત અને હાર્દિક એકબીજાને ફૉલો તો નથી કરતા, પણ અગાઉ ફૉલો કરતા હતા કે નહીં એની પણ કોઈ જાણ નથી. સોશિયલ મીડિયા પર માત્ર એક સ્ક્રીનશૉટ શૅર કરવામાં આવ્યો છે જેમાં શૅર કરાયેલા રિતિકા સજદેહ (રોહિતની પત્ની) અને હાર્દિક પંડ્યાના પ્રોફાઇલ શૅર કરવામાં આવ્યા છે. એમાં જણાવાયા મુજબ તેઓ બન્ને અગાઉ એકમેકને ફૉલો કરતા હતા, પણ હવે નથી કરતા.
અહીં આપણે રોહિત અને હાર્દિકના આઇપીએલના પર્ફોર્મન્સ પર એક નજર કરી લઈએ: રોહિત આઇપીએલમાં 243 મૅચ રમ્યો છે જેમાં તેણે એક સેન્ચુરી અને 42 હાફ સેન્ચુરીની મદદથી 6211 રન બનાવ્યા છે. રોહિત આઇપીએલમાં 15 વિકેટ લઈ ચૂક્યો છે. હાર્દિક પંડ્યાએ અત્યાર સુધીમાં 123 મૅચમાં 2309 રન બનાવ્યા છે અને 53 વિકેટ લીધી છે.