ઇન્ટરનેશનલવેપાર અને વાણિજ્ય

સાંકડી વધઘટે અથડાયેલા સોના-ચાંદી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકે તેવી શક્યતા ધીમી પડતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ સામે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ છતાં મધ્ય પૂર્વ દેશમાં પ્રવર્તમાન તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં છૂટીછવાઈ સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ભાવ ઘટી આવ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારનાં મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન બન્ને કિંમતી ઘાતુઓના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા. જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪નો ઘટાડો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૭નો સુધારો આવ્યો હતો.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, જ્યારે રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં હાજરમાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૩૮૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૬૩૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૭ના સુધારા સાથે રૂ. ૬૯,૯૦૩ના મથાળે રહ્યા હતા.


જ્યાં સુધી ફુગાવમાં ઘટાડા અંગેનો વિશ્વાસ
દૃઢ ન થાય ત્યાં સુધી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની ઉતાવળ નહીં કરે તેવા નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ અમુક અંશે દબાણ હેઠળ રહ્યા હતા, પરંતુ મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ અને મૂડીઝે અમેરિકી પ્રાદેશિક બૅન્કોની ફંડિંગ અને પ્રવાહિતામાં દબાણ અનુભવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ન્યૂ યોર્ક કોમ્યુનિટી બૅન્કોર્પને ડાઉનગ્રેડ કરતાં સોનામાં સલામતી માટેની માગનો છૂટોછવાયો ટેકો મળ્યો હતો અને હાજરમાં ભાવ ઔંસદીઠ ૨૦૩૨.૨૧ ડૉલર આસપાસ ટકેલા રહ્યાં હતા અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૨૦૪૭.૮૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૩૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલમાં સોનાને મધ્યપૂર્વના દેશોમાં જોવા મળી રહેલા તણાવને કારણે સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે, તેમ છતાં ફેડરલ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાતની શક્યતા મંદ પડી રહી હોવાથી સુધારો મર્યાદિત રહેતો હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક
ટીમ વૉટરરે જણાવ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આવતી કાલે જાહેર થનારા અમેરિકાનાં બેરોજગારીનાં ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?