નેશનલ

દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે દબાણ એ એક પ્રકારની ઉઘાડી લૂંટ જ છે

નવી દિલ્હી: મહેરૌલીમાં મસ્જિદ તોડી પાડવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાંતો દેશની રાજધાનીમાં વધુ બે મોટી ઘટનાઓ બની છે. જાહેર જમીન પર કરવામાં આવતા દબાણને ઉઘાડી લૂંટ તરીકે ગણાવતા દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ને સર્વેલન્સ જાળવવા માટે ડ્રોન અને સેટેલાઇટ છબીઓ અને અન્ય તકનીકનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

હાઇ કોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન સિંહ અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની ખંડપીઠે કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો નિઝામુદ્દીન કી બાવલી અને બારાખંભા મકબરાની બાજુમાં જે વધારાનું દબાણ કરવામાં આવ્યું છે તેના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ સત્તાવાળાઓ દ્વારા દાખવવામાં આવતી ગંભીર બેદરકારીનું પરિણામ છે. આ દબાણ મામલે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોર્ટ જામિયા અરેબિયા નિઝામિયા વેલફેર એજ્યુકેશન સોસાયટી કે જે એક બિન-સરકારી સંસ્થા છે તેના દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી તે સમયે કોર્ટે જણાવ્યું હતું કે આ રીતે દબાણ ના થવું જોઈએ.

હાઈ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે ડ્રોન અને સેટેલાઇટ તસવીરો જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરો. અને આ રીતે થતા વધારાના દબાણને અટકાવો. આવા દબાણોના કારણે લોકો પોતાની જમીનો ગુમાવી રહ્યા છે. તેમજ રાજ્ય પોતાની સંપત્તિ ગુમાવી રહ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ કોઈપણ અનધિકૃત બાંધકામ થાય છે, ત્યારે અધિકારીઓ દ્વારા તરત જ નિર્દોષ નાગરિકોની સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ.


પીઆઈએલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હઝરત નિઝામુદ્દીન દરગાહ પાસે પોલીસ બૂથમાં ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામ થઈ રહ્યું છે. આ ઉપરાંત બાજુમાં જ પહેલેથી સીલ કરાયેલા ગેસ્ટહાઉસના ઉપરના માળે પણ અનધિકૃત બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારે જસ્ટિસ મનમોહને કહ્યું હતું કે MCD કે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) એ પહેલાથી સીલ કરાયેલા ગેસ્ટહાઉસના ઉપરના માળે થયેલા અનધિકૃત બાંધકામ સામે પગલાં કેમ ના લીધાં.


આ ઉપરાંત કોર્ટે ગેસ્ટહાઉસના માલિકને પણ પ્રશ્ન કર્યો હતો કે પહેલેથી જ સીલ કરેલી મિલકત પર ત્રણ માળ બાંધવાની હિંમત કેવી રીતે થઈ? કોર્ટે કહ્યું હતું કે તે કાયદો પોતાના હાથમાં લઈ રહ્યો છે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે આ ઘટનામાં મિલીભગત કરનારા તમામ અધિકારીઓને પણ દંડ ફટકારવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button