શેર બજાર

રિઝર્વ બૅન્કની મૉનૅટરી પૉલિસીના નિર્ણય પૂર્વે ઈક્વિટી બજાર બેતરફી વધઘટે અથડાઈ, એફઆઈઈની ₹ ૧૬૯૧ કરોડની વેચવાલી

સેન્સેક્સમાં ૩૪ પૉઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં એક પૉઈન્ટનો સુધારો

મુંબઈ: આજે ગુરુવારે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસીની સમાપન થઈ રહેલી ત્રણ દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૪.૦૯ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સાધારણ ૧.૧૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. આજે બૅન્કિંગ અને ફાર્મા ક્ષેત્રના શૅરોમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ગઈકાલે આઈટી શૅરોમાં ઉછાળો નોંધાયા બાદ આજે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેવાથી એકંદરે સુધારો ધોવાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૬૯૧.૦૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૨૭.૭૩ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી. આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૨,૧૮૬.૦૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૭૨,૫૪૮.૫૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૭૨,૫૫૯.૨૧ અને નીચામાં ૭૧,૯૩૮.૨૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા અથવા તો ૩૪.૦૯ ટકા ઘટીને ૭૨,૧૫૨ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૧,૯૨૯.૪૦ના બંધ સામે ૨૨,૦૪૫.૦૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૨૧,૮૬૦.૦૧૫ અને ઉપરમાં ૨૨,૦૫૩.૩૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૦૧ ટકા અથવા તો સાધારણ ૧.૧૦ પૉઈન્ટના સુધારા સાથે ૨૧,૯૩૦.૫૦ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે પીએમઆઈ ડેટામાં મજબૂતી તેમ જ વૈશ્ર્વિક બજારોનાં પ્રોત્સાહક અહેવાલો છતાં આવતીકાલે સમાપન થઈ રહેલી રિઝર્વ બૅન્કની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિમાં રિઝર્વ બૅન્ક કોઈ વ્યાજદરમાં ઘટાડાનો કે પ્રવાહિતામાં સુધારા અંગેના કોઈ નિર્દેશો આપે છે કે કેમ તેના પર રોકાણકારોની નજર હોવાથી આજે તેઓએ સાવચેતીનું વલણ અપનાવતા બજાર અથડાઈ ગઈ હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. ગઈકાલે આઈટી શૅરોમાં તેજીનું વલણ જોવા મળ્યા બાદ આજે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં સત્રના આરંભે બજારમાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો. આ સિવાય ટ્રેડરોની નજર રિઝર્વ બૅન્કની મૉનૅટરી પૉલિસીની આવતીકાલે (આજે) સમાપન થતી નીતિવિષયક બેઠક પર હોવાથી રોકાણકારોના સાવચેતીના વલણની પણ બજાર પર અસર જોવા મળી હોવાનું મહેતા ઈક્વિટીઝ લિ.નાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ પાર્ષનાથ તાપ્સેએ જણાવતા ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્ક વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા મૂકાઈ રહી છે, પરંતુ ભવિષ્યના વ્યાજદર અંગે કોઈ સંકેત આપવામાં આવે છે કે નહીં તેના પર બજારની મીટ છે.

આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૫ શૅરના ભાવ વધીને અને ૧૫ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૨૯ શૅરના ભાવ વધીને અને ૨૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૩.૭૮ ટકાનો ઉછાળો સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં જોવા મળ્યો હતો. આ સિવાય અન્ય વધનાર શૅરોમાં જેએસડબ્લ્યૂ સ્ટીલમાં ૨.૧૨ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં ૧.૭૬ ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૬૯ ટકાનો અને નેસ્લેમાં ૧.૬૮ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૨.૩૩ ટકાનો ઘટાડો પાવરગ્રીડ કોર્પોરેશનમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટૅક મહિન્દ્રામાં ૨.૩૧ ટકાનો, ઈન્ફોસિસમાં ૨.૦૬ ટકાનો, ટીસીએસમાં ૧.૨૨ ટકાનો, એનટીપીસીમાં ૧.૧૧ ટકાનો અને એચડીએફસી બૅન્કમાં ૦.૯૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે ૧.૩૧ ટકાનો અને ૦.૩૮ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. આજે રિટેલ કંપની ટ્રેન્ટ લિ.એ તેનાં ત્રીજા ત્રિમાસિકગાળાના પરિણામોમાં ચોખ્ખો નફો આગલા વર્ષના સમાનગાળાની સરખામણીમાં ત્રણ ગણો વધીને રૂ. ૩૭૦.૬૪ કરોડ થતાં શૅરના ભાવમાં ૧૯ ટકાનો ઉછાળો આવ્યો હતો. આજે સતત બીજા સત્રમાં પે-ટીએમના શૅર વન-૯૭માં વધુ ૧૦ ટકાનો સુધારો આવ્યો હતો. આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં આઈટી ઈન્ડેક્સમાં ૧.૧૮ ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૯૭ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૦.૩૧ ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં ૦.૦૬ ટકાનો ઘટાડો આવ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત