શરદ પવાર પહેલા અજિત પવાર પહોંચ્યા સુપ્રીમ કોર્ટમાં
નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. એનસીપી શરદ પવારના હાથમાંથી નીકળીને ભત્રીજા અજિત પવારના હાથમાં આવી ગઈ, ત્યારબાદ શરદ પવારના જૂથે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી પણ કાકા સુપ્રીમ કોર્ટ પહોંચે તે પહેલા જ ભત્રીજો પહોંચી ગયો. મળતી માહિતી અનુસાર અજિત પવાર જૂથ પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. અજિત પવારના જૂથે કોર્ટમાં કેવિયેટ પિટિશન દાખલ કરીને કહ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ આદેશ જારી કરે છે, તો તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ. ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાના શરદ પવાર જૂથના નિર્ણય વચ્ચે અજાત પવાર જૂથ સુપ્રીમ કોર્ટ પહોંચી જતા સૌને આશ્ચર્ય પણ થયું છે.
મંગળવારે ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલી એનસીપી તરીકે જાહેર કર્યું. પંચે અજિત પવારના જૂથને પક્ષનું નામ અને ચૂંટણી ચિન્હ ઘડિયાળ ફાળવ્યું હતું. ચૂંટણી પંચે શરદ પવાર જૂથને ૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સાંજે ૪ વાગ્યા સુધીમાં નવા રાજકીય પક્ષનું નામ પસંદ કરવા માટે સૂચનો આપવા જણાવ્યું હતું. આ બાબતે શરદ પવારના ઘરે એક બેઠક પણ યોજાઈ હતી. શરદ પવારની ચેતવણી વચ્ચે અજિત પવારનું જૂથ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું છે