લાડકી

સફેદ ચહેરો (પ્રકરણ-૨૦)

દેસાઈભાઈનો દેખાવ એકદમ ચીંથરેહાલ હતો. એના ચહેરા પર ઠેક ઠેકાણેથી લોહીની ધાર વહેતી હતી. સમગ્ર ચહેરો રક્તવર્ણ થઈ ગયો હતો. એનાં વસ્ત્રો તાર તાર થઈ ગયાં હતાં એને ખૂબ માર મારવામાં આવ્યો હોય એવું લાગતું હતું

કનુ ભગદેવ

‘શા માટે…?’
‘જમીનજાગીર માટે…’
‘એ ઉખડખાબડ ઉપજાઉ જમીન અને નકામી બની ગયેલી કોલસાની ખાણ માટે?’ અને કહેતા બમનજી હસ્યો.

‘હા, એ ખાણની આપણે તપાસ જ ક્યાં કરી છે? અને એ દષ્ટિએ આપણે વિચારીએ તો એક જ માણસ આપણી નજર સામે આવે છે. જેની પાસે ખૂનો કરવાનાં કારણો પણ છે અને સાધનો પણ…’
‘તમે…’ બમનજી કશુંક બોલવા ગયો.

‘તમે એમ કરો, મારી સાથે થોડા મજૂરો તથા એક બાહોશ ભૂસ્તરશાસ્ત્રીને કાલ સવાર સુધીમાં રંગપુર મોકલી આપો અને હું હમણા જ રંગપુર જઉં છું…’
‘શા માટે…’
‘દેસાઇભાઇને શોધવા એ ત્યાં જ હોવો જોઇએ.’
‘ભલે…’


બીજે દિવસે…
બમનજીના ફોનની ઘંટડી રણકી ઊઠી. એણે રિસીવર ઊંચક્યું
‘હલ્લો… બમનજી સ્પીકીંગ…’
‘મિ. બમનજી….’ સામેથી ઓપરેટરનો અવાજ આવ્યો, ‘યોર કોલ ફોમ રંગપુર…! અને પછી વળતી જ પળે સામેથી અવાજ આવ્યો: ‘હું ધીરજ બોલું છું. તમે તાબડતોબ થોડ ચુનંદા સિપાઇઓ સાથે રમણ દેસાઇના મકાન પાસે આવી પહોંચો…’
બમનજીએ પૂછ્યું: ‘દેસાઇભાઇ ક્યાં છે?’
‘એ મને ખબર નથી, સાથે એક સ્પેશિયલ બ્લોક વોરન્ટ પણ લાવજો…’


સુનીલ તથા ધીરજ બમનજીની રાહ જોયા વગર અંધારું થતાં જ રમણ દેસાઇના નિવાસસ્થાને પહોંચ્યા. રમણ દેસાઇનું મકાન જૂના જમાનાના કિલ્લા જેવું લાગતું હતું. ઇમારતમાં ખૂબ જ આવજા હતી. કેટલાએ માણસો વરંડામાં આવતા-જતા દેખાતા હતા.

‘મને લાગે છે કે…’ સાથે આવેલો ઇન્સ્પેકટર કદમ ઊતાવળા અવાજે બોલ્યો, ‘ખૂની હવે રમણ દેસાઇ પણ પોતાનો પંજો ઉગામશે. પણ તેનું કશુંએ વળશે નહિ.’
‘કેમ?’
‘કેમ… શું? રમણ દેસાઈ જેલમાંથી છૂટેલા કેદીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને તેઓને ઈન્સાન બનાવે છે. મદદ કરે છે… અને તેમને ‘શરીફ’ બનાવે છે. આવા કેટલાક માણસોને મેં હમણાં જ વરંડામાં જોયા છે. મને લાગે છે કે પોતાના પર આક્રમણ થશે એવો ભય રમણ દેસાઈને લાગ્યો છે, અને એટલે જ તેણે નહીં એણે થોડાઘણા માણસો તૈયાર રાખ્યા છે.’
ધીરજે એની સામે સ્મિત ફરકાવ્યું પણ તે મૌન જ રહ્યો…
થોડી પળો બાદ એણે કદમને કહ્યું:
‘તમે અહીં રહીને સબ ઈન્સ્પેક્ટર આનંદની રાહ જુઓ. હું તથા સુનીલ અંદર જઈએ છીએ. અમારી સીટીનો અવાજ સાંભળતાં જ તમે પોલીસ પાર્ટી સાથે અંદર આવજો આજે અહીં કશીક નવા જૂની થવાની એવું મને લાગે છે.’

પછી તે કદમના જવાબની રાહ જોયા વગર જ સુનીલને સાથે લઈને કમ્પાઉન્ડની દીવાલ પર ચડ્યો. વળતી જ પળે બંને અંદરના ભાગમાં કૂદી પડ્યા.
આ ઈમારતનો પાછલો ભાગ હતો. બંને દબાતા પગલે આગળ વધ્યા.

સહસા જેલમાંથી છૂટેલો એક માનવી કે જે હવે કદાચ સાચેસાચ રમણદેસાઈને ત્યાં શરીફ જિંદગી ગુજારતો હતો તે સામે આવ્યો. પરંતુ એ કશુંએ બોલે એ પહેલાં જ ધીરજની એક ભયાનક લાત એના જડબા પર ટકરાઈ, તે ચીસ પાડ્યા વગર જ નીચે જમીન પર ઢગલો થઈ ગયો.

બંને આગળ વધ્યા. એક વધુ ‘શરીફ’ જિંદગીનો માલિક સામે આવ્યો. આ વખતે સુનીલે એનું જડબું તોડવાનો જશ લીધો.
‘અનાધિકાર પ્રવેશ અને મારપીટ! સજા એક વર્ષ…’ સુનીલ બબડ્યો.
‘ચૂપચાપ ચાલ્યો આવ…’
અને ત્રીજો ‘શરીફ’ છેવટે ભટકાઈ જ ગયો. ધીરજે એના મોં પર જોરથી હાથ દબાવ્યો અને સુનીલે તેના મસ્તકના પાછલા જોરથી રિવોલ્વરની મૂંઠ ઝીંકી દીધી. વળતી જ પળે એ પણ તમ્મર ખાઈને નીચે પડ્યો…
સજા બે વર્ષ…! ગુનો… માર પીટ…!
માતેલા આખલાની જેમ એ બંને ઈમારતમાં ફરી વળ્યા અને ઓછામાં ઓછી સાત-આઠ વર્ષની જેલની સજાના હકદાર બની ગયા.

‘આવા તાજા-તાજા, નાના-નાના ‘શરીફ’ તો ઘણા મળ્યા! પેલો મોટો શરીફ ક્યાં છે કે જે મળતા અને સ્નહેથી ‘નેલ-પલટ’ને માણસ બનાવતો ફરે છે.’
‘તે પણ અહીં જ હશે!’
અને સાચે જ એ ત્યાં જ હતો. ચૂપચાપ બને દબાતા પગલે બીજા માળના એક અંદરના ભગનાં કમરા પાસે પહોંચ્યા.

અંદર બે માણસો હતા. દુબળો-પાતળો બીમાર જેવો દેખાતો રમણ દેસાઈ અને બીજો બાબુલાલ…! એટલે કે દેસાઈભાઈ…!
દેસાઈભાઈનો દેખાવ એકદમ ચીંથરેહાલ હતો. એના ચહેરા પર ઠેક ઠેકાણેથી લોહીની ધાર વહેતી હતી. સમગ્ર ચહેરો રક્તવર્ણ થઈ ગયો હતો. એનાં વસ્ત્રો તાર તાર થઈ ગયાં હતાં એને ખૂબ માર મારવામાં આવ્યો હોય એવું લાગતું હતું.

પરંતુ એ સ્થિતિમાં પણ તે એ જ દેસાઈભાઈ હતો અને એ જ દેસાઈભાઈની મગરૂરી અને આગવી શાન હતી. એની આંખોમાં એ જ બાલસુલભ માસૂમિયત અને મસ્તીભરી હતી અને રમણ દેસાઈ એ બીમાર માણસ એની સામે છાતી કાઢીને ટટ્ટાર ઊભો હતો.

‘તું જ આ બધી આફતોના મૂળમાં છે. એ હું પહેલાંથી જાણતો હતો રમણ ! તેં જ મારાં ભાઈ-બહેનોનાં ખૂનો કર્યાં અને તેં જ મારા કલેજાના ટુકડા જેવા દોસ્ત દિવાકરને મરણતોલ માર માર્યો. પોલીસને આ વાત ઈરાદાપૂર્વીક જ નહોતી કરી. એટલા માટે કે હું પોતે જ મારો હિસાબ તારી પાસેથી વસૂલ કરવા માગતો હતો. તું દિવાકરને ફાંસીના માંચડે પહોંચાડી શકીશ એમ માનતો હતો, પરંતુ તારી આ નરી બેવકૂફી હતી. મારા વહાલા બંધુ ! તું કદાપિ તેમ નહીં કરી શકે. દિવાકર મારો દોસ્ત છે, મારા જિગરનો ટુકડો છે અને એને હું કોઈપણ ભોગે બચાવી લઈશ. માત્ર એને જ શા માટે?’
‘આજ સુધીમાં મેં જેટલા માણસોને મારા મિત્રો માન્યા છે. એમાંથી કોઈના પર મેં આચ નથી આવવા દીધી. દિવાકરને નિર્દોષ ઠરાવવા માટે મારે મારી રીતે સ્વતંત્ર રહીને જ કામ કરવાની જરૂર હતી. એટલે જ તારી વિરુદ્ધમાં મેં પોલીસને ફરિયાદ નહોતી કરી. કરી હોત તો પોલીસ પહેલાં મને જ પોતાની ચૂગાલમાં સપડાવત! મારી મથરાવટી ખરાબ છે એટલા માટે! ખેર હવે મારે તારી પાસેથી હિસાબ વસૂલ કરવાનો છે…’
રમણ દેસાઈ હસ્યો !
એનું હાસ્ય બેહદ ભયાનક લાગતું હતું. એના દૂબળા-પાતળા શરીરમાં કોણ જાણે કેટલીએ તાકાત ભરી હતી.

‘બાબુ…. !’ જાણે લોઢેલોઢું ઘસાયું હોય એવો સખત અવાજ રમણ દેસાઈના ગળામાંથી નીકળ્યો, ‘તું શું એમ માને છે કે અહીંથી જીવતો જઈ શકીશ ? હું તને આ પળે જ ખતમ કરી નાખવાનો છું! તારા પ્રત્યે મને હંમેશાં ઘૃણા ઊપજેલી રહી છે. છનાભાઈને મેં પચાસ વખત સમજાવી જોયો, પરંતુ એ તારાથી નારાજ હોવા છતાં પણ તને પોતાના વારસામાંથી-ભાગમાં ફારેગ કરવા માટે કબૂલ ન જ થયો અને એની હઠનું પરિણામ એને ભોગવવું જ પડ્યું. એનું તથા વિદ્યાના ખૂનનો આરોપ હવે દિવાકરના માથે આવશે અને તું…? તું ફક્ત ગુમ થઈ જઈશ ગુમ! નીચે મારો એક માણસ તારા માટે કબર તૈયાર કરી રહ્યો છે…’
‘ભાઈ રમણ…!’ દેસાઈભાઈ ઠાવકા અવાજે બોલ્યો, ‘મને મારવો હોય તો તારે પહેલાં પૂરો એક કિલો ફુદીનાનો રસ પીવો પડશે. મને મારવો એ પાપડ ભાંગવા જેવી સહેલી વાત નથી. મને લાગે છે કે આજકાલની મારામારી અને સ્ટંટથી ભરપૂર ફિલ્મો જોઈને તારું માથું ફરી ગયું છે. ખેર, હું ઈલાજ કરીને તારા માથાને મૂળ સ્થિતિમાં લાવી આપીશ. જા આ મારું વચન છે…’ કહેતાં કહેતાં દેસાઈભાઈ હો… હો કરતો હસી પડ્યો.

રમણ દેસાઈની આંખો ઝેરી સર્પની જેમ ચમકવા લાગી. એના હાથમાં કોણ જાણે ક્યાંથી, કેવી રીતે રિવોલ્વર આવી પડી…
એ ફૂંફાડા જેવા અવાજે બોલ્યો, ‘બકી લે… તું…’ કહેતાં કહેતાં એ અટકી ગયો. એની નજર દેસાઈભાઈની આંખો પર સ્થિર થઈ.

દેસાઈભાઈની આંખો રમણદેસાઈના ખભાની પાછળ આવેલી બારી તરફ જડાયેલી હતી. પછી અચાનક જ તે એટલે કે દેસાઈભાઈ બારી તરફ જોઈને બરાડી ઊઠયો:
‘શાબાશ તાહેરઅલી…? લગાવ જોરથી…’
પળભર હેબતાએલો રમણદેસાઈ મશીનની જેમ પીઠ ફેરવી ગયો અને તરત જ એનો પોતાની ભૂલ સમજાઈ ગઈ. બારી પર કોઈ નહોતું, પરંતુ તે ઘણો મોડો પડ્યો.

દેસાઈભાઈએ પોતાને છેતર્યો છે એ વાત સમજ્યા પછી પણ તે કશુંએ ન કરી શક્યો. એણે પીઠ ફેરવી કે તરત જ દેસાઈભાઈ તેના પર વાઘની જેમ ત્રાટક્યો.

એણે પોતાના રાઠોડી હાથનો પંજો રમણદેસાઈની ગરદન પાછળ ભરાવ્યો. એની લોખંડી આંગળીઓ રમણદેસાઈની નાજુક ગરદન ફરતી વીંટળાઈ… દેસાઈભાઈએ બીજા હાથની તેની રિવોલ્વર આંચકીને ખૂણામાં ફેંકી દીધી અને ત્યારબાદ એના ડાબા પગની એક ભયાનક લાત એટલા બધા જોરથી રમણદેસાઈની કમ્મરમાં પડી કે તે સીધો જ બારી પર જઈને અથડાયો. એનું નાક ભાંગી ગયું. … અને લોહીની ધાર વહેવા લાગી. ઝનૂને ચડેલા-બેહદ વીફરી ઊઠેલા જંગલી ગેંડાની જેમ દેસાઈભાઈ બારી તરફ કુદ્યો અને રમણદેસાઈનો કોલર ખેંચીને તેને ઊભો કર્યો. વળતી જ પળે એના રાઠોડી હાથનો એક જોરદાર તમાચો તેના ગાલ પર ‘સ્પાક’ અવાજ સાથે ચાબુકના ફટકાની જેમ ઝીંકયો.

દેસાઈભાઈ અત્યારે સાક્ષાત્ કાળ જેવો બની ગયો હતો એની આંખોમાંથી કાળઝાળ ક્રોધની ચિનગારીઓ છૂટીને જાણે કે રમણદેસાઈને સળગાવતી હતી.

‘મક્કાર… કમીના ! તું શું એમ માનતો હતો કે મારાં ભાઈ બહેનોના લોહીમાં હાથ રંગીને તું છટકી જઈશ..? અરે… નીચે… તારા તો હું ટુકડેટુકડા કરી નાખીશ. આ દેસાઈભાઈને તેં ઓળખ્યો જ કયાં છે? દોલતનાં દીવાના આજે હું તને સાચેસાચ દીવાનો બનાવી દઈશ દોલતનો નહીં જિંદગીનો ! હું તને હમેશને માટે પાગલ બનાવી મૂકીશ. તારા બંને પગ. બંને હાથો મારા સગા હાથે કાપી નાંખીને તને અપંગ ઠૂઠો બનાવી દઈશ. તારી એક જ આંખ ફોડીશ. એટલા માટે કે બાકીની બીજી બચી ગયેલી આંખેથી તું તારું અપંગપણું અને ઠૂંઠાપણું જોઈ શકે. આવી સ્થિતિમાં પછી હું તને સડક પર ભીખ માગવા માટે છોડી દઈશ.’ વાત પૂરી કર્યાં પછી તરત એણે એક જોરદાર લાત રમણ દેસાઈની છાતીમાં રશીદ કરી દીધી.
(વધુ આવતી કાલે)ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…