લાડકી

ભારતીય બંધારણના ઘડવૈયા નારી રત્નો (૧)

વિશેષ -કવિતા યાજ્ઞિક

આ વર્ષે ૨૬ જાન્યુઆરીના દિવસે ભારતનો પ્રજાસત્તાક દિન રંગેચંગે ઉજવાઈ ગયો. ૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા બંધારણ અપનાવવામાં આવ્યું હતું અને લોકશાહી પ્રણાલી સાથે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવ્યું હતું. એ દૃષ્ટિએ જોઈએ તો આ વર્ષે ભારતના પ્રજાસત્તાકની સ્થાપનાના ૭૪ વર્ષ પૂર્ણ થયા અને ૭૫ વર્ષમાં પ્રવેશ કર્યો. પ્રજાસત્તાક દિવસના આ હીરક મહોત્સવ પ્રારંભને ખાસ બનાવવા પરંપરાગત પરેડમાં સરકારે સ્ત્રી શક્તિને કેન્દ્રમાં રાખી હતી. આ અવસરે ભારતને પ્રજાસત્તાક ઘોષિત કરીને દેશના બંધારણના શ્રીગણેશ કરવામાં યોગદન આપનાર મહિલાઓ વિશે પણ આપણે જાણવું જોઈએ.

ભારતીય બંધારણના જનકનો ખિતાબ ભલે બી આર અંબેડકરને અપાયો હોય, પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે આ બંધારણના ઘડવૈયાઓ, કે જેમને બંધારણ સભા કહેવામાં આવી, તેમાં દેશના વિવિધ પ્રાંતના અનેક વિદ્વાનો શામેલ હતા. બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતાં, જેમાં ૧૫ મહિલાઓનો પણ સમાવેશ હતો. બંધારણના નિર્માણમાં આ મહિલાઓની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની રહી છે. આજે આપણે દેશના ઘડતરમાં પાયાનું કામ કરનાર આ દેશની લાડકીઓ વિશે જાણીએ.

અમ્મુ સ્વામીનાથન
જ્યારે ભારતીય બંધારણ ઘડવામાં આવી રહ્યું હતું ત્યારે મહિલાઓના અધિકારોનો મુદ્દો પણ જોરથી ઉઠાવવામાં આવ્યો હતો. બંધારણ ઘડતી વખતે, દેશભરમાં વિવિધ અભિયાનો સાથે સંકળાયેલી અગ્રણી મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાંથી એક અમ્મુ સ્વામીનાથન હતાં. અમ્મુનો જન્મ કેરળના પાલાઘાટ જિલ્લાના અનાક્કારામાં થયો હતો. તેણે ૧૯૧૭માં એની બેસન્ટ સહિત અનેક મહિલાઓ સાથે મદ્રાસમાં વુમન્સ ઈન્ડિયા એસોસિએશનની રચના કરી હતી. તેઓ ૧૯૪૬માં મદ્રાસ કોન્સ્ટિટ્યુઅન્સીના સભ્ય પણ હતાં. જ્યારે બી આર આંબેડકર ૨૪ નવેમ્બર ૧૯૪૯ ના રોજ બંધારણ વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે આત્મવિશ્ર્વાસથી ભરેલા અમ્મુએ કહ્યું હતું – વિશ્ર્વના લોકો ભારત વિશે કહે છે કે ભારતમાં મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યા નથી, પરંતુ હવે આપણે કહી શકીએ કે ભારતીયોએ પોતાનું બંધારણ ખુદ ઘડ્યું છે અને અન્ય દેશોની જેમ પોતાના દેશમાં પણ મહિલાઓને સમાન અધિકારો આપ્યા છે. અમ્મુ ૧૯૫૨માં લોકસભામાં ચૂંટાયા અને ૧૯૫૪માં રાજ્યસભાના સભ્ય બન્યાં હતાં.

દાક્ષાયણી વેલ્યાધન
દાક્ષાયણી વેલ્યાધનને દલિત, વંચિત વર્ગનો અવાજ કહી શકાય તેમ છે. વેલ્યાધનનો જન્મ ૧૯૧૨માં બોલગટ્ટી, કોચીનમાં થયો હતો. તે પુલયા સમુદાયમાંથી આવતાં હતાં. તેઓ તેમના સમુદાયના એવાં પ્રથમ મહિલા હતાં જે શિક્ષિત હતાં અને આધુનિક વસ્ત્રો પહેરતાં હતાં. ૧૯૪૫માં, દાક્ષાયણીને કોચીન વિધાન પરિષદમાં નામાંકિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૪૬માં બંધારણ સભામાં ચૂંટાયેલાં તેઓ પ્રથમ અને એકમાત્ર દલિત મહિલાં હતાં. બંધારણના મુસદ્દા દરમિયાન દાક્ષાયણીએ દલિતોને લગતી ઘણી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. જે બાદ દલિતોને બંધારણમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું.

બેગમ એજાઝ રસૂલ
બેગમ એજાઝ રસૂલનો જન્મ માલેરકોટલાના સમૃદ્ધ પરિવારમાં થયો હતો અને તેમના લગ્ન નવાબ એજાઝ રસૂલ સાથે થયાં હતાં. સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં જોડાનાર તે પ્રથમ ભારતીય મુસ્લિમ મહિલા હતાં. એજાઝ દંપતી ૧૯૩૫માં મુસ્લિમ લીગમાં જોડાયાં હતાં, પરંતુ દેશની આઝાદી બાદ બંને ૧૯૫૦માં કોંગ્રેસમાં જોડાયાં હતાં. બંધારણના નિર્માણ દરમિયાન એજાઝે આંબેડકર સમક્ષ ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં, જે બંધારણમાં પણ સામેલ હતા. તેઓ ૧૯૬૯-૭૧માં સમાજ કલ્યાણ અને લઘુમતી બાબતોના મંત્રી પણ હતા. વર્ષ ૨૦૦૦માં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

દુર્ગાબાઈ દેશમુખ
દુર્ગાબાઈનો જન્મ ૧૯૦૯માં રાજમુન્દ્રીમાં થયો હતો. માત્ર ૧૨ વર્ષની ઉંમરે તેમણે અસહકાર ચળવળમાં ભાગ લીધો હતો અને ૧૯૩૦માં બાપુના મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો. ૧૯૩૬માં તેમણે આંધ્ર મહિલા સભાની રચના કરી. તેમણે ભારતીય શિક્ષણ પ્રણાલીને લગતી બાબતોમાં બંધારણમાં મહત્ત્વની બાબતો ઉમેરી. તેઓ શિક્ષણ અને મહિલાઓને લગતી ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં અને અધ્યક્ષ પણ હતાં. તેમને ૧૯૭૫માં પદ્મવિભૂષણથી પણ નવાજવામાં આવ્યાં હતાં.

હંસા જીવરાજ મહેતા
ગુજરાતીઓમાં ઘણા આ નામથી પરિચિત હશે. ૧૮૯૭માં જન્મેલાં હંસા બરોડાના એક પ્રતિષ્ઠિત પરિવારના સભ્ય હતાં. હંસાએ ઈંગ્લેન્ડથી પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમને દેશના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને લેખિકા માનવામાં આવે છે. તેમણે ગુજરાતીમાં બાળકો માટે ઘણાં પુસ્તકો લખ્યાં અને અંગ્રેજી ગુલિવર્સ ટ્રાવેલ્સનો ગુજરાતી અનુવાદ પણ કર્યો. હૈદરાબાદમાં આયોજિત અખિલ ભારતીય મહિલા સંમેલનમાં હંસાએ તેમના પ્રમુખપદના ભાષણમાં મહિલાઓના અધિકારો વિશે વાત કરી હતી. તેમણે બંધારણના નિર્માણ દરમિયાન મહિલાઓના અધિકારો વિશે વાત કરી હતી, જે મુખ્ય રીતે સાંભળવામાં આવી હતી અને બંધારણમાં તે અનુસાર ફેરફારો પણ કરવામાં આવ્યા હતા.

ભારતના બંધારણમાં અમૂલ્ય યોગદાન આપનાર અન્ય નારી રત્નોને પણ આપણે આગળ
જાણીશું… (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…