પાકિસ્તાનમાં બે ધડાકા: પચીસનાં મોત
કરાચી: પાકિસ્તાનમાં ગુરુવારે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. તેના એક દિવસ પહેલા એટલે કે બુધવારે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવતા બે વિનાશક બોમ્બ ધડાકા થયા હતા. જેમાં ૨૫ લોકોના મોત અને ૪૨ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળે છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર પ્રથમ ઘટનામાં પિશિન જિલ્લામાં અપક્ષ ઉમેદવાર અસફંદ્યાર ખાન કાકરના કાર્યાલયની બહાર એક શક્તિશાળી વિસ્ફોટમાં ૧૭ લોકો માર્યા ગયા અને ૩૦ ઘાયલ થયા હતા. એક કલાક કરતા ઓછા સમયમાં કિલ્લા અબ્દુલ્લા વિસ્તારમાં જમીયત-ઉલેમા ઇસ્લામ-પાકિસ્તાનના ચૂંટણી કાર્યાલયની બહાર બીજો બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં આઠ લોકોના જીવ ગયા અને ૧૨ ઇજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા બે વિસ્ફોટોની પૃષ્ટિ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ગુરુવારે યોજાનારી ચૂંટણી માટે પ્રાંતમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમજ આતંકી હુમલાના ગુનેગારોને ઝડપી લઇ તેમના પર કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
તો વળી આ બાજુ ગુરુવારે પાકિસ્તાનીઓ તેમના આગામી વડા પ્રધાન અને ચાર પ્રાંતો- પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા સરકાર માટે મતદાન કરશે. મતદાન પ્રક્રિયા ૮ ફેબ્રુઆરીના રોજ દેશના ૯૦,૫૮૨ મતદાન કેન્દ્રો પર શરૂ થશે. તેમજ દેશમાં નોંધાયેલા ૧૨.૮૫ કરોડથી વધુ મતદારો મતદાન કરી આગામી વડા પ્રધાન ચૂંટશે.
વડા પ્રધાનની રેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ આગળ છે. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન જેલમાં હોવાથી શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઇ)ના ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ હરિફાઇમાં બિલાવલ ભુટ્ટો-ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી) પણ સામેલ છે. જેને પાર્ટીના વડા પ્રધાન ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ચૂંટણીને પગલે દેશભરમાં લગભગ ૬,૫૦,૦૦૦ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન સવારે આઠ વાગ્યે શરૂ થશે અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. આતંકવાદી જૂથો દ્વારા હુમલાના ભયને પગલે કડક સુરક્ષા માટે પોલીસ, અર્ધલશ્કરી દળોના જવાનો અને નિયમિત સૈન્યના જવાનોની તૈનાતી સાથે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.