કોહલી વધુ બે ટેસ્ટમાં નહીં રમે, પણ રાહુલ-જાડેજાના કમબૅક વિશે ગુડ ન્યૂઝ
મુંબઈ: ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચવાળી ટેસ્ટ-સિરીઝ વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારત માટે મુશ્કેલીથી આગળ વધી રહી છે અને તેના કરોડો ચાહકોને નિરાશ કરી મૂકે એવા એક સમાચાર એ છે કે તે હજી રાજકોટની ત્રીજી અને રાંચીની ચોથી ટેસ્ટમાં પણ નહીં રમે. ત્રીજી ટેસ્ટ 15મી ફેબ્રુઆરીએ અને ચોથી ટેસ્ટ 23મી ફેબ્રુઆરીએ શરૂ થવાની છે.
કોહલી કદાચ પાંચમી ટેસ્ટમાં પણ નહીં રમે એવી પણ સંભાવના ચર્ચાઈ રહી છે. જોકે ધરમશાલામાં છઠ્ઠી માર્ચે શરૂ થનારી એ છેલ્લી ટેસ્ટ વિશેની જાહેરાત સિલેક્ટરો છેલ્લી ત્રણ ટેસ્ટ માટેની ટીમ સિલેક્ટ કરવા ભેગા થશે એમાં કરવામાં આવશે એવી પાકી શક્યતા છે.
બ્રિટિશરો સામેની ટેસ્ટ-શ્રેણી પચીસમી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને એના ત્રણ દિવસ પહેલાં બીસીસીઆઇએ જાહેર કર્યું હતું કે કોહલીએ અંગત કારણસર પહેલી બે ટેસ્ટમાંથી બ્રેક લીધો છે. કોહલી એ દિવસ હૈદરાબાદમાં ટીમ સાથે આવ્યો હતો, પરંતુ તરત જ ફૅમિલી પાસે પહોંચી જવા ત્યાંથી રવાના થઈ ગયો હતો.
એક અહેવાલ પ્રમાણે કોહલી વિદેશમાં હોવાનું મનાય છે.
વિકેટકીપર-બૅટર કેએલ રાહુલ અને ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે બીજી ટેસ્ટમાં નહોતા રમ્યા. સદનસીબે, તેમની ગેરહાજરી છતાં ભારત એ ટેસ્ટ (ગિલની સદી અને બુમરાહના કુલ નવ વિકેટના તરખાટને લીધે) જીતી ગયું હતું. હવે ખબર મળી છે કે રાહુલ અને જાડેજા ઈજામાંથી જલદી મુક્ત થઈ જશે અને 15મીએ રાજકોટમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ પહેલાં જ ટીમ પાસે પહોંચી જશે. બેન્ગલૂરુની નૅશનલ ઍકેડેમીના ફિઝિયોથેરપિસ્ટના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, પરંતુ ફિટનેસ ક્લિયરન્સ મળી જશે તો રાહુલ-જાડેજા ત્રીજી ટેસ્ટમાં રમશે.
મોહમ્મદ સિરાજને પ્રથમ ટેસ્ટમાં રમાડ્યા પછી બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. જોકે તે હવે ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ છે, પરંતુ તેને ટીમમાં સમાવાશે કે પછી બુમરાહની સાથે મુકેશ કુમારને જ રમાડવામાં આવશે એ જોવું રહ્યું.