ઉત્તરાખંડ: પુષ્કરસિંહ ધામીના નેતૃત્વવાળી ભાજપ સરકાર તરફથી રજૂ થયેલું ‘સમાન નાગરિક સંહિતા ઉત્તરાખંડ વિધેયક-2024’ આજે ત્યાંની વિધાનસભામાં પસાર થઇ ગયું છે. હવે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. સીએમ પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ બિલ દ્વારા દેશમાં એક ઇતિહાસ રચાઇ રહ્યો છે. આ બિલ દેશના અન્ય રાજ્યો સામે એક ઉદાહરણ રજૂ કરશે. આ સાથે જ તેમણે વિપક્ષ સહિતના અન્ય વિધાનસભા સભ્યોને પણ શુભેચ્છા પાઠવી હતી.
UCC લાગુ કરવા મુદ્દે આશરે 2,72,000 સ્થાનિકોના પ્રતિભાવો મળ્યા હતા તેવું જણાવતા સીએમ ધામીએ કહ્યું હતું કે તેમની સરકારે જે કમિટીની રચના કરી તેણે UCC મુદ્દે લોકો સાથે વાતચીત કરી હતી. કમિટીને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં 2 વર્ષ લાગ્યા. 2 ફેબ્રુઆરીના રોજ સરકારને અહેવાલ સોંપવામાં આવ્યો હતો અને સમયનો વેડફાટ કર્યા વગર 5 ફેબ્રુઆરીએ તેને વિધાનસભામાં રજૂ કરી દેવામાં આવ્યું. UCC ફક્ત બંધારણીય હકોની સુરક્ષા જ નહિ પરંતુ લોકોને કાયદાકીય સુરક્ષા પૂરી પાડવાનું પણ કામ કરશે. અલગ અલગ સમુદાયોની કુપ્રથાનો અંત આવશે. વગર કોઇ ભેદભાવે દરેકને સમાન અધિકાર મળશે અને તમામની પ્રગતિ થશે.
આ સાથે જ સીએમ ધામીએ જણાવ્યું હતું કે આ તો ફક્ત શરૂઆત છે અને હજુ આગળ ઘણું કરવાનું બાકી છે. આપણા દેશનું બંધારણ વિવિધતાપૂર્ણ છે અને આપણને ઘણું શીખવાડે છે. આપણે વોટબેંકની રાજનીતિથી ઉપર ઉઠવું જોઇએ અને ઉત્તરાખંડ સહિત દેશના લોકોની ભલાઇ માટે કામ કરવું જોઇએ. અમુક અસામાજિક તત્વો સમાજના દરેક વર્ગના લોકો સાથે અન્યાય કરતા રહ્યા અને ભેદભાવ પેદા કરતા રહ્યા, પરંતુ આ બધાનો હવે અંત આવશે અને તેનો અંત ઉત્તરાખંડથી શરૂ થશે.
દેશના બંધારણમાં અમુક ભૂલો રહી ગઇ હતી જેને હવે સુધારવાની જરૂર છે. અમે બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નને સાકાર કરીને તે દિશામાં કામ કરી રહ્યા છીએ. હવે UCC દ્વારા દરેકને સમાન ન્યાય મળશે જેનાથી તેઓ આજ સુધી વંચિત હતા, તેવું સીએમ ધામીએ ઉમેર્યું હતું.
અંતમાં તેમણે તમામ વિપક્ષી સભ્યો, કેબિનેટ પ્રધાનોને ધીરજપૂર્વક સાંભળવા અને UCC માટે આયોજિત આ વિશેષ સત્રની અધ્યક્ષતા કરવા માટે વિધાનસભાના અધ્યક્ષનો આભાર માન્યો હતો. ભાષણની સમાપ્તિ બાદ ગૃહમાં ‘જયશ્રીરામ’ના નારા લાગ્યા હતા.
Taboola Feed