Poonam Pandey Survical Cancer Campaign: સર્વાઇકલ કેન્સરથી પોતાના મોતનો એક આખો પબ્લિસીટી સ્ટન્ટ પૂનમ પાંડેને ફળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. મૃત્યુનું તિકડમ અભિનેત્રી માટે ફાયદાકારક સાબિત થયું. અમુક મીડિયા અહેવાલો મુજબ પૂનમ પાંડે અને તેની ટીમ દ્વારા કેન્દ્રીય આરોગ્ય વિભાગ સાથે સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિના કેમ્પેઇન અંગે વાટાઘાટો ચાલી રહી છે, અને જો બધુ બરાબર રહ્યુ તો પૂનમ પાંડે આ સરકારી કેમ્પેઇનનો ચહેરો બની પણ શકે છે.
તાજેતરમાં જ પૂનમ પાંડેએ તેની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફેલાવ્યા હતા કે તેનું સર્વાઇકલ કેન્સરથી મોત થઇ ગયું છે. ઓચિંતા જ તેના મૃત્યુના સમાચાર ફેલાતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. જો કે બીજા જ દિવસે સમાચાર ખોટા હોવાની વિગતો બહાર આવી ગઇ હતી અને આ એક આખો પબ્લિસીટી સ્ટન્ટ હોવાની હકીકત સામે આવી હતી.
પૂનમ પાંડેએ પોતે જ એક વીડિયો પોસ્ટ કરીને બધાને જણાવ્યું હતું કે તેનું મોત થયું નથી, તે જીવતી છે. લોકોમાં સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાય એ માટેના કેમ્પેઇનના ભાગરૂપે તેણે આવું કર્યું હતું. પૂનમે કહ્યું હતું કે “સર્વાઇકલ કેન્સરથી મારું મોત થયું નથી.
પરંતુ આ રોગનો સામનો કેવી રીતે કરવો તે વિશેની માહિતીના અભાવને કારણે તેણે હજારો મહિલાઓના જીવ લીધા છે, સર્વાઇકલ કેન્સરને રોકી શકાય છે, એચપીવી વેક્સિન અને અમુક એવા ટેસ્ટ કે જેના દ્વારા આ રોગથી મોતને ટાળી શકાય છે., લોકોને એ બાબતો વિશે જાગૃત કરવા માટે મેં મજબૂરીમાં આવું નાટક કર્યું હતું.”
પૂનમ પાંડે દક્ષિણની ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રી છે, તેણે નશા ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતુ પણ એ ફિલ્મ કંઇ ખાસ ઉકાળી શકી નહોતી. તે 2011માં કિગફિશરની કેલેન્ડર ગર્લ બની હતી.