શોકિંગઃ ગુજરાતમાં પાંચ લાખ બાળક છે કુપોષિત, સૌથી વધુ દાહોદમાં
ગાંધીનગરઃ ગુજરાતને દેશનું વિકાસ મોડેલ કહેવામાં આવે છે અને અહીંની સિદ્ધિઓ વારંવાર રજૂ કરવામાં આવે છે, પરંતુ વિકાસ છેવાડા સુધી પહોંચ્યો નથી, તેની ચાડી ખાતો એક અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જે ચોંકાવનારો છે.
ગુજરાતમાં કુલ 33 જિલ્લા છે તેમાંથી એક બે નહીં પણ 29 જિલ્લામાં બાળકો કુપોષણનો શિકા બન્યા છે, જેમાં અમદાવાદ જિલ્લો પણ સામેલ છે. આ કુપોષિત બાળકોના Malnourished Childrenના આંકડા વધારે ચોંકાવનારા છે. વિધાનસભામાં લેખિત જવાબરૂપે આપવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં પાંચ લાખ 28 હજાર 653 બાળકો કુપોષિત છે. જેમાં દાહોદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો છે જ્યારે ચાર જિલ્લા એવા છે જેમાં કુપોષણનું પ્રમાણ વધ્યું હોવાનું નોંધાયું છે.
ગુજરાતમાં વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાં ગુજરાતમાં કુપોષિત બાળકો અંગેના આંકડા વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ પ્રધાન ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો. ગુજરાતના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના 5 લાખ 28 હજાર 653 બાળકો કુપોષિત છે. જેમાંથી અતિ ઓછા વજનવાળા એક લાખ 18 હજાર 104 કુપોષિત બાળકો છે.
રાજ્યમાં સૌથી વધુ 51 હજાર 321 કુપોષિત બાળકો દાહોદમાં નોંધાયા છે જ્યારે નવસારીમાં 1548 કુપોષિત બાળકો નોંધાયા છે જે સૌથી ઓછા છે. રાજ્યના ચાર જિલ્લામાં કુપોષણના 16,069 બાળકો વધ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં 3516 કુપોષિત બાળકોનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ગૃહમાં રજૂ કરાયેલા આંકડાઓમાં 29 જિલ્લામાંથી 24 જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે, જેમાં રાજ્યમાં 97 હજાર 840 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
બાળકોના કુપોષણ પાછળ ઘણા કારણો છે અને સરકાર ઘણી યોજનાઓ અને ખર્ચ કરી આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે, પરંતુ પરિણામ આવતું નથી.