બોટ મારફત કુવૈતથી મુંબઈ પહોંચ્યા ત્રણ સંદીગ્ધ લોકો, પોલીસ પ્રશાસનમાં ખળભળાટ

મુંબઈ: ભારતની આર્થિક રાજધાની મુંબઈ ઉપર સૌથી ઘાતક આતંકવાદી હુમલો 26 નવેમ્બર 2008ના રોજ થયો ત્યાર બાદ મુંબઈ સહિત ભારતના દરિયાકાંઠાની સુરક્ષા મુદ્દે સવાલો કરવામાં આવી રહ્યા છે, તેમાંય વળી હજુ પણ સમુદ્રકિનારાની સુરક્ષામાં છીંડા યથાવત છે તે મંગળવારે બનેલી ઘટના પરથી સાબિત થાય છે. કુવૈતથી ત્રણ વ્યક્તિ બોટ દ્વારા મુંબઈના દરિયાકિનારે ગેટ વે ઑફ ઇન્ડિયા સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો હતો.
આ બનાવ ગઈકાલે રાતે બન્યો હતો, જ્યારે આજે તેમને તાબામાં લઇ પૂછપરછ કરવામાં આવી ત્યાર બાદ ગેરકાયદે ભારતમાં પ્રવેશવા બદલ તેમની ધરપકડ કરી હતી. કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવતા કોર્ટે ત્રણેયને 10 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીએ ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતેથી અજાણી બોટમાં આવેલા ત્રણ વ્યક્તિની અટક કરી હતી. તેમની પૂછપરછ કરવામાં આવતા જે વિગતો સામે આવી તે સાંભળીને મુંબઈ પોલીસ જ નહીં, પણ કોસ્ટ ગાર્ડના પણ હોંશ ઉડી ગયા હતા. જોકે, સદ્ભાગ્યે અત્યાર સુધીની તેમની પૂછપરછમાં કંઇ શંકાસ્પદ જણાઇ આવ્યું નથી.
સુરક્ષા એજન્સીઓએ કરેલી પૂછપરછમાં કુવૈતથી બોટમાં આવેલા ત્રણેય શખસ તામિલનાડુના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલો કુવૈતમાં બોટ હાઇજેક થઇ તેનાથી જોડાયેલા હોવાનું પણ જણાયું હતું. ત્રણેયે પોતાના માલિકની બોટ હાઇજેક કરી હતી અને દરિયામાર્ગે 2,700 કિલોમીટરનું અંતર કાપીને તેઓ મુંબઈ પહોંચ્યા હતા.
જોકે તેઓ છેક ગેટ વે સુધી પહોંચી ગયા ત્યાં સુધી કોસ્ટ ગાર્ડ કે પછી અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ ન થઇ તેનાથી મોટું આશ્ર્ચર્ય સર્જાયું છે. આ ઘટના બાદ મુંબઈ ક્રાઇમ બ્રાંચ, ઍન્ટિ ટેરરિસ્ઝમ સ્ક્વૉડ (એટીએસ), કોસ્ટ ગાર્ડ સહિત કેન્દ્રીય એજન્સી પણ દોડતી થઇ ગઇ હતી.
ત્રણેય જણ કુવૈત ખાતે પોતાના માલિકથી ત્રાસી ગયા હોઇ વતન પાછા આવવા માટે માલિકની બોટ હાઇજેક કરી દરિયા માર્ગે ભારત આવ્યા હોવાનું તેમણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. જોકે તેઓ ગેરકાયદે ભારતમાં ઘૂસ્યા હોવાને પગલે કોલાબા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ પાસપોર્ટ રૂલ્સની કલમ 3(એ), પિનલ સેક્શન 6(એ) હેઠળ કેસ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમ જ સુરક્ષામાં ચૂક અંગે પણ ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે, આ ઘટના બાદ 10 પાકિસ્તાની આતંકવાદી દરિયામાર્ગે મુંબઈ આવ્યા અને જે ખાનાખરાબી સર્જી તે ઘટના યાદ આવી ગઇ છે અને સુરક્ષામાં ગંભીર ચૂક પણ ઉજાગર થઇ છે.