પાકિસ્તાનમાં ચૂંટણી પૂર્વે 24 કલાકમાં બે વિસ્ફોટમાં 25નાં મોત, અનેક ઘાયલ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં આઠમી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવામાં આવશે, ત્યારે 24 કલાકમાં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. પાકિસ્તાનમાં લોકશાહી અને ચૂંટણીને મુદ્દે ચાલી રહેલા અનેક વિવાદ વચ્ચે ચૂંટણીના એક દિવસ પહેલા બે બોમ્બ વિસ્ફોટની ઘટના બની છે.
મળેલી માહિતી મુજબ પાકિસ્તાનના બલૂચિસ્તાનના પિશિનમાં ચૂંટણીમાં ઊભા રહેલા એક અપક્ષ ઉમેદવારની ઓફિસની બહાર થયો હતો, જેમાં 17 લોકોનું મૃત્યુ થયા હતા અને 30 લોકોને ગંભીર ઇજા થઈ હતી. તેમ જ બીજો વિસ્ફોટ જમિયત-ઉલેમા-ઇસ્લામ પાકિસ્તાનની ઓફિસની બહાર થયો હતો. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા અને 12 લોકો જખમી થતાં તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કર્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
બુધવારે પાકિસ્તાનના વિવાદાસ્પદ બલૂચિસ્તાનમાં ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશનને ટાર્ગેટ બનાવી બે બોમ્બ સ્ફોટ કરવામાં આવ્યા હતા. આ બંને વિસ્ફોટમાં કુલ 25 લોકોના મોત થયાની સાથે 42 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આ બોમ્બ વિસ્ફોટ કોણે કર્યો અને શા માટે તેના બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી અને હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને બોમ્બ સ્ફોટની જવાબદારી લીધી નથી.