South Tax Movement: કર્ણાટકના 135 MLA અને MPનું જંતરમંતર મેદાનમાં વિરોધ પ્રદર્શન
દક્ષિણ ભારતના રાજ્યોનો કેન્દ્ર સરકાર સામે મોરચો!
નવી દિલ્હી: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા આજે 135 વિધાનસભ્યો અને સાંસદો સાથે દિલ્હીના જંતરમંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ નેતાઓએ આક્ષેપ કરી રહ્યા છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેમના રાજ્ય સાથે સાવકી મા જેવું વર્તન કરી રહી છે અને તેમના ફંડમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.
કર્ણાટક રાજ્યને કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન સરકારનું સમર્થન મળી રહ્યું છે. હવે આ લડાઈ ઉત્તર વિરુદ્ધ દક્ષિણ પર કેન્દ્રિત થઈ રહી છે. અહેવાલો મુજબ કેરળ સરકાર પણ પોતાનો વિરોધ નોંધાવશે અને ગુરુવારે કેન્દ્ર વિરુદ્ધ પ્રદર્શન કરશે. આમાંથી ઘણા નેતાઓએ આ પ્રદર્શનને ‘સાઉથ ટેક્સ મુવમેન્ટ’ ગણાવી રહ્યા છે.
સિદ્ધારમૈયાના આર્થિક સલાહકાર બસવરદ રાયરેડ્ડીએ કહ્યું કે અમે બધા 16માં નાણાં પંચ માટે દબાણ કરીશું. દક્ષિણના રાજ્યો સામે ભેદભાવની નીતિ ન અપનાવવા માટે કહેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે દક્ષિણના રાજ્યો લોકસભાની ચૂંટણી પછી જ આ મુદ્દાને વધુ તીવ્રતા સાથે ઉઠાવશે. સાઉથ ટેક્સ મુવમેન્ટ અંગે કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કોંગ્રેસ એકમો સાથે વાતચીત થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનનો પણ સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાયરેડ્ડીએ કહ્યું કે 16મા નાણાં પંચની ભલામણો ઓક્ટોબર 2025માં આપવામાં આવશે. આ પહેલાં, અમારી પાસે અમારા વિચારો રજૂ કરવાનો સમય છે. કેરળની સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો છે. પિનરાઈ વિજયન સરકારે કોર્ટમાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સાથે ભેદભાવની નીતિ અપનાવી રહી છે અને લોન લેવાની મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. જેના કારણે રાજ્યના વિકાસ કામો ઠપ્પ થઈ ગયા છે.
કર્ણાટક સરકારે કહ્યું કે 15મા નાણાપંચની ભલામણોના અમલ પછી, તમિલનાડુ સિવાયના તમામ દક્ષિણ રાજ્યોએ તેમના હિસ્સામાં ઘટાડો અનુભવ્યો છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે 14માથી 15મા નાણાપંચ સુધી કર્ણાટકના ફંડમાં 1.07 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા ચાર વર્ષમાં કર્ણાટકને ઓછો ટેક્સ મળવાને કારણે ઘણું નુકસાન થયું છે. સીએમ સિદ્ધારમૈયાએ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, પ્રહલાદ જોશી સહિત ઘણા નેતાઓને પત્ર લખ્યા છે અને દરેકને સમર્થન આપવા વિનંતી કરી છે.