Jayant Chaudhary : જયંત ચોધરીના NDAમાં જોડાવાની અટકળો પર અખિલેશ અને ડીમ્પલ યાદવની પ્રતિક્રિયા
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા જ INDIA ગઠબંધનમાં એક બાદ એક તિરાડો પડી રહી છે. ગઠબંધનના આર્કિટેક્ટ નીતિશ કુમારના NDAમાં સામેલ થયા બાદ હવે યુપીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે. અહેવાલો મુજબ રાષ્ટ્રીય લોકદળ(RLD)ના વડા જયંત ચૌધરી NDAમાં જોડાઈ શકે છે. હવે સપા સુપ્રીમો અખિલેશ યાદવે અને સપા સાંસદ ડિમ્પલ યાદવે આ અંગે નિવેદન આપ્યું છે.
સપા સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે મને લાગે છે કે જયંત ચૌધરી ખૂબ જ ભણેલા ગણેલા વ્યક્તિ છે અને તેઓ રાજકારણને સારી રીતે સમજે છે. મને આશા છે કે તેઓ ખેડૂતોની લડાઈને નબળી પડવા દેશે નહીં. જયંત ચૌધરીના NDAમાં જોડાવાના પ્રશ્ન પર સંસદના પરિસરમાં ડિમ્પલ યાદવે અહેવાલોનું ખંડન કર્યું હતું અને જયંત NDAમાં શા માટે નહીં જોડાય એ પણ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે RLD લાંબા સમયથી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનમાં છે. ઉપરાંત RLD ઇન્ડિયા ગઠબંધનનો પણ હિસ્સો છે. આવી સ્થિતિમાં જો ગઠબંધનમાંથી જયંત ચૌધરી નીકળી જાય, તો પશ્ચિમ ઉત્તર પ્રદેશના સંદર્ભમાં ઇન્ડિયા ગઠબંધન અને સમાજવાદી પાર્ટીને મોટો ફટકો પડી શકે છે.
ડિમ્પલ યાદવે કહ્યું કે ભાજપ સરકારે ખેડૂતો વિરુદ્ધ કામ કર્યું છે અને કુસ્તીબાજોનું અપમાન કર્યું છે. તેથી મને નથી લાગતું કે રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી એનડીએમાં ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કરશે.
મોદી સરકાર પર પ્રહાર કરતા ડિમ્પલ યાદવે કહ્યું કે ભાજપ સરકારે બજેટમાં પણ ખેડૂતો માટે કોઈ ખાસ જાહેરાત કરી નથી. આ સિવાય ભાજપે મહિલા ખેલાડીઓ સામે કામ કર્યું છે. મને નથી લાગતું કે જયંત કોઈ ખેડૂત વિરોધી પગલું ભરશે, કારણ કે તેમની પાર્ટી ચૌધરી ચરણ સિંહની છે, જે ખેડૂતોના સમર્થક છે. શિવપાલ યાદવે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું જયંતને સારી રીતે ઓળખું છું અને તે ધર્મનિરપેક્ષ વ્યક્તિ છે. ભાજપ આ મામલે મીડિયાનો ઉપયોગ કરી રહી છે.
ડિમ્પલ અને શિવપાલ યાદવ બંને નેતાઓએ આરએલડીના એનડીએમાં જોડાવાના સમાચારને ભાજપના મીડિયા મેનેજમેન્ટનો ભાગ ગણાવ્યો છે.
અપના દળના વડા અને કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલે કહ્યું કે મેં મીડિયા રિપોર્ટ જોયા, જેમાં કહેવામાં આવ્યું છે કે આરએલડી એનડીએ પરિવારમાં સામેલ થવા જઈ રહી છે. જો આમ થશે તો અમે જયંત ચૌધરીને આવકારીશું.