ટોપ ન્યૂઝનેશનલ

રાજ્યસભામાં ગર્જ્યા મોદી: ‘જે કોંગ્રેસના નેતાઓની કોઇ ગેરંટી નથી તેઓ મોદીની ગેરંટી પર સવાલો ઉઠાવે છે’

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે રાજ્યસભામાં વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કોંગ્રેસે તેના શાસનમાં આતંકવાદ અને અલગતાવાદને વિસ્તરવા દીધા. જે પક્ષે દેશની જમીનો દુશ્મનોને હવાલે કરી દીધી. દેશની સેનાઓનું આધુનિકીકરણ રોક્યું, તે પક્ષ આજે રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સુરક્ષાના મુદ્દે અમને ભાષણ આપી રહી છે. કોંગ્રેસના રાજમાં નક્સલવાદ દેશ માટે મોટો પડકાર બન્યો.

“સત્તાની લાલચમાં આવીને કોંગ્રેસે નક્સલવાદને એક પડકાર બનાવીને છોડી દીધો, લોકતંત્રનું ગળું ઘોંટ્યું. દેશને તોડવાની એક માનસિકતા ઉભી કરી. આટલું દેશને નુકસાન પહોંચાડ્યું એ ઓછું હોય તેમ હવે ઉત્તર-દક્ષિણને તોડવાનું નિવેદન આપી રહ્યા છે. આજે તેઓ લોકતંત્ર પર પ્રવચન આપી રહ્યા છે.” તેવું પીએમ મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું.

“કોંગ્રેસ આઝાદી બાદ અસમંજસમાં રહી કે ઉદ્યોગ જરૂરી છે કે ખેતી. કોંગ્રેસ એ જ નક્કી ન કરી શકી કે રાષ્ટ્રીયકરણ જરૂરી છે કે ખાનગીકરણ. કોંગ્રેસને 10 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાને 12મા ક્રમ પરથી 11મા ક્રમ પર લાવી, અમે એ કામ 10 વર્ષોમાં 5મા ક્રમ પર લઇ આવ્યા અને અહીં તેઓ અમને આર્થિક નીતિઓ પર લાંબુ ભાષણ આપી રહ્યા છે.” આ પ્રકારે પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

તમે અંગ્રેજોની ગુલામીની માનસિકતાને પ્રોત્સાહન આપ્યું, જો તમે અંગ્રેજોથી પ્રભાવિત નહોતા તો તેમના ગયા બાદ પણ તેમના સમયના કાયદા કેવીરીતે ચાલતા રહ્યા? આવો પ્રશ્ન પીએમ મોદીએ વિપક્ષને કર્યો હતો. તેમણે ભાષણમાં આગળ જણાવ્યું, “કોંગ્રેસે અંગ્રેજો પાસેથી પ્રેરણા મેળવી હતી. આઝાદી બાદ પણ ગુલામીની માનસિકતાને તેમણે આગળ વધારી હતી, જો આવું ન હોય તો શા માટે હજુસુધી અંગ્રેજોના સમયના કાયદા અમલમાં હતા? રાજપથને કર્તવ્ય પથ બનાવવા માટે શા માટે મોદીના આગમનની જરૂર પડી? શા માટે તમે તમારા સૈનિકો માટે વોર મેમોરિયલ ન બનાવ્યું અને સ્વદેશી ભાષાને આગળ વધારવાના પગલા કેમ ન લીધા?”

પીએમ મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે “કોંગ્રેસ હંમેશા દલિતો, પછાત વર્ગના લોકો, તેમજ આદિવાસીઓની જન્મજાત વિરોધી રહી છે, જો બાબાસાહેબ ન હોત તો આ જાતિના લોકોને કદીય અનામત ન મળી હોત. નહેરુ એ કહ્યું હતું કે તેઓ નોકરીઓમાં અનામતની તરફેણમાં નથી. જરા વિચારો, જો એ જાતિઓને તે સમયે અનામત મળી હોત તો અત્યારે તે લોકો ઉચ્ચપદે હોત. જે કોંગ્રેસના નેતાઓની આજે કોઈ ગેરંટી નથી તે મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવી રહ્યા છે.” તેવું પીએમ મોદીએ ઉમેર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું હતું કે આજે દેશ એટલા માટે અમને આશીર્વાદ આપી રહ્યો છે કારણકે અમે દેશને ખરાબ સમયમાંથી બહાર કાઢ્યો છે. કોંગ્રેસને પણ બિમારીની ખબર જ હતી, પણ કોંગ્રેસે સ્થિતિમાં સુધારો આવે તેવી કોઇ પ્રવૃત્તિ કરી નહી. કોંગ્રેસના આજે જે સંજોગો છે તે તેના જ કર્મોનું ફળ છે, અમારે કંઇ ખાસ કહેવાની જરૂર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button