Visa-waiver: ભારતીયો હવે આ દેશમાં પણ વિઝા વગર પ્રવાસ કરી શકાશે, પણ આ શરતો હેઠળ
તેહરાન: ઈરાને પ્રવાસના હેતુથી દેશની મુલાકાત લેતા ભારતીયો માટે વિઝા-માફી કાર્યક્રમની જાહેરાત કરી છે. ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવેશ ચાર શરતોને આધીન છે. ભારતીય પ્રવાસીઓ વિઝા વિના વધુમાં વધુ 15 દિવસ માટે ઈરાનની મુલાકાત લઈ શકશે.
વગર વિઝાએ પ્રવાસ માટે ઈરાનને ચાર શરતો રાખી છે. સામાન્ય પાસપોર્ટ ધરાવનાર ભારતીયોને દર છ મહિનામાં એકવાર વિઝા વિના ઈરાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જે મહત્તમ 15 દિવસ ઈરાનમાં રોકાઈ શકશે. આ 15-દિવસના રોકાણની અવધિ વધારી નહીં શકાય. વિઝા-મુક્ત નિયમ ફક્ત પ્રવાસન હેતુઓ માટે ઈરાનમાં પ્રવેશતા વ્યક્તિઓને જ લાગુ પડે છે. જો ભારતીયો ઈરાનમાં લાંબા સમય સુધી રહેવા માંગતા હોય અથવા છ મહિનાના સમયગાળામાં એકથી વધુ પ્રવાસ કરવા માંગતા હોય, તો તેઓએ વિઝા મેળવવો આવશ્યક છે. વિઝા-મુક્ત નિયમ હવાઈ માર્ગે દેશમાં પ્રવેશતા ભારતીયોને લાગુ પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં વિયેતનામ, થાઈલેન્ડ અને શ્રીલંકાએ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા નિયમો હળવા કર્યા હતા. હવે ઈરાને ભારતના પ્રવાસીઓને વિઝા મુક્ત પ્રવેશ આપવાનો નિર્ણય લઇ ભારતીય પાસપોર્ટને વધુ મજબુત મનાવ્યો છે.
ઈરાને ભારત સહીત રશિયન, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, લેબનોન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ટ્યુનિશિયા, મોરિટાનિયા, તાંઝાનિયા, ઝિમ્બાબ્વે, મોરિશિયસ, સેશેલ્સ, ઇન્ડોનેશિયા, દારુસલામ, જાપાન, સિંગાપોર, કંબોડિયા, મલેશિયા, વિયેતનામ, બ્રાઝિલ, પેરુ, ક્યુબા, મેક્સિકો, વેનેઝુએલા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારુસ 33 દેશોના પ્રવાસીઓને વિઝા-માફી આપી છે.