અયોધ્યામાં જેવી ભગવાન રામની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેવી જ મૂર્તિ આ નદીમાંથી મળી આવી…
![Ancient Vishnu idol found in Krishna River with features resembling Ayodhya's Ram Lalla, as described in old scriptures](/wp-content/uploads/2024/02/Ancient-Vishnu-idol-found-in-Krishna-River-with-features-resembling-Ayodhyas-Ram-Lalla-as-described-in-old-scriptures.webp)
રાયચુર: ભારતમાં ખોદકામમાં જૂના જમાના સિક્કા કે પછી ક્યારેક મૂર્તિ મળી આવે છે અને આ મૂર્તિઓ વર્ષો જૂની હોય છે. આવી જ રીતે કર્ણાટકના રાયચુર જિલ્લાના એક ગામમાં કૃષ્ણા નદી વહે છે. આ કૃષ્ણામાંથી ભગવાન વિષ્ણુની એક પ્રાચીન મૂર્તિ મળી આવી છે, આ મૂર્તિની રચના ભગવાન રામની નવી બનાવવામાં આવેલી મૂર્તિ જેવી જ છે. આ મૂર્તિની આસપાસ તમામ દશાવતાર કોતરવામાં આવ્યા છે. તેમજ આ મૂર્તિની સાથે સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે.
રાયચુર યુનિવર્સિટીના પ્રાચીન ઈતિહાસ અને પુરાતત્વના લેક્ચરર ડૉ.પદ્મજા દેસાઈએ મળી આવેલી આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ વિશે જણાવતા કહ્યું હતું કે કૃષ્ણા નદીના તટપ્રદેશમાં મળેલી આ વિષ્ણુ મૂર્તિમાં ઘણી વિશેષતાઓ છે. ભગવાન વિષ્ણુની આ મૂર્તિની આસપાસ મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ જેવા ‘દશાવતાર’ કોતરવામાં આવેલા છે. તેમજ ભગવાન વિષ્ણુ ઉભી સ્થિતિમાં છે અને તેમની ચાર ભૂજાઓ દર્શાવવામાં આવી છે. તેમની ઉપરની બે ભૂજાઓમાં ‘શંખ’ અને ‘ચક્ર’ છે, જ્યારે તેમની નીચેની બે ભૂજાઓ આશીર્વાદ આપતા હોય તે રીતે છે.
પ્રસિદ્ધ પુરાતત્વવિદોએ જણાવ્યું હતું કે આ મૂર્તિ શાસ્ત્રોમાં જે રીતે ભગવાન વેંકટેશ્વરનું વર્ણન કરવામાં આવ્યું છે તે જ રીતે છે. જો કે વેંકટેશ્વર ભગવાનની મૂર્તિમાં ગરુડ છે પરતું આ મૂર્તિમાં ગરુડ નથી. અને જો સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ ભગવાન વિષ્ણુની મૂર્તિ જોઈએ તો તેમાં ગરુડની ઉપસ્થિતિ હોય છે. આ મીર્તિની સાથે બે અપ્સરાઓ પણ કોતરેલી જોવા મળે છે. તેમજ ભગવાન વિષ્ણુને શણગારનો શોખ હોવાથી આ મૂર્તિને માળા અને આભૂષણોથી શણગારવામાં આવી છે.
ડો. દેસાઈએ કહ્યું કે આ મૂર્તિ જોઈને એવું લાગી રહ્યું છે કે મંદિરને નુકસાન પહોંચાડતી વખતે તેને નદીમાં ફેંકવામાં આવી હશે. તેમજ આ મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે.