WATCH: અમેરિકામાં હુમલાનો ભોગ બનેલા ભારતીય વિદ્યાર્થીએ માંગી મદદ, પત્નીએ વિદેશ પ્રધાનને લખ્યો પત્ર
અમેરિકાના શિકાગોમાં જીવલેણ હુમલાનો ભોગ બનેલા એક ભારતીય વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર મદદ માંગતો એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય વિદ્યાર્થી સૈયદ મઝહિર અલીના માથા અને નાકમાંથી લોહી નીકળી રહ્યું છે અને તે મદદ માટે વિનંતી કરી રહ્યો છે. તેમજ તે કહી રહ્યો છે કે તેનો ફોન પણ છીનવી લેવામાં આવ્યો છે. અને જ્યારે તે ભોજન લઈને તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ચાર લોકોએ તેને પકડી લીધો અને માર માર્યો હતો. તે હૈદરાબાદના મેહદીપટનમ, હાશિમનગરનો રહેવાસી છે. હૈદરાબાદના આ વિદ્યાર્થીની પત્નીએ વિદેશ પ્રધાનને પત્ર લખીને માંગ કરી છે કે સરકાર તેને અને તેના ત્રણ સગીર બાળકોને અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરે.
મઝહિરની પત્ની સૈયદા રુકૈયા ફાતિમા રિઝવીએ વિદેશ પ્રધાનને લખેલા જણાવ્યું છે કે હું શિકાગોમાં મારા પતિની સુરક્ષાને લઈને ચિંતિત છું. હું અપીલ કરું છું કે કૃપા કરીને તેમને મદદ કરો અને તેમને શ્રેષ્ઠ સારવાર આપો અને જો જરૂરી હોય તો મને અને મારા ત્રણ સગીર બાળકોને અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરો જેથી હું મારા પતિ સાથે રહી શકું. સૈયદા રુકૈયા ફાતિમા રઝવીએ જણાવ્યું હતું કે, 4 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ તેને તેના પતિના એક મિત્રનો ફોન આવ્યો હતો.
જેમાં તેને જણાવવામાં આવ્યું હતું કે મઝહિર અલી પર શિકાગોમાં તેમના એપાર્ટમેન્ટ નજીક હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટ કરવામાં આવી હતી. બાદમાં તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હૈદરાબાદના રહેવાસી સૈયદ મઝહિર અલી શિકાગોની ઈન્ડિયાના વેસ્લેયાન યુનિવર્સિટીમાંથી આઈટીમાં માસ્ટર ડિગ્રી કરી રહ્યો છે. 4 ફેબ્રુઆરીએ શિકાગોમાં તેમના ઘર પાસે ત્રણ હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાઈરલ થયા છે. જેમાં હુમલાખોરો દોડીને સૈયદ મઝહિરને પકડતા જોવા મળે છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો પર હુમલાની ઘણી ઘટનાઓ બની છે. ગયા અઠવાડિયે જ અમેરિકાના ઓહાયો રાજ્યમાં શ્રેયસ રેડ્ડી નામના ભારતીય વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અગાઉ બે અન્ય ભારતીય વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા.