દિલ્હીમાં ખેડૂતો ફરીથી પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં ખેડૂતોના જામવાડાને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગર પોલીસ પ્રશાસને 7 અને 8 ફેબ્રુઆરી માટે જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે. પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ બહાર પાડી છે, જેમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને કારણે નોઈડા અને ગ્રેટર નોઈડામાં કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અંગે મુસાફરોને માહિતી આપવામાં આવી છે.
નોઈડા અને ગ્રેટર નોઈડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનના બદલામાં વળતર અને જમીનના પ્લોટમાં વધારો કરવાની માંગ સાથે ડિસેમ્બર 2023થી ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પર તેમની માંગણીઓ અંગે દબાણ વધારવા માટે, ખેડૂત સંગઠનોએ 7મી ફેબ્રુઆરીએ ‘કિસાન મહાપંચાયત’ બોલાવી છે અને 8મીએ રાજધાની દિલ્હીમાં સંસદ સુધી વિરોધ કૂચ કાઢવાની જાહેરાત કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતોને 7 ફેબ્રુઆરીએ મહાપંચાયતનું આયોજન કરવાનો અને 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં સંસદ સુધી કૂચ કરવાનો પ્રસ્તાવ છે.
આ સમયગાળા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા કેટલાક અન્ય પ્રદર્શન કાર્યક્રમોની પણ દરખાસ્ત કરવામાં આવી છે. આ જોતા અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાની શક્યતા નકારી શકાય તેમ નથી.’ ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને નોઈડા અને ગ્રેટર નોઈડા પોલીસે 7 અને 8 ફેબ્રુઆરીએ કલમ 144 લાગુ કરી છે. આ અંતર્ગત 5 થી વધુ લોકોના એકઠા થવા અને ધાર્મિક અને રાજકીય સહિત અન્ય કોઈપણ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ રહેશે.
ખેડૂતોનું કહેવું છે કે પ્રશાસન દ્વારા ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં નથી આવી રહી. કિસાન સભાના જિલ્લા પ્રમુખ રૂપેશ વર્માએ જણાવ્યું હતું કે ગૌતમ બુદ્ધ નગરમાં ત્રણેય સત્તામંડળોમાં ખેડૂતોની સમસ્યાઓ સમાન છે. 10% રહેણાંક પ્લોટનો મુદ્દો ત્રણ સત્તામંડળોની બોર્ડ મીટિંગ દ્વારા પસાર થયા બાદ સરકારની મંજૂરી માટે પેન્ડિંગ છે. ખેડૂત નેતા સુનિલ ફૌજીએ જાહેરાત કરી હતી કે અન્ય તમામ સંગઠનોને જોડીને મોટી સંખ્યામાં ખેડૂતોને આંદોલનમાં સામેલ કરવામાં આવશે. સુખબીર ખલીપાએ કહ્યું કે નોઈડાના તમામ 81 ગામોના હજારો ખેડૂતો 8 ફેબ્રુઆરીએ સંસદનો ઘેરાવ કરવા ટ્રેક્ટર કૂચ કરશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને