ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૦૫ના મથાળે બંધ રહ્યો હતો. આજથી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મૉનૅટરી પૉલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ હોવાથી ટ્રેડરો અને રોકાણકારોએ સાવચેતીનું વલણ અખત્યાર કર્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૦૩ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૦૩ની સપાટીએ જ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૦૬ અને ઉપરમાં ૮૩.૦૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૦૫ના મથાળે બંધ રહ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજદરમાં વહેલાસર કપાત મૂકવાની શરૂઆત થવાની શક્યતા ઓછી હોવાનું જણાવતા ડૉલર અમેરિકી બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડ અને ડૉલર ઈન્ડેક્સમાં વધારો થયો હતો. ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૫૪.૬૭ પૉઈન્ટનો અને ૧૫૭.૭૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૨૪ ટકા ઘટીને બેરલદીઠ ૭૭.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.