મધ્ય પ્રદેશના હરદામાં ફટાકડાના કારખાનામાં આગ લાગતા ૧૧ ભડથું, ૨૦૦ને ઈજા
વિનાશક આગ: મધ્ય પ્રદેશના હરદામાં આવેલા ફટાકડાના કારખાનામાં ધડાકાભેર આગ ફાટી નીકળ્યા પછી ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. (પીટીઆઈ)
ભોપાલ / હરદા : મધ્ય પ્રદેશના હરદા નગરમાં ફટાકડાના કારખાનામાં શક્તિશાળી સ્ફોટ થતાં અને પછી આગ લાગતાં ઓછામાં ઓછા અગિયાર જણના મૃત્યુ થયા છે અને બીજા ૨૦૦ લોકોને ઈજા પહોંચી છે એવી માહિતી વરિષ્ઠ અધિકારીએ આપી હતી. આ દુર્ઘટનાના અમુક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે જેમાં ભીષણ આગ અને વચ્ચે મોટા ધડાકા જોવા મળે છે તેમ જ લોકો જાન બચાવવા મરણિયા થઈને ભાગી રહ્યા છે. રાજ્યની રાજધાની ભોપાલથી ૧૫૦ કિલોમીટર દૂર હરદા
નગરના સીમાના મગરધા રોડના બૈરાગઢમાં આવેલા કારખાનામાંથી ધુમાડાના ગોટા નીકળ્યા હતા. ગૃહ ખાતાના વધારાના સચિવ સંજય દુબેએ કહ્યું હતું કે હરદા બનાવમાં અત્યાર સુધી નવ જણની જાનહાનિ નોંધાઈ છે અને બીજા ૨૦૦ને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત લોકો હવે ખતરાની બહાર છે. ધડાકાનું કારણ જાણવા મળ્યું નથી અને આગને કાબૂમાં લાવવાના પ્રયાસો ચાલુ છે એવી માહિતી અધિકારીઓએ આપી હતી.
મુખ્ય પ્રધાન મોહન યાદવે પરિસ્થિતિની સમીક્ષા કરવા બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું હતું કે બચાવ કામ માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવા લશ્કરની મદદ માગવામાં આવી છે. મુખ્ય પ્રધાનની કચેરીએ એક્સ પર મૂકેલી પોસ્ટમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાને બેઠકમાં ઈજાગ્રસ્તોને તત્કાળ સારવાર આપવાનો આદેશ આપ્યો હતો. આસપાસના વિસ્તારોમાંથી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી રહી છે અને હેલિકોપ્ટરો મેળવવા લશ્કરનો સંપર્ક કરવામાં આવ્યો છે. સીએમઓએ એક્સ પર મૂકેલી પોસ્ટમાં કહ્યું હતું કે મેં લાગતાવળગતા અધિકારીઓ સાથે વાત કરી હતી. કેન્દ્રને દુર્ઘટનાની જાણ કરાઈ છે. યાદવે મૃતકોના કુટુંબને ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને ઈજાગ્રસ્તોની સારવારનો બધો ખર્ચ સરકાર ઉપાડશે એવી જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાને સિનિયર મિનિસ્ટર ઉદય પ્રતાપ સિંહ, વધારાના મુખ્ય સચિવ અજિત કેસરી અને ડિરેકટર જનરલ (હોમ ગાર્ડ) અરવિંદ કુમારને હેલિકોપ્ટર મારફતે હરદા જવાનો આદેશ આપ્યો હતો. ઈંદોર, ભોપાલ અને ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની હૉસ્પિટલના બર્ન યુનિટને કોઈ પણ કટોકટી માટે બધી તૈયારી કરી રાખવાનો આદેશ અપાયો છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું હતું કે દુર્ઘટનામાં લોકોના જાન ગયા તેનાથી મને ઊંડુ દુ:ખ થયું છે અને હું અસરગ્રસ્ત કુુટંબીજનોને મારી શ્રદ્ધાંજલી પાઠવું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખેલી પોસ્ટમાં કહ્યું હતું કે હરદાના ફટાકડાના કારખાનામાં થયેલી દુર્ઘટના બદલ હું મારી પીડા વ્યક્ત કરું છું. જેમણે પણ તેમના આપતજન ગુમાવ્યા છે એ બધાને મારો દિલાસો. જે લોકો ઈજા પામ્યા છે એ લોકો વહેલા સાજા થાય એવી આશા.
મોદીએ પ્રાઈમ મિનિસ્ટર રિલીફ ફંડમાંથી મૃતકોના કુુટંબને બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. મોદીએ ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. (એજન્સી)